વાંકાનેર રાજમહેલ ચોરી : તસ્કરોએ રજવાડી ખુરશીમાંથી ચાંદી કાઢી ફેંકી દીધેલા લાકડા મળ્યા

વાંકાનેર રાજમહેલમાં થયેલ ચોરીમાં પોલીસને આંશિક સફળતા મળી

વાંકાનેર : વાંકાનેરના રણજીત વિલાસ પેલેસમાં ચાર દિવસ પહેલા થયેલી ચોરીની ફરિયાદ યુવરાજ કેશરીદેવસિંહ દ્વારા નોંધાવવામાં આવેલ હતી ત્યારબાદ મોરબી જિલ્લા ડીવાયએસપી શ્રી બન્નો જોશીના માર્ગદર્શનમાં વાંકાનેર સીટી પોલીસ, મોરબી જિલ્લા એસ. ઓ. જી. અને મોરબી જીલ્લા એલસીબી દ્વારા તપાસ આરંભી હતી અને આ ચેલેન્જરૂપ ચોરીનો પર્દાફાશ કરવા પોલીસ ટીમ રાત દિવસ મહેનત કરી રહી હતી.

પોલીસની આ મહેનત ના ફળ સ્વરૂપ ચોરીનું પગેરું શોધવા ડીવાયએસપી બન્નો જોશીના માર્ગદર્શન થી સંપૂર્ણ ટીમ પેલેસના આસપાસનો પહાડી વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરેલ જ્યાં પોલીસની ટીમ ને સફળતા પ્રાપ્ત થઈ હતી. પેલેસમાંથી ચોરાયેલી એન્ટીક વસ્તુઓને પેલેસમાંથી ચોરી કરી અને આ પહાડી વિસ્તારમાં લઇ જવામાં આવી હોવાનું ખુલ્યું હતું. આ ઉપરાંત ચોરો દ્વારા આ વસ્તુઓ ભારેખમ હોવાથી સાથે લઈ જવાઈ એ સ્થિતિમાં ન હોવાથી ત્યાં પહાડોમાં રજવાડી ખુરશીમાંથી ચાંદી કાઢી લઈ અને વધેલા લાકડા ત્યાં જ ફેંકી દેવામાં આવેલ. તે ઉપરાંત અન્ય સામાનમાં પણ આ જ રીતે ચાંદી કાઢી નાખી વધારાના લાકડા ત્યાં જ પહાડોમાં ફેંકી દીધેલ જે લાકડા પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવેલ છે. આમ ચોરી થયેલ વસ્તુઓમાંથી કીંમતી ચાંદી ચોર પોતાની સાથે લઇ ગયેલ છે અને વધારાના લાકડા અને કપડા ત્યાં મૂકીને ચાલ્યા ગયેલ છે.

આમ પોલીસની ટીમ ચોરીનું પગેરું શોધતા-શોધતા ચોરના પગલા દબાવતા આગળ વધી રહેલ છે અને આશા છે કે મોરબી પોલીસને ચેલેન્જરૂપ ચોરીનો ભેદ ટૂંક સમયમાં ઉકલી દેશે.

આ બનાવ ઉપરથી એ વાત પણ સ્પષ્ટ થાય છે કે વાંકાનેર રાજમહેલની ધરોહર એવી આ એન્ટીક વસ્તુઓ હવે પછી ક્યારેય જોવા મળશે નહીં કારણકે ચોરે આ વસ્તુઓનો નાશ કરી દિધો છે અને હવે ફક્ત ફોટોમાં જ આ વસ્તુઓ જોવા મળશે.

આ ઉપરાંત અહીં એ વાત પણ નોંધનીય છે કે રાજ પેલેસ તરફથી જે ફરિયાદ આપવામાં આવેલ છે જેમાં અંદાજિત 100 કિલો ની ચાંદીની વસ્તુઓ ચોરાઈ હોવાનું અને અંદાજિત કિંમત ૩૪ લાખ હોવાનું જણાવવામાં આવેલ છે પરંતુ આ લાકડાનો મુદ્દામાલ જોતા એવું ફલિત થઇ રહ્યું છે કે આ ચોરાયેલી વસ્તુ માથી સો કિલો ચાંદી હોય એવું જણાય આવતું નથી કારણ મોટાભાગની વસ્તુઓ લાકડાની બનેલી હોવાનું અને તે લાકડા ઉપર ચાંદીના પતરાથી મઢેલી હોવાનું અહીં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. હવે તો જ્યારે ચોર પકડાઈ અને મુદ્દામાલ રીકવર કરવામાં આવે ત્યારે સાચો વજન અને કિંમત નો ખ્યાલ આવશે.