મોરબી : પાડોશી દેશના મૂળ ભારતીયોના પુનર્વસવાટમાં અમૂલ્ય યોગદાન આપનાર અગ્રણીઓનું સન્માન

- text


નવલખી રોડ પર આવેલા ત્રી મંદિર ખાતે યોજાયો ભવ્ય સન્માન સમારોહ

મોરબી : અખંડ ભારતના ભાગલા બાદ પડોશી દેશોમાંથી ભારત ખાતે અનેક લોકો ફરી વસવાટ માટે આવ્યા હતા. તેમના પુનર્વસવાટમાં પોતિકાપણાની ભાવનાથી વિશિષ્ટ યોગદાન આપનાર મહાનુભાવોનો ઓવરસિઝ હિન્દુ રીહેબિલિટેશન કમિટી ગુજરાત દ્વારા મોરબીના નવલખી રોડ સ્થિત આવેલ ત્રિમંદિર ખાતે સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં બહોળી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

મંત્રી વાસણભાઇ આહિરે દીપ પ્રાગટયથી કાર્યક્રમનું ઉદ્દઘાટન કરીને પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે પડોશી દેશોના અખંડ ભારતના હિન્દુ કુટુંબો પોતાના સમાજ અને માતૃભૂમિની લાગણી અનુભવીને ભારતમાં વસવાટ માટે આવેલા છે. તે ભારતીય સંસ્કૃતિના અભિન્ન અંગ સમાન છે. પડોશી દેશોમાં પ્રવર્તતી વર્તમાન પરિસ્થિતી, ધાર્મિક અને સામાજિક સમસ્યાઓને કારણે લધુમતી હિન્દુ સમાજના સ્થળાંતરીત કુટુંબોના પુનર્વસવાટ માટે સંવેદનશીલ કેન્દ્ર અને રાજય સરકાર હરહંમેશ કટ્ટીબધ્ધ છે. આ તકે તેઓએ સિંધી સમાજનો દાખલો આપી તેઓની દુધમાં સાંકર માફક ભળી જઇને સાધેલા સામાજિક શૈક્ષણિક અને આર્થીક ઉત્કર્ષને અન્યો માટે માર્ગદર્શક ગણાવી હતી.

સાંસદ મોહનભાઇ કુંડારીયાએ સ્થળાંતરીત હિન્દુ સમાજના કુટુંબોને લાંબા સમયના વિઝા અને અન્ય કાનુની પ્રશ્નો બાબતે સરળીકરણ કરી વસવાટ અને આર્થીક બાબતોને લગતી સમસ્યાઓના સુચારૂ નિવારણ માટે કેન્દ્ર અને રાજય સરકાર સંવેદનશીલ છે અને સતત કાર્યરત છે. તેવી ખાત્રી આપી હતી. કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા એ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે આવા હિન્દુ સ્થળાંતરીત થઇને આવેલા કુટુંબોના લાંબા સમય માટેના પાસપોર્ટ વિઝા રિન્યુઅલ, અને વસાવાટને આનુસાંગીક સુવિધાઓને સરળ બનાવી છે.

આ તકે જોધપુર રાજસ્થાનથી ઉપસ્થિત રહેલા અને આ બાબતે સતત કાર્યશીલ એવા હિન્દુસિંહ સોઢાએ ભારત આવેલા સ્થળાંતરીત હિન્દુ કુટુંબોના પુનર્વસવાટ માટેના કેન્દ્ર અને રાજય સરકારના કાર્યોની પ્રશંસા કરી આ કુટુંબોના આર્થીક અને સામાજિક ઉત્થાન માટે જરૂરી સુચનો કર્યા હતા. પૂર્વ મંત્રી જયંતીભાઇ કવાડીયા અને પૂર્વ ધારસભ્ય કાંતીભાઇ અમૃતિયાએ પણ પ્રાસંગિક પ્રવચનો કરી પુનર્વસવાટ અર્થે વિશિષ્ટ પ્રદાન કરનાર મહાનુભાવાને બિરદાવ્યા હતા.

- text

આ પ્રસંગે ઓવરસિઝ હિન્દુ રીહેબિલિટેશન કમિટી ગુજરાત દ્વારા સ્થળાંતરીત હિન્દુ કુટુબોના પુનર્વસવાટ માટે વિશિષ્ટ કામગીરી કરનાર ઘનુભા જામભા ઝાલા, સીકરીના ઇન્દ્રસિંહ, હાડાટોડાના રાજુભા, હાજાભાઇ રબારી, મોઢવાના કિરીટસિંહ રાણા, કોંઢના મયુરસિંહ રાણા, તથા કાનજીભાઇ બાબરીયાનું મહાનુભવોના હસ્તે ઉષ્માવસ્ત્ર ઓઢાડી વિશિષ્ટ સન્માન કરાયું હતું.

આ તકે સોઢા ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા શૌર્ય રાસ રજૂ કરાયા હતો અને ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પહાર અને શાલ વડે કમીટીના અગ્રણી નાથુસિંહ સોઢા અને અન્યો દ્વારા સ્વાગત કરાયું હતું. જયારે શાબ્દીક સ્વાગત હઠુભા સોઢા દ્વારા કરાયું હતું.

ઉલ્લેખનીય છે કે આઝાદી પછી ભાગલા સમયે અને ત્યારબાદ ૧૯૬૫ અને ૧૯૭૧ના યુધ્ધ પછી અનેક હિન્દુ કુટુંબો કે જે પડોશી દેશોમાં લઘુમતી કોમમાં હોવાથી અને સામાજીક, ધાર્મિક પ્રતિકુળ સંજોગોને અનુલક્ષીને ભારતમાં સ્થળાંતરીત થયા હતા. જે ગુજરાત, રાજસ્થાન, અને પંજાબ ઉપરાંત અન્ય રાજયોમાં વસવાટ કરી રહયા છે. જેમાં ખાસ કરીને ક્ષત્રિય સોઢા રાજપૂત, માલી, મહેશ્વરી, રબારી, આહિર, કોળી, અને અનુસૂચિત જાતીના કુટુંબોનો સમાવેશ થાય છે.

આ પ્રસંગે માંડવી કચ્છના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારા, ગોપાલક બોર્ડના પૂર્વ ચેરમેન અરજણભાઇ રબારી, કલેકટર આર.જે. માકડીયા, જિલ્લા પોલીસ અધિક્ષક કરણરાજ વાઘેલા, ભાજપ અગ્રણિઓ શૈલેન્દ્રસિંહ જાડેજા, પ્રદિપસિંહ વાળા, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્ય, સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓના હોદેદારો, પદાધિકારીઓ, સમાજિક સંસ્થાઓના હોદેદારો અને મોટી સંખ્યામાં સ્થળાંતરીત હિન્દુ કુટુંબોના સભ્યો અને નગરજનો ઉપસ્થિત રહયા હતાં.

- text