મોરબી જિલ્લાની ૩૬ સરકારી શાળાના ધો.6 અને 7ના વર્ગો મર્જ કરવાનો નિર્ણય

- text


ધોરણ ૬ અને ૭ માં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવાથી શાળાઓ મર્જ કરવા પણ દરખાસ્ત

મોરબી : એક તરફ મોરબી જિલ્લામાં શિક્ષણસ્તર સુધરતા વાલીઓ ખાનગી શાળામાંથી બાળકોને ઉઠાડી સરકારી શાળામાં અભ્યાસ માટે બેસાડી રહ્યા છે તેવા સમયે જ જિલ્લાની ૩૬ શાળાના ધો.6 અને 7ના વર્ગો મર્જ કરવાનો જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે નિર્ણય લેતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે, આ નિર્ણયને કારણે અનેક શિક્ષકો ફાજલ થવાની શકયતા વચ્ચે શિક્ષક સંઘે લાગતા વળગતા સારી જગ્યાએ ગોઠવવા સોગઠા ગોઠવી લઈ ચુપકીદી સાધી લીધી છે છતાં શિક્ષકોમાં ઉહાપોહ મચ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજન મોરબી જિલ્લાની ૩૬ જેટલી સરકારી પ્રાથમિક શાળાના ધો.6 અને 7ના વર્ગો મર્જ કરવાનો જિલ્લા પ્રાથમિક શિક્ષણાનાધિકારીએ હુકમ કરવામાં આવ્યો છે, રાઈટ ટુ એજ્યુકેશનની જોગવાઈ મુજબ ધો ૧ થી ૫ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને દોઢ કીમી માં અને ધો.૬ થી ૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ત્રણ કીમીની અંદર શાળા મળવી જોઈએ એ મુજબ હાલ મોરબી જિલ્લામાં ૫૯૬ જેટલી શાળાઓ અસ્તિત્વમાં છે.

પરંતુ હમણાં હમણાં કોણ જાણે ડીપીઓ અને જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના આગેવાનોને કોણ જાણે સરકારના પૈસા બચાવવાનું શૂરાતન ચડયું હોય એમ મોરબી તાલુકાની ૧૪,વાંકાનેર તાલુકાની ૯,માળીયાની ૬,ટંકારાની ૪ અને હળવદની ૪ એમ કુલ ૩૬ શાળાના ધો.6 અને 7ના વર્ગો મર્જ કરવાનો હુકમ કર્યો છે.

નવાઈની વાત તો એ છે કે, સરકારશ્રી પ્રાથમિક શિક્ષણમાં પ્રવેશોત્સવ, ગુણોત્સવ જેવા તાયફા કરે છે ત્યારે ખર્ચ નડતો નથી અને શિક્ષકોના મહેકમ પાછળ થતો ખર્ચ ઓછો કરવા માટે આવી શાળાઓ મર્જ કરવામાં આવે છે, વળી નિયામક પ્રાથમિક શિક્ષણના કોઈ પણ પ્રકારના લેખિત પરિપત્ર વગર શાળા મર્જ કરવાનો હુકમ કરવા પાછળ કોણ જાણે કોનું હિત સમાયેલું છે કે પછી સંઘના મળતીયા શિક્ષકોને સારી જગ્યાએ ઠેકાણે પાડવાનો હેતુ છે? એવા સવાલો ખુદ શિક્ષકોમાં જ ઉઠ્યા છે.

- text

શાળાઓને મર્જ કરવાનો પ્રથમ પરિપત્ર થયો એમાં શાળા કક્ષાએ વર્ષ ૨૦૦૨ થી એસ.એમ.સી. કાર્યરત છે જેને વિશાળ સતાઓ આપવામાં આવેલી છે એ એસ.એમ.સી. ને વિશ્વાસમાં લઈ ઠરાવ કરી શાળા ચાલુ રાખવી કે બંધ રાખવાની નિર્ણય કરવાનો હતો પરંતુ વળી અચાનક સુધારા આદેશ કરી માત્રને માત્ર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘને વિશ્વાસમાં લેવાનો એસ.એમ.સી. ને વિશ્વાસમાં લેવાની સૂચના પરિપત્રમાંથી રદ કરી નાખવામાં આવી છે, જેથી એસ એમ સી ના સભ્યોમાં પણ કચવાટ જોવા મળી રહ્યો છે અને એ એવું કહી રહ્યા છે કે તો શાળા કક્ષાએ એસએમસીની રચના શા માટે કરી છે.

સ્થાનિક પરિસ્થિતિની જાણ ગામના સભ્યો ને હોય,સંઘના સભ્યોને જે તે ગામની સ્થાનિક પરિસ્થિતિની જાણ ન હોય,વળી સત્ર શરૂ થયા ને દોઢ મહિના જેટલો સમય વીતી ગયો છે અને અત્યારે વિદ્યાર્થીઓ ને અન્ય શાળામાં સ્થળાંતર કરવાથી એના શિક્ષણકાર્યને પણ વિપરીત અસર પહોંચે તેમ છે.

ઉલ્લેખનીય છે કે એવી કેટલીક શાળાઓ પણ મર્જ થઈ રહી છે કે જેમાં ખાનગી શાળામાંથી સરકારી શાળામાં બાળકો દાખલ થયા છે જેથી એ બાળકોને ફરી પાછું ખાનગી શાળામાં પાછું જવું પડે એવી પરિસ્થિતિ સર્જાઈ છે, મોરબીના નજીકના જ જિલ્લા રાજકોટમાં શાળા મર્જ કરવાની કોઈ જ કાર્યવાહી થયેલ નથી તો મોરબી જિલ્લામાં જ આવો ફતવો શા માટે ? એ પણ શિક્ષક આલમમાં ચર્ચા નો વિષય છે.

- text