મોરબી : યુવતીના આપઘાત મામલે કૌટુંબિક ભાઈ સહીત પાંચ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

- text


લગ્ન બાદ કૌટુંબિક ભાઈએ અપહરણ કરી દુષ્કર્મ ગુજારી જીવતર ઝેર કરી નાખ્યું

મોરબી : મોરબીના કેરાળી ગામમાં લગ્ન બાદ યુવતીને પજવતા કૌટુંબિક ભાઈએ અપહરણ કરી દુષ્કર્મ ગુજારી યુવતીનું જીવતર ઝેર કરી લગ્નજીવનમાં ભંગાણ પાડતા કૌટુંબિક ભાઈના ત્રાસથી કંટાળેલી યુવતીએ ઝેર પી મોતને વ્હાલું કરી લીધું હતું, આ મામલે યુવતીના પરિવારજનોએ આરોપીને તાત્કાલિક પકડવાની માંગ સાથે મૃતદેહનો અસ્વીકાર કરતા મામલો ગરમાયો હતો. જો કે અંતે કૌટુંબિક ભાઈ અને તેના પરિવાર વિરુદ્ધ ગુન્હો નોંધાયો છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના કેરાળી ગામે રહેતા ચેતનાબેન કરશનભાઇ મકવાણા નામની પરણિત યુવતીનું કૌટુંબિક ભાઈ અશોક દેવસી મકવાણા દ્વારા અપહરણ કરી દુષ્કર્મ ગુજારવામાં આવતા આ ઘટનાને પગલે ચેતનાબેનના છુટાછેડા થઈ ગયા હતા, જો કે ચેતનાબેનના અપહરણ અંગે મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ પણ નોંધાઇ હતી.

બીજી તરફ અપહરણની ઘટના બાદ જેલમાં ધકેલાયેલ અશોક દેવસી મકવાણા જામીન ઉપર મુક્ત થતાની સાથે જ લખણ ઝળકાવી ફરી યુવતી અને તેમના પરિવારજનોને પોલીસે મારુ શુ બગાડી લીધું કહી હોવી તો જાનથી બધાને મારી જ નાખીશ તેવી ધમકી આપતા ચેતનાબેને પોતાના ઘેર ઝેરી દવા ગટગટાવી લીધી હતી. અને ચેતનાબેનને પ્રથમ મોરબી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને બાદમાં રાજકોટ સારવાર માટે રીફર કરતા તેમનું મોત નીપજ્યું હતું.

- text

ઉલ્લેખનીય છે કે મૃતક ચેતનાબેને આપઘાત પૂર્વે સ્યુસાઇડ નોટ પણ લખી હતી જેમાં આપઘાત માટે આરોપી અશોક અને તેના સગાંવહાલાંઓના નામ લખવા ઉપરાંત પોલીસની ભૂંડી ભૂમિકા અંગે પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો, ઉપરાંત ચેતનાબેનના પરિવારજનો દ્વારા તમામ આરોપીઓની ધરપકડ ન કરાય ત્યાં સુધી લાશ સ્વીકારવા ઇનકાર કરી દેતા આ આપઘાત પ્રકરણ ગંભીર બન્યું હતું.

દરમિયાન આ ચર્ચાસ્પદ બનાવમાં અંતે મૃતક ચેતનાબેનના પિતાની ફરિયાદના આધારે પોલીસે આરોપી અશોક દેવસી મકવાણા, તેના પિતા દેવસી રામા મકવાણા, પરસોતમ દેવસી મકવાણા, અશોકના ફુવા જીવરાજ મોહન ચાવડા અને કંચન મૂળજી મકવાણા વિરુદ્ધ મરવા મજબુર કર્યાની ફરિયાદ નોંધવામાં આવી છે.

- text