વાંકાનેરના રણજીતવિલાસ પેલેસમાં તસ્કરો ત્રાટકયા : અનેક રજવાડી કિંમતી ચીજોની ચોરી

તસ્કરો ચાંદીની તોપ, ચાંદીનું ઘર, રજવાડી ચાંદીની ખુરશી સહિતની અંદાજે સાત થી આઠ લાખની ભારે ખમ્મ ચીજવસ્તુઓ ઉઠાવી ગયા : વાંકાનેર સ્ટેટના યુવરાજ કેસરીદેવસિંહે નોંધાવી ફરિયાદ

વાંકાનેર : વાંકાનેર સ્ટેટના રણજિતવિલાસ પેલેસમાં પ્રવેશી અજાણ્યા તસ્કરો ચાંદીની તોપ, ચાંદીનું ઘર, રજવાડી ચાંદીની ખુરશી સહિતની અંદાજે સાત થી આઠ લાખની ભારે ખમ્મ ચીજવસ્તુઓની ચોરી કરી જતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

વાંકાનેર રાજમહેલમાંથી તા. ૧૬ થી ૧૯ દરમિયાન કોઈપણ સમયે થયેલી આ એન્ટિક ચીજવસ્તુઓની ચોરી મામલે વાંકાનેર સ્ટેટ યુવરાજ કેસરીદેવસિંહે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ રણજીતવિલાસ પેલેસની ગેલેરીમાં આવેલ બારીનો કાચ તોડી અજાણ્યા તસ્કરો અંદર પ્રવેશ કરી પીયાનોરૂમના દરવાજાની કાચ તોડી સ્ટોપર ખોલી અંદર પ્રવેશ કરી પીયાનોરૂમમા રાખેલ ચાંદીની રાજાશાહી સમયની ખુરશી નંગ-ર વજન આશરે ૬૦ કિલોગ્રામ તથા માર્બલ ગોલ્ડ પ્લેટેડ વિક્ટોરિયન ક્લોક તથા દરબારહોલમા રાખેલ મુંબઈ ખાતેના વાંકાનેર હાઉસની ચાંદીની પ્રતિકૃતિ વજન આશરે ૨૫ કિલોગ્રામ તથા ચાંદીનુ નાનુ ઘર વજન આશરે ૨ કિલોગ્રામ, ચાંદીની તોપ વજન આશરે ૧ કિલોગ્રામ તથા ચાંદીનું સ્ત્રીનું સ્ટેચ્યુ વજન આશરે ૫૦૦ ગ્રામ ચોરી કરી ગયેલ છે.

આ ઉપરાંત રાજમહેલના પ્રથમ માંળે બેડરૂમમા આવેલ ચાંદીના પલંગના ચાંદીના પોલ નંગ – ૪, ચાંદીની ફ્રેમ વજન આશરે ૧૦ થી ૧૫ કિલોગ્રામ તથા બાથરૂમમાંથી રાજાનું સ્ટેચ્યુ તથા પીંતળનો ઘોડો, તથા મેસેજ બોક્સ અને રાજાશાહી વખતની ચીજ વસ્તુઓ મળી કુલ આશરે સાતથી આઠ લાખ રૂપીયાની ચીજ વસ્તુની ચોરી કરી લઇ ગયા હોવાની ફરિયાદ નોંધાવી છે.

વાંકાનેર સ્ટેટના રાજમહેલમાંથી ચોરીની આ ગંભીર ફરિયાદ મામલે વાંકાનેર સીટી પીઆઇ બી.ટી. વાઢીયાએ ગુન્હો નોંધી અજાણ્યા તસ્કરોનું પગેરું મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે.