મોરબી પાલીકા તંત્ર ભારે ટાઢુ : એસએમએસ તો ઘણા આવ્યા પણ વૃક્ષો હજી નથી વાવ્યા

ધરે ધરે વૃક્ષો વાવવાના અભિયાનમાં પાલિકાને ૨૫૦ એસએમએસ મળ્યા પરંતુ વૃક્ષો હજી આવ્યા ન હોવાથી અભિયાનના શ્રીગણેશ પણ નથી થયા

મોરબી : મોરબી પાલિકાએ એસએમએસથી ઘરે ઘરે જઈને વૃક્ષો વાવવાનું અભિયાન શરૂ કર્યું છે. ત્યારે પાલિકા તંત્રને ૨૫૦ જેટલા એસએમએસ મળ્યા છે. પરંતુ પાલિકા પાસે વૃક્ષો જ હજી આવ્યા ન હોવાથી આ અભિયાનના હજુ શ્રી ગણેશ પણ કરવામાં આવ્યા નથી.

મોરબીમા વૃક્ષોની ઘટતી જતી સંખ્યાને ધ્યાને રાખી શહેરને હરિયાળું બનાવવા માટે પાલિકા તંત્ર દ્વારા એક અનોખું પ્રેરક અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં પાલિકાના વિસ્તારના રહીશો માત્ર એસએમએસથી પાલિકા તંત્રને જાણ કરે એટલે પાલિકા તંત્ર રહીશે સૂચવેલા સ્થળે જઈને વૃક્ષારોપણ કરી આવે. આ અભીયાન શરૂ થયું તેને દોઢ માસ જેટલો સમય વીત્યો હોવા છતાં શહેરમાં આ અભિયાન અંતર્ગત એક પણ વૃક્ષ વાવવામાં આવ્યું નથી.

અગાઉ પાલિકા દ્વારા અભિયાન શરૂ કરવામાં વરસાદની રાહ જોવાતી હોય તેવો ડોળ ઉભો કરવામાં આવ્યો હતો. ત્યારે હવે તો મોરબીમાં સારો એવો વરસાદ પણ થઈ ગયો છે. ત્યારે હજુ પાલિકા તંત્ર આ અભિયાનના શ્રી ગણેશ કરવામાં ઢીલ મૂકી રહી છે. દોઢેક માસ પૂર્વે શરૂ થયેલા આ અભિયાનમાં અનેક લોકોએ એસએમએસ મારફતે પાલિકાને વૃક્ષો વાવવા માટે આમંત્રણ આપ્યું હતું. ત્યારે આ તમામ લોકો પાલિકા તંત્ર ક્યારે વૃક્ષારોપણ કરવા આવે તેની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે.