મોરબી : હોન્ડાના શોરૂમના માલિકને લૂંટવાના પ્લાન સાથે આવેલા ત્રણ શખ્સો તમંચા સાથે ઝડપાયા

- text


લૂંટની પેરવીમાં રહેલા ત્રણ શખ્સોને પોલીસે તમંચા અને મરચાની ભૂકી સાથે સ્કાય મોલ નજીક દબોચી લીધા

મોરબી : મોરબીના શનાળા રોડ પર સ્કાય મોલ નજીક શંકાસ્પદ હિલચાલ કરતા ત્રણ શખ્સોને પોલીસે દેશી તમંચા અને મરચાની ભૂકી સાથે ઝડપી લેતા ચકચાર જાગી છે. ઝડપાયેલા ત્રણ્ય યુવાનોએ પોલીસની પૂછપરછમાં સ્કાય મોલની સામે આવેલા હોન્ડાના શોરૂમના માલિકને લૂંટવાના પ્લાન સાથે આવ્યાની સનસનીખેજ કબૂલાત આપી હતી. પરંતુ પોલીસે આ શખ્સો લૂંટની ઘટનાને અંજામ આપે તે પહેલા જ પોલીસે તેમને ઝડપી લીધા હતા.

મોરબી એ ડિવિઝન પીઆઇ ચૌધરી સહિતનો સ્ટાફ ગઈકાલે સાંજે પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને ખાનગી રાહે બાતમી મળી હતી કે સ્કાય મોલ પાસે ત્રણ શખ્સો હથિયારો સાથે લૂંટની ઘટનાને અંજામ આપવા આવ્યા છે. બાતમી આધારે પોલીસે સ્કાય મોલ પાસે વોચ ગોઠવી નંબર પ્લેટ વગર બાઈક પર સવાર ત્રણ શખ્સોની શંકાસ્પદ હિલચાલના આધારે અટક કરી હતી. પોલીસ ત્રણ્ય શખ્સોની તલાસી લેતા તેમની પાસેથી એક દેશી તમાચો, છરી અને મરચાની ભૂકી મળી આવી હતી. જેથી પોલીસે હથિયારો સાથે ઝડપાયેલા બાઈક સવાર રૂપેશ ઠાકર, રૂષિરાજસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપ ગિરધરભાઈ લગ઼ીધીર રહે. ત્રણ્ય મોરબી વાળાની ધરપકડ કરી તેમની પુછપરછ હાથ ધરી હતી.

- text

પોલીસની પ્રાથમિક પુછપરછમાં ત્રણેય શખ્સોએ સ્કાય મોલ પાસે આવેલા વિનાયક હોન્ડા શો રૂમના માલિક મિતેષભાઈ બાવરવા પૈસા લઈને ઘરે જવા નિકળે ત્યારે તેમને લૂંટી લેવાનું કાવતરું ઘડ્યું હોવાની ચોંકવનારી કબૂલાત આપી હતી. અને આ લૂંટનો પ્લાન ચાર દિવસ પેહલા કર્યો હોવાનું જણાવ્યું હતું. જેથી હાલ એ ડિવિઝન પોલીસે ત્રણેય શખ્સો સામે ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જો કે હાલ તો પોલીસે ત્રણેય શખ્સોને દબોચી લઈ કડક પૂછપરછ શરૂ કરતાં આ ત્રિપુટીએ અગાઉ ક્યાંય લૂંટ કે અન્ય કોઈ ગુન્હાને અંજામ આપ્યો છે કે કેમ તેમજ દેશી તમંચા અને મરચા પાઉડર સાથે ક્યાં ગુન્હાને અંજામ આપનાર હતા તે સહિતની બાબતોને લઈ પૂછપરછ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.

- text