ખુશને નવજીવન આપવા યોજાયેલા ડાયરામાં હળવદવાસીઓ મનમુકીને વરસ્યા

- text


ફરીદા મીર, હકાભા ગઢવી, જયમંત દવે સહિતના કલાકારોએ બોલાવી રમઝટ : ૧૨ લાખથી વધુનો ફાળો થયો એકત્રિત

હળવદ : હળવદ તાલુકાના માલણીયાદ ગામના થેલેસેમિયાગ્રસ્ત ૧૦ વર્ષના માસુમ બાળક ખુશ પંડયાને શારીરિક સારવાર લાભાર્થે હળવદ યુવા ગ્રુપ દ્વારા શિશુ મંદિર ખાતે ભવ્ય લોકડાયરાનું આયોજન કરાયું હતું જેમાં ગુજરાતના નામી કલાકારોએ સંગીતમય શૈલીમાં ભજન, લોકસાહિત્ય પીરસીને હળવદવાસીઓને ડોલાવ્યા હતા. આ લોકડાયરાનું પ્રારંભ રાષ્ટ્રગાન સાથે કરવામાં આવ્યું હતું. જેમાં હળવદવાસીઓએ લોકડાયરામાં દાન આપી મનમુકીને વરસ્યા હતા.

- text

મુળ માલણીયાદના અને હાલ વસંતપાર્કમાં રહેતા ચન્દ્રકાંત પંડયાના સુપુત્રને થેલેસેમિયા નામની મેજર બિમારી હોય જેને સારવાર અત્યંત મોંઘી હોવાથી તેની આર્થિક પરિÂસ્થતિ ન હોય ત્યારે હળવદ યુવા ગ્રુપ દ્વારા ગુજરાતના નામી કલાકારો સાથે ભવ્ય લોકડાયરાનું આયોજન શિશુ મંદિર ખાતે કરાયું હતું. જેમાં કોકિલકંઠી ફરીદા મીર, લોકસાહિત્યકાર હકાભા ગઢવી, ભજનીક જયમંત દવે, ભરતદાન ગઢવી સહિતના સાંજીદા કલાકારોએ લોકડાયરાની રમઝટ બોલાવી હતી. આ તકે હળવદવાસીઓ શિશુ મંદિર ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા અને લોકડાયરામાં મનમુકીને વરસ્યા હતા. જેમાં થેલેસેમિયાની બિમારીનો ખર્ચ ૧૦ લાખનો હતો જયારે આ ડાયરામાં ૧૨.૫૩ લાખની રકમ એકત્ર થતા પરિવારજનોમાં હર્ષની હેલી છવાઈ હતી. તો સાથોસાથ હળવદ યુવા ગ્રુપ દ્વારા આ કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પડતા સર્વે હળવદવાસીઓનો આભાર વ્યકત કર્યો હતો.

આ તકે યોજાયેલા લોકડાયરાના મંચ પરથી ખુશ પંડયાએ સંબોધન કરતી વેળાએ પોતાની વ્યથા જણાવતા અશ્રુભીની આંખે લોકોના હૃદય દ્રવી ઉઠયા હતા અને લોકોએ મનોમન ખુશને ભગવાન નવજીવન આપી ખુશખુશાલ રાખે તેવી પ્રાર્થના કરી હતી.

- text