હળવદના વેગડવાવ ગામે ગૌવંશ પર એસીડ વડે હુમલો

- text


હળવદ : નવા વેગડવાવ ગામ પાસે ગઈકાલના કોઈ આવારા તત્વો દ્વારા ચારથી વધુ ગૌવંશ પર એસીડ વડે હુમલો કરાતા ગૌપ્રેમીઓમાં રોષ ભભૂકી ઉઠયો છે. સાથે જ આવા તત્વો સામે પોલીસ કડક હાથે કાર્યવાહી કરે તેવી ગૌપ્રેમીઓમાં માંગ ઉઠી છે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદ શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં અવારનવાર ગૌવંશ પર જીવલેણ હુમલાઓનું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. ત્યારે ગૌવંશ પર વધુ એક હુમલાનો બનાવ તાલુકાના નવા વેગડવાવ ગામે પ્રકાશમાં આવ્યો છે. ગઈકાલના કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ચારથી વધુ ગૌવંશ પર એસીડ ફેંકાતા ગૌવંશની ચામડી ખદબદી ઉઠી છે. જયારે હાલ કણસતી હાલતમાં ગૌવંશ ફરી રહ્યા હોવાનું સંજય ઠાકોરએ જણાવ્યું હતું. આધારભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાત્રીના આજુબાજુના ખેડૂતો પોતાની વાડીમાં ગૌવંશ ઘુસી જતા હોવાથી હુમલો કર્યો હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.
આ બનાવથી અસામાજિક તત્વો ઈરાદાપૂર્વક ગૌવંશ પર હુમલો કરી લોકોની ધાર્મિક લાગણી દુભાવે છે. છાશવારે બની રહેલા આ બનાવોની ગંભીરતાથી લઈ પોલીસ આવા નરાધમોને તાકીદે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરે તેવી માંગ ગૌપ્રેમીઓમાં ઉઠવા પામી છે.

- text

 

- text