ફિલ્મ રિવ્યુ : બેક બેન્ચર (ગુજરાતી) : ધ ફ્રન્ટ સાઈડ ઓફ બેકબેન્ચર્સ

- text


એજયુકેશનને કેન્દ્રમાં રાખીને આપણી ભાષામાં પણ ફિલ્મો બનવા લાગી છે. તાજેતરમાં આવેલી સેક્સ એજ્યુકેશન ફિલ્મ પછી જેની ખૂબ રાહ જોવાઇ રહી હતી, એવી બેક બેન્ચર મૂવી આવી છે. ફિલ્મના ટ્રેઇલર પરથી કળી શકાય એમ હતું કે, આજની શિક્ષણપ્રથા પર કટાક્ષ હશે. મૂવી જોઇને થયું કે કટાક્ષ માત્ર શિક્ષણ ઉપર નથી, વાલીઓ અને સમાજ પર પણ છે.

બેક બેન્ચર એટલે કે વર્ગમાં કાયમ છેલ્લી બેન્ચ પર બેસતાં વિદ્યાર્થીઓની વ્યથાને ફિલ્મમાં વાચા અપાઇ છે, તો બાળકના બાળપણને શિક્ષકો, મા-બાપ, સમાજ કેવી રીતે ખતમ કરી નાખે છે, એની પણ કેટલીક બાબતો ફિલ્મમાં છે. શિક્ષણ પ્રયત્નલક્ષી હોવું જોઈએ, પરિણામલક્ષી નહીં, એવો સંદેશ પણ ફિલ્મ આપી જાય છે. (આમ, તો ફર્સ્ટ હાફમાં ડાયલોગરૂપે કેટલાક વ્હોટ્સએપ મેસેજ વાંચતા હોય એવું પણ લાગે!) તેમ છતાં, ફિલ્મ પાસે જે રીતની અપેક્ષા હતી, એવી ટ્રિટમેન્ટ નથી. ફિલ્મમાં બતાવવાને બદલે, કહેવાયું ઘણું છે એટલે કે ફિલ્મ ઘણી વર્બોસ છે.

વાત છે, બેક બેન્ચર વિદ્યાર્થી ગોપાલની. સમાજના ઉચ્ચ મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતું આ બાળક લોર્ડ ઓફ લાસ્ટ બેન્ચ છે. તે ખૂબ લાગણીશીલ છે, ક્રિએટિવ છે, સમજુ છે, પણ પરિણામ લાવી શકતો નથી. તેના બીજાં ત્રણ મિત્રો પણ તેની જેમ જ ત્રણ ચાર વિષયમાં કાયમ નાપાસ થાય છે! (ખરેખર તો, બાળક નાપાસ નથી થતું, તેને શીખવનાર તેને શીખવવામાં નાપાસ થયા એમ કહેવાય.) ગોપાલના પિતા તેને પરિણામ બાબતે કોઇ જ ઠપકો નથી આપતાં, પણ તેના મમ્મી આખો દિવસ મેણાં-ટોણા માર્યા કરે છે. ગોપાલ પણ ધીમે ધીમે ફ્રસ્ટ્રેશનનો ભોગ બને છે, અને ન કરવાનું કરી બેસે છે. જી, નહીં એ આત્મહત્યા નથી કરતો…. પણ ઘર છોડી દે છે, અને શરૂ થાય છે જીવનની પાઠશાળા.

ગોપાલના રોલમાં ક્રિશ ચૌહાણ, ખૂબ જ જચે છે. એકદમ નેચરલ લાગે છે. ટીવી સિરિઅલ્સમાં આવતો આ ચહેરો બાળકોમાં જાણીતો છે. આ ગોપાલ આમ તો શાળામાં કાંઈ ખાસ ઉકાળતો નથી, પણ ક્યારેક ક્યારેક શિક્ષકોને એવા પ્રશ્ન પૂછી લે છે, જે શિક્ષકોને મૂંઝવી દે છે. ગણિત વિષયમાં તો કાયમ એને ઉભું જ રહેવું પડે છે. જોકે, એના બેડરૂમમાં બેડની પાછળ એક ‘ટ્રોફી’મુકેલી હોય છે, એ તેને શેના માટે મળી હશે? એવો પ્રશ્ન થઈ આવે. તે મહેનત તો કરે છે, પણ કાંઈ સમજી શકતો નથી. ફિલ્મમાં ડાયલોગ આવે છે, તમે કાંઈ સમજી શકતા નથી, એ સમજાય જાય તો પણ ઘણું છે! ગોપાલ મહેનત તો કરે છે, પણ તે જાણે પ્રેશરકુકર હોય એમ તેના પર સારું કરવાનું દબાણ આવતું જ રહે છે!

ગોપાલના પિતા જગદીશભાઈ તરીકે ધર્મેન્દ્ર ગોહિલે તથા માતા કવિતા તરીકે અમી ત્રિવેદીએ રોલ કર્યો છે. ચલ, મન જીતવા જઈએની જેમ પિતાના રોલમાં ધર્મેન્દ્ર ગોહિલે ખૂબ સારો અભિનય કર્યો છે. જોકે, એમાં સંતાન સાથે દલીલ હતી, જ્યારે અહીં સમજાવટ છે. એમનો બાળક પ્રત્યેનો એટિટ્યુડ સરાહનીય છે. તેઓ ક્યારેય બાળકને ભણવા બાબતમાં પ્રેશર નથી કરતા, મિત્ર તરીકે બાળકને સ્વીકારે છે. ચારને બદલે ત્રણ વિષયમાં નાપાસ થવા બદલ ગોપાલને આઈસ્ક્રીમ ખવડાવવા ઇચ્છે છે! જ્યારે એનાથી ઉલ્ટું માતા તરીકે કવિતા માત્ર નામની જ કવિતા છે, બાકી જરાય ઋજુતા નથી. બાળકને તેના પરિણામ બાબતે સતત ટોર્ચર કરે રાખે છે. ભણવા બેસ, બદામ ખા, ટ્યુશનમાં જા, લેશન કર…. અહીં આ મમ્મી ગુજરાતની મોટાભાગની મમ્મીની જેમ પોતાના બાળકને રેસનો ઘોડો સમજે છે અને બીજાના બાળકો સાથે પોતાના બાળકની સરખામણી કરતી રહે છે. ફિલ્મમાં ‘ભોલા’ના રોલમાં ધ્યાન ખેંચે એવો અભિનય કર્યો છે, સ્ટેન્ડઅપ કોમેડીયન, ઓમ ભટ્ટે.

- text

આમ, જોવા જઈએ તો આ કહાની ઘર ઘર કી છે. આજની શિક્ષણપ્રથા એટલી જટીલ બની ગઈ છે (કે બનાવવામાં આવી છે!) કે, બાળકને માત્ર માર્ક આવવા જોઈએ ગુણ નહીં!! રસ્તામાં ગરીબને પોતાનો લંચબોક્સ ખવડાવી દેતો કે કોઈ રસ્તામાં કચરો ફેંકે તો, દ્રવી ઉઠતો બાળક ‘સમાજશાસ્ત્ર’માં ફેઈલ થાય છે! જેને ગોખવું નથી પણ સમજવું છે, એવા બાળકને કોઈ સમજાવતું નથી! જેને સિલેબસની બહારનો એકપણ સવાલ પૂછાય નહીં એવા શિક્ષકો ફિલ્મમાં છે. સોટી રાખતાં શિક્ષકો, શબ્દોની સોટી પણ એવી વીંઝે છે, કે એના ઘા રુઝાતાં નથી. કોર્સ પૂરો કરવાની તાલાવેલી ઘણું અધૂરું મુકાવે છે. ટ્યુશનના નામે થતી ઉઘાડી લૂંટ પર પણ કટાક્ષ કર્યો છે. જોકે, ફિલ્મમાં એવું તો ઘણું બધું છે, જે હવે કદાચ જોવા મળતું નથી. (થેન્ક્સ ટુ રાઇટ ટુ એજ્યુકેશન!)

ફિલ્મમાં આવતું બાળગીત સાઇકલ મારી સરરર જાય… સ્કૂલના દિવસોની યાદ કરાવી જશે. ફિલ્મનું એક ગીત ‘એકતારા બોલે’ ઓસમાણ મીરે ગાયું છે. શબ્દો સાથે કંપોઝિશન પણ એટલું જ સુંદર છે. ફિલ્મમાં અમુક ગીતના સેડ વર્ઝન્સ પણ યોગ્ય રીતે યોગ્ય જગ્યાએ મુકાયા છે. ફિલ્મમાં ડાયરેક્ટર કીર્તન પટેલે ખૂબ ઝીણું કાંત્યું છે. શિક્ષકોના નામ પાડતા અને નકલ કરતા બાળકો, બાળકને કશાય કારણ વગર ઉતારી પાડતા શિક્ષકો, અન્યના સંતાનોને જોઈ લઘુતાગ્રંથિ અનુભવતા વાલીઓ વગેરે તેમણે કાબેલિયતપૂર્વક બતાવ્યું છે. તેમ છતાં, જે કેમેરાથી બતાવ્યું છે, એના વિશે બિનજરૂરી ડાયલોગ મુકવાની જરૂર ન્હોતી.

એક ફિલ્મની રીતે જોઈએ એ તો, ફિલ્મમાં કશુંક ખૂટે છે. ફિલ્મ દરમિયાન આપણને ક્યાંક તારે ઝમીં પર, હિચકી કે રેવાની છાંટ પણ દેખાય આવે છે. બેકબેન્ચર વિદ્યાર્થીને અહેસાસ થયાં, પછી તેની પ્રગતિ ક્યાંય ફોક્સ નથી. નાટક પૂરું થવામાં હોય અને ક્લાઈમેક્સ પહેલાં પડદો પડી જાય એવી સ્થિતિ થાય છે. જોકે, છેલ્લે સુપરઓવરમાં આ બેકબેન્ચર બાળકોને મોટાં થઈને સફળ થયાં એવું બતાવવામાં આવે છે. ફર્સ્ટ બેન્ચર્સને તેઓ નોકરીએ રાખે છે! સ્કૂલમાં જે છોકરી પ્રત્યે ક્રશ હતો, એ જ તેની પત્ની બને છે અને આપણાં ગોપાલભાઈ એક મોટિવેશનલ ગુરુ બને છે. આમ, ફિલ્મમાં ઘણુંબધું ફિલ્મી પણ છે. બાળકોના મોઢે કેટલાક સંવાદો મુક્યા છે, જે એની ઉંમરના બાળકો તો કદાચ વિચારી પણ ન શકે.

જોવાય કે નહીં?
ફિલ્મ શિક્ષણ ઉપર બની છે, એટલે શિક્ષકોએ તો ખાસ જોવી જોઈએ. જે વાલીઓને એવો વ્હેમ હોય, કે તેઓ પોતાના સંતાનની ખૂબ કાળજી લે છે, એમને તો એમના બાળક સાથે ખાસ જોવી જોઈએ. ફિલ્મમાં ઓછી અપેક્ષા લઇને જશો, તો વધુ ગમશે!

ફિલ્મ એક પ્રશ્ન મૂકીને તો જતી રહે છે, જેને શાળા નિષ્ફળ ગણે છે, એ એના જીવનમાં ઘણુંબધું કરી શકતા હોય છે, તો શાળા અને એની શિક્ષણપ્રણાલિની વિશ્વસનીયતા કેટલી? શિક્ષણ માટે જીવન નથી, જીવન માટે શિક્ષણ છે!

રેટિંગ : 6.5/10

આલેખન : મનન બુધ્ધદેવ
વ્હોટ્સએપ : 9879873873
FB : Master Manan

- text