હળવદ માલધારી સમાજે મામલતદારને પાઠવ્યું વિનંતીપત્ર

- text


રાજય સરકાર દ્વારા રાહતદરે ઘાસચારાનું વિતરણ કરવામાં આવે તેવી માલધારી સમાજની માંગ

હળવદ : હળવદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ઓણસાલ વરસાદ ખેંચાતા પશુપાલકોની હાલત દયનીય બની છે. ત્યારે આજે રાહતદરે રાજય સરકાર ઘાસચારાનું વિતરણ કરે તેવી માંગ સાથે માલધારીઓ હળવદ મામલતદાર કચેરી ખાતે ધસી આવી વિનંતીપત્ર પાઠવ્યું હતું.સાથે જણાવેલ કે, જો આગામી પાંચ દિવસમાં ઘાસચારાની વ્યવસ્થા નહીં કરાય તો પશુઓના મામલતદાર કચેરી ખાતે લઈ આવી વિરોધ નોંધાવશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.
શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં મોટા ભાગની ગૌચરની જમીનો ભૂમાફિયાઓ ચરી જતા પશુપાલકોને પશુ નીભાવવા મુશ્કેલ બન્યા છે. અધુરામાં પુરૂ ઓણસાલ પંથકમાંથી પસાર થતી નર્મદા કેનાલો પણ બંધ રહેતા લીલા અને સુકા ઘાસચારાનો ભાવ આસમાને પહોંચ્યો છે. જેમાં સુકા ચારાનો ૩૦૦થી વધારે અને લીલા ચારાનો ૧૦૦થી વધારે તેમજ પશુઆહારના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. જયારે દુધનો ભાવ પણ પુરતો ન મળતો હોવાથી પશુપાલકોને દુધાળા પશુ પણ નીભાવવા મુશ્કેલ બન્યા છે. તેવામાં આજે હળવદ માલધારી સમાજ દ્વારા રાજય સરકાર વહેલી તકે રાહતદરે ઘાસચારાનું વિતરણ કરે તેવી માંગ સાથે મામલતદારને વિનંતીપત્ર પાઠવ્યું હતું. આ અંગે પશુપાલકોએ જણાવ્યું હતું કે, જા આગામી પાંચ દિવસમાં રાહતદરે ઘાસચારાનું વિતરણ નહીં કરવામાં આવે તો અમો અમારા માલઢોર લઈ મામલતદાર કચેરી ખાતે ધસી આવીશુ તેવી ઉગ્ર ચિમકી ઉચ્ચારી હતી.

- text

 

- text