મોરબી જિલ્લાનું આરોગ્ય રામભરોસે : જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારીની જગ્યા ખાલી !!

- text


મેલેરિયાના રોગચાળામાં સંવેદનશીલ મોરબી જિલ્લામાં તાકીદે આરોગ્ય અધિકારીની નિમણુંક કરવા રજુઆત

મોરબી : મોરબી જિલ્લો બનવા છતાં સરકાર દ્વારા રાગદ્વેષ રાખવામાં આવી રહ્યો હોય જિલ્લાસ્તરે તાલુકાસ્તર જેવી પણ સુવિધા ન મળતી હોવાની હકીકત વચ્ચે મોરબી જિલ્લામાં આરોગ્ય અધિકારી વર્ગ – ૧ ની તમામ જગ્યા ખાલી હોવાથી મોરબી જિલ્લાનું આરોગ્ય રામભરોસે મુકાયું છે, આ મામલે જિલ્લા પંચાયત પ્રમુખે તાકીદે આરોગ્ય અધિકારીની જગ્યા ભરવા માંગણી ઉઠાવી છે.

મેલેરિયા જેવી ગંભીર બીમારી માટે સેન્સેટિવ ગણાતા મોરબી જીલ્લામાં જિલ્લા પંચાયતની આરોગ્ય શાખામાં ખાલી જગ્યાઓને કારણે યોગ્ય કામગીરી થઇ શકતી નથી તેવા સંજોગોમાં રાજ્યના આરોગ્ય અને તબીબી સેવાના કમિશનરને રજૂઆત કરી જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ જણાવ્યું છે કે હાલમાં સરકાર દ્વારા ઓરી અને રૂબેલા રસીકરણ અભિયાન શરુ કરવામાં આવ્યું છે પરંતુ વર્ગ ૧ અને ૨ ના અધિકારીઓ તેમજ કર્મચારીઓની જગ્યા ખાલી હોવાથી કામગીરીને અસર પડી રહી છે.

- text

વધુમાં મોરબી જીલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડો. જે. એમ. કતીરાને તા. ૦૬-૦૨-૧૮ થી ગાંધીનગર વડી કચેરીએ ફરજ પર બોલાવી લેવામાં આવતા મોરબી જીલ્લો ચાર્જ પર નભી રહ્યો છે. ઉપરાંત જીલ્લાના તબીબી અધિકારી વર્ગ અને ક્વોલીટી એશ્યોરન્સ મેડીકલ ઓફિસર તેમજ ડીસ્ટ્રીકટ મેલેરિયા ઓફિસરની એક એક જગ્યા મળીને કુલ ૪૬ માંથી માત્ર ૧૯ જ અધિકારી કર્મચારીઓ કામ કરી રહ્યા છે.

હાલમાં જિલ્લા પંચાયતમાં ૨૭ જગ્યાઓ ખાલી પડી છે જે ક્યારે ભરાશે તેનો જવાબ મળતો નથી એ જ રીતે તાલુકા હેલ્થ ઓફિસરની તમામ પાંચ જગ્યા ખાલી પડી છે ત્યારે જીલ્લાના નાગરિકોનું આરોગ્ય રામભરોસે મુકાયું હોય ડો.કતીરને પુનઃ મોરબી ફરજ સોંપી બાકીની ખાલી રહેતી જગ્યા ભરવા જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ અંતમાં માંગણી દોહરાવી હતી.

- text