ફિલ્મ રિવ્યુ : સૂરમા (હિન્દી) : હોકી સુપરસ્ટાર સંદીપ સિંઘની સંઘર્ષકથા

- text


ભારતમાં ફિલ્મસ્ટાર્સ પછી કોઈ ક્ષેત્રમાં સૌથી વધુ સેલિબ્રિટી હોય, તો એ છે સ્પોર્ટ્સ! ક્રિકેટ સિવાયની સ્પોર્ટ્સમાં બહુ જ ઓછાં વ્યક્તિઓ જાણીતા બને છે. જે જાણીતાં બન્યા છે, એમાં ગર્વથી લઇ શકાય એવું નામ એટલે ‘ધ ફ્લિકર સિંઘ’ તરીકે ઓળખાતા સંદીપ સિંઘ. વિશ્વમાં સૌથી વધુ ઝડપથી હોકીનો ડ્રેગફ્લિક શોટ મારનાર તરીકે સંદીપ સિંઘ પ્રખ્યાત છે. એમનાં જીવનની ગાથા રજૂ કરતી બાયોપિક ‘સૂરમા’ એક પ્રામાણિક અને સરળ મૂવી છે.

સંદીપ સિંઘનું ગામ શાહબાદ, ધ હોકી કેપિટલ ઓફ ઇન્ડિયા તરીકે પ્રખ્યાત છે. ત્યાં જન્મનાર દરેક બાળકનું સપનું હોય છે, ભારતીય ટીમમાં રમવાનું! રિઅલ લાઈફમાં સંદીપ સિંઘને એકવાર નહીં, બબ્બે વાર આ તક મળી છે. સૌ જાણે છે એમ, એમની સાથે થયેલાં એક અકસ્માતને કારણે તેઓને ટીમમાંથી એક-બે વર્ષ સુધી બહાર રહેવું પડયું હતું, ફરી પાછા તેઓ પગ ઉપર ઉભા રહી શકશે કે કેમ એ પણ નક્કી નહોતું, પણ સૌના આશ્ચર્યની વચ્ચે તેઓ પાછા ફર્યા એટલું જ નહીં, ભારતીય હોકી ટીમના કેપ્ટન પણ બન્યાં અને ટીમને અનેક નવાં શિખરો સર કરાવ્યાં.

આવી સક્સેસફુલ અને ઇનસ્પાયરિંગ રિઅલ સ્ટોરી પરથી મુવી બનાવવી એ વધુ અઘરું કામ થઇ જાય કેમ કે, મોટાભાગની ફેક્ટસ દરેકને ખબર જ હોય! ફિલ્મમાં સંદીપ સિંઘનો રોલ કર્યો છે, પંજાબી સિંગર અને એક્ટર દિલજીત દોસાંજે. ફિલ્મમાં નાનપણમાં સંદીપ અને તેનો મોટો ભાઈ બિક્રમજીત(અંગદ બેદી) હોકી શીખવા જાય છે. કોચ કરતાર સિંઘ જરા વધુ પડતાં કડક છે, એટલે આ છોટે ઉસ્તાદ તો માંડી વાળે છે, હોકીનું. મોટોભાઇ ઇન્ડિયા માટે હોકી રમવાનું પોતાનું અને પિતાનું સપનું પૂરું કરવા મથે છે.

કહાનીમેં બોલીવુડયા ટ્વિસ્ટ આવે છે, કોચની ભત્રીજી સાથે આપણા હિરોની આંખ મળે, અને ભાઈ ૯ વર્ષથી મૂકી દીધેલી હોકીસ્ટિક ફરી ઝાલે છે. કોચની સજાઓ સિવાય કંઈ ભાગમાં આવતું નથી. આ છોકરી એટલે હરપ્રીત કૌર, જે ફિલ્મની નેરેટર પણ છે, આ રોલમાં તાપસી પન્નુ ખૂબસુરત લાગે છે, એકદમ સ્પોર્ટ્સવુમન સ્પિરિટવાળી. તેણીને પણ સેન્ટરફોર્વર્ડ પર ભારતીય ટીમ માટે રમવું હોય છે. જે રીતે એ સંદીપ સિંઘ સાથે ઇશ્ક કરી બેસે છે એ સહજ તો નથી જ. સંદીપ સિંઘને તેનો ભાઈ હોકી માટે મદદ કરે છે. ખેતરમાં પક્ષિઓ ઉડાડવા બોલને જે રીતે એ ફટકારતો એ જ તેનો ડ્રેગફલિક શોટ, તેને ઇન્ડિયા માટે રમવાનો ચાન્સ આપે છે. ફર્સ્ટ હાફમાં તો બધું વેલસેટલ્ડ થઈ જાય છે. ત્યાં જ સંદીપ સિંઘને પીઠના ભાગે ગોળી વાગે છે અને તે ગંભીર રીતે ઘવાય જાય છે ને પછી ફિલ્મ ટ્રેક બદલે છે, તેનો કમબેક કેવી રીતે થાય છે, તેની પ્રેમિકાનું શુ થાય છે એ તો ફિલ્મ જોશો એટલે ખબર પડી જશે.

(આનાથી વધારે કહીશ તો, ફિલ્મમાં કાંઈ બાકી જ નહીં રહે)

- text

ફિલ્મમાં સતીશ કૌશિકે સંદીપ સિંઘના પિતાનો રોલ કર્યો છે, એમણે એકદમ ફ્લોલેસ પર્ફોર્મન્સ આપ્યું છે. ફિલ્મમાં સૌથી સારા ડાયલોગ્સ કોચ હેરીના રોલમાં વિજય રાજને ફાળે આવ્યાં છે. જેટલી વાર એ સ્ક્રિન પર આવે છે, ખૂબ મજા કરાવે છે. કુલભૂષણ ખરબંદા ‘મૈં હી ફેડરેશન હું’ એવો એકમાત્ર ડાયલોગ બોલીને પણ દિલ જીતી જાય છે. તાપસી પન્નુ પંજાબી કુડી તરીકે સ-રસ લાગે છે, હોવો જોઈએ એથી એનો રોલ ટૂંકો છે પણ ફિલ્મમાં એકાદ સીન સિવાય એના ભાગે માત્ર તૈયાર થવાનું જ આવ્યું છે.(!) દિલજીતે દરેક તબક્કે અફલાતૂન એકપ્રેશન આપ્યાં છે. ટીનેજર તરીકે, બેજવાબદાર પ્રેમી તરીકે અને સફળ ખેલાડી તરીકે વિકસતો જોઇ શકાય છે. પણ હોસ્પિટલના બિછાને અને સંઘર્ષ કરતાં ખેલાડી તરીકે થોડો હાસ્યાસ્પદ લાગે છે.

સંદીપ સિંઘ પહેલાં એક સ્ત્રીને ઈમ્પ્રેસ કરવા, પછી પોતાને કંઈક સાબિત કરી એ સ્ત્રી સાથે લગ્ન કરવા અને અંતે પોતાની અંદર રહેલાં સ્પોર્ટ્સમેનને બહાર કાઢવા તથા દેશમાટે કશુંક કરી છૂટવા હોકી રમે છે. ફિલ્મમાં રોમાન્સ, કોમેડી, રિલેશન્સ, ઇમોશન્સ, દેશદાઝ, ફેમીલીસપોર્ટ એવું ઘણુંબધું છે. ફિલ્મનું મ્યુઝિક ખૂબ સારું છે, પણ એડીટિંગમાં થોડી ગડબડ છે. વચ્ચે આવતાં ગીતો ફિલ્મને ધીમી કરી નાખે છે. શંકર, એહસાન અને લોયની ત્રિપુટી સાથે ગુલઝારના શબ્દોએ દરેક ગીત ‘સુનેબલ’ બનાવ્યાં છે. એમાંય ઈશ્કદી બાજિયાં અને સૂરમા એંથમ તો લાજવાબ, એક સ્પોર્ટસમુવીને છાજે તેવાં. પણ ફિલ્મ અધૂરી હોય એવું આપણને લાગ્યા વિના નથી રહેતું.

એક સ્પોર્ટ્સમેનની સંઘર્ષકથા પરથી અનેક મૂવીઝ બનતી રહે છે. મેરિકોમ, અઝહર કે એમ.એસ.ધોની સિવાય ચક દે ઇન્ડિયા, સુલતાન, દંગલ વગેરે પણ આવા જ બેઇઝ પર બનેલી છે પણ જે એક સ્પોર્ટ્સ બાયોપિકમાં હોવું જોઈએ એવું થ્રિલ ‘સૂરમા’ જન્માવી શકતી નથી. સીટની ધાર ઉપર બેસી નખ ચાવવા જેવી એક પણ ક્ષમ મૂવીમાં નથી. ફિલ્મ બનાવનારાઓ કહે છે, કે આ લવસ્ટોરી છે, હોકીની મૂવી નથી. એનો મતલબ એ પણ નથી થતો કે, હોકીને ફિલ્મમાં કેન્દ્રમાં ન રાખવી. જોકે, ન તો અહીં લવસ્ટોરી સારી બની છે, ન તો સ્પોર્ટ્સથ્રિલર. ફિલ્મ એ બે ઝોનરાની વચ્ચે ક્યાંક ચાલતી રહે છે.

જોવાય કે નહીં?
ફિલ્મમાં સ્ટાર ખેલાડી સંદીપ સિંઘની સ્ટોરી ખૂબ પ્રામાણિકતાથી બતાવી છે. એકાદ બે સીન ઇમોશનલી ટચ કરી જાય એવા છે. સંગીત સાથે કેટલીક સારી મોમેન્ટ્સ સિવાય ખાસ કંઈ અપીલિંગ નથી. સંદીપ સિંઘ વિશે ઘણું ઓછું જાણવા મળે છે. ફિલ્મ એક પ્રેરણાદાયી કથા તો છે જ, એમાં બે મત નથી.

ફિલ્મમાં અંતે આવતી રિઅલ ક્લિપિંગસમાં સંદીપ સિંઘને ‘અર્જુન’ એવોર્ડ મળ્યો એ ક્ષણ બતાવવામાં આવી છે. સૂરમા એટલે વોરીયર, યોદ્ધો….. ભારતના આવા યોદ્ધાઓ ઉપર ફિલ્મો બને એટલે અષાઢી સાંજે મોરલાં ને મેહ જોઈને થાય એવો હરખ થાય.

રેટિંગ : 6/10

આલેખન : મનન બુધ્ધદેવ
WhatsApp : 9879873873
FB : Master Manan

- text