ફિલ્મ રિવ્યુ : ધડક (હિન્દી) : પહેલાં પ્રેમનું પંચરંગી પિક્ચર!

- text


કોઈએક પ્રાદેશિક ભાષામાં સારી ફિલ્મ બને અને તેના પરથી બોલીવુડમાં હિન્દી ફિલ્મ બને એ સારી બાબત કહેવાય, વધુ લોકો સુધી એ પહોંચી શકે. મરાઠી ફિલ્મ ‘સૈરાટ’નું ઓફીશિયલ એડેપ્શન એટલે ધડક. ટ્રેલર આવ્યું ત્યાં જ સોશ્યલ મીડિયા અને ક્રિટીક આલમમાં કચવાટ શરૂ થઈ ગયો કે આ સૈરાટ જેવી નહીં હોય. આપણે તો ફિલ્મને ફિલ્મ તરીકે જોવાનું નક્કી કર્યું! ને ‘ધડક’ એમ ધડકધડક કરાવી ગઈ.

ફિલ્મ રાજસ્થાનના બેકગ્રાઉન્ડમાં શરૂ થાય છે. ફિલ્મનો નાયક મધુકર બાગલા (ઈશાન ખટ્ટર) અને નાયિકા પાર્થવી સીંગ (જ્હાનવી કપૂર) એકબીજાના પ્રેમમાં પડે છે. આંખોના ઇશારાઓથી શરૂ થતું આકર્ષણ ગળાડૂબ પ્રેમ સુધી પહોંચે છે! પ્રેમ કોઈ ઉચ્ચનીચ જોતો નથી, એ તો બસ થઈ જાય જેવી ટીપીકલ બૉલીવુડ લવસ્ટોરી અહીં પણ છે. ઉચ્ચ જ્ઞાતિની છોકરી સામાન્ય પરિવારના છોકરા સાથે ઈશ્ક કરી બેસે છે. બંને વચ્ચેના પ્રેમમાં છોકરીનો પરિવાર વિલન બને છે. બંને ભાગી જાય છે. હકીકતમાં તો, છોકરી છોકરાને ભગાડી જાય છે. બંને ઘર-પરિવાર અને શહેરથી દૂર કલકત્તા વાયા મુંબઇ પહોંચે છે. હસી-ખુશી જીવન વીતાવવા જિંદગી સાથે સંઘર્ષ કરે છે અને એક દિવસ…..

એક ફકરાની આ વાર્તા ફિલ્મમાં બે કલાક સુધી એકદમ હળવીફૂલ રીતે ચાલે છે. ઉદયપુરના લોકેશન્સ આંખોમાં વસી જાય એવાં છે. કરણ જૌહરનું ધર્મા પ્રોડક્શનસ હોય એટલે ફિલ્મમાં સેટ્સ, ફેશનેબલ ડ્રેસીસ, બ્રાન્ડ પ્રમોશન અને કલરફુલ ફ્રેમ્સ તો હોય જ. ફિલ્મમાં પહેલા પ્રેમમાં થતી પરિસ્થિતિ અદ્ભૂત રીતે ફિલ્માવી છે. કોલેજકાળમાં થતો રોમાન્સ ‘પહેલા નશા’ગીતની યાદ અપાવી જાય છે. મીઠી નોકજોકમાં ક્યારે પ્રેમનું અંકુર ફૂટીને ઘટાટોપ થઈ જાય છે, આપણને ખબરેય ન પડે! ફિલ્મના કેટલાક શોટ્સમાં સ્ક્રિન પર સાઇલેન્સ છવાઈ જાય છે અને એ સીન એક ઊંચાઇએ પહોંચે છે. સિનેમેટોગ્રાફી ખૂબ સરસ છે. ફિલ્મમાં આવતો કીસિંગ સીન ટાઇટેનિકના કારવાળા સીનની યાદ અપાવે છે. તો કલાઈમેક્સમાં સીટ સાથે ચોંટી જવાય એટલું દર્દ ફિલ્મ આપી શકવા સક્ષમ છે. (એ માટે દિલ હોવું જરૂરી છે☺.)

- text

‘બિયોન્ડ ધ કલાઉડ્સ’ પછીની ઈશાનની આ બીજી ફિલ્મ છે. રાજસ્થાની લવર બોયના રોલમાં ઈશાન દિલ જીતી લે છે. કાનમાં બુટ્ટી પહેરેલો ઈશાન અસ્સલ રાજસ્થાની લાગે છે. ડાયલોગ ડિલિવરી અને એકપ્રેશનમાં પણ ફૂલ માર્ક્સ મળે. રાજસ્થાની ઉપરાંત બંગાળીમાં પણ તે બોલે છે. ગીતોમાં ફીલિંગ્સ સાથેનું તેનું લીપસીંગ પણ નોંધપાત્ર છે. શ્રીદેવી પુત્રી જ્હાનવી કપૂરે પોતાની ડેબ્યુ ફિલ્મથી જ બ્યુગલ વગાડી દીધું છે કે તે હવે ઉભી રહેવાની નથી. ફિલ્મમાં તે રીતસર ઈશાનના ‘મધુકર’ના રોલને ખાઈ જાય છે. બાઈક ચલાવતી, હુકમ કરતી અને કોઈનીયે પરવા કર્યા વિના પ્રણય કરતી પાર્થવી બોલ્ડ એન્ડ ગ્રેસફુલ છે. ભાગીને લગ્નજીવન શરૂ કરનાર ગૃહિણી તરીકે ખૂબ સહજ લાગે છે. તેના પાત્રમાં લાગણીઓના અનેક રંગો ડાયરેક્ટરે ઉમેર્યા છે.

ડાયરેક્ટર શશાંક ખૈતાન એમની દુલહનીયા ઈમેજમાંથી બહાર આવ્યા છે. (જોકે, બંગાળી પરિવેશમાં આ રાજસ્થાની કપલના ફેરા તો આમાંય છે!) એક લવસ્ટોરી ફિલ્મમાં હોય તેવી ક્યુટનેસ, હેપીનેસ અને ડાર્કનેસ અહીં પણ છે. મહેલોમાં ઉછરેલી છોકરીની સામાન્ય જીવન જીવવાની ઝંખના અને મધ્યમવર્ગના છોકરાની પોતાની પત્ની માટે મોટો મહેલ બનાવવાની મહત્વકાંક્ષા તેઓએ દર્શાવી છે. ફર્સ્ટ હાફમાં પેસમાં ચાલતી ફિલ્મ સેકન્ડ હાફમાં ધીમી પડે છે. કેટલુંક વાસ્તવિક લાગે છે ને કેટલુંક ફિલ્મી પણ. તેમછતાં ફિલ્મ એક ફ્રેશનેસ ધરાવે છે. મૂળ સૈરાટના મ્યુઝિક ડાયરેક્ટર અજય-અતુલની જોડી એ ફરી એકવાર કમાલ કરી છે. બંને ફિલ્મમાં રહેલું ગીત ઝીંગાટ જેવું મરાઠીમાં બન્યું છે, એવું હિન્દીમાં નથી બન્યું, બાકી ધડકનો ટાઇટલટ્રેક કોલરટ્યુન અને રીંગટોન્સમાં તો પહોંચી ગયો છે. ‘પહેલી બાર હૈ જી’ગીતમાં જેટલી ફ્લયુટ કર્ણપ્રિય છે એટલાં જ અમિતાભ ભટ્ટાચાર્યના શબ્દો!

જોવાય કે નહીં?
ધડક ફિલ્મ એક ‘બેધડક’ લવસ્ટોરી છે, લવમેરેજ કરનારની કથા-વ્યથા છે. બંને નવા ચહેરાઓએ દિલ રેડયું છે. નવી પેઢીને તો ફિલ્મ ગમશે જ. ફિલ્મનું મ્યુઝિક અને સિનેમેટોગ્રાફી જબરદસ્ત છે. ફિલ્મની સરખામણી કરશો તો કદાચ નહીં ગમે.

ફિલ્મના કલાઈમેક્સમાં આવતો આંચકો, હલબલાવી જાય એવો છે. વર્ષો થયાં પણ આપણો સમાજ એવોને એવો જ ઓર્થોડોક્સ છે. ફિલ્મનો અંત જોયાં પછી થોડી વાર શૂન્યમનસ્ક થઈ જાવ તો, સમજવું કે અંદરનો માણસ હજી જીવે છે!

રેટિંગ : 7/10

એક સ્પષ્ટતા : અહીં સૈરાટમાં આ છે અને ધડકમાં આ નથી, એવો બાલિશ તુલનાત્મક અભ્યાસ અહીં મુક્યો નથી. ધડકને એક સ્વતંત્ર ફિલ્મ રીતે આલેખવાનો પ્રયત્ન કર્યો છે.
(જોકે, ધડક ફિલ્મ વિશે સાંભળ્યું ત્યારથી સૈરાટ જોવાની ઈચ્છા હતી, પણ એ શક્ય ન બન્યું. જ્યારે ધડક ફિલ્મનું ટ્રેલર જોયું અને નક્કી કર્યું કે, હવે પહેલાં આ જ જોવાશે.)

આલેખન : મનન બુધ્ધદેવ
9879873873
FB : Master Manan

- text