મોરબી : અધૂરા રોડ કામ મુદે સ્થાનિકોની આત્મવિલોપનની ચીમકી

- text


સ્થાનિકોએ રોડનું કામ તાત્કાલિક પૂર્ણ કરવા જિલ્લા કલેકટરને રજુઆત કરી

મોરબી : મોરબીની શાંતિવન સોસાયટીમાં રોડના અધૂરા કામને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે સ્થાનિકોએ જિલ્લા કલેકટરને રજુઆત કરીને તાત્કાલિક રોડનું કામ શરૂ નહીં થાય તો સામુહિક આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

ગોર ખીજડિયા રોડ રણછોડનગરની સામે વિજયનગરની બાજુમાં આવેલ શાંતિનગર સોસાયટીના રહીશોએ કલેકટરને રજુઆત કરી હતી કે તેમની સોસાયટીના અધૂરા રહેલા સીસી રોડના કામ મુદે પાલિકામાં રજુઆત કરવા ગયા હતા. પરંતુ અધિકારીઓ તેમની રજુઆત પ્રત્યે ધ્યાન આપતા ન હતાં. હલકી કક્ષાની સામગ્રીના કારણે આ સોસાયટીના રોડનું કામ છેલ્લા એક વર્ષથી ટલ્લે ચડ્યું છે.

- text

હવે અધિકારીઓ ગ્રાન્ટનું બહાનું બતાવીને લેખિતમાં જવાબ આપતા નથી. આથી શાંતિવન સોસાયટીના રહીશોએ અધિકારીઓને કહ્યું હતું કે બીજી સોસાયટી માટે ગ્રાન્ટ છે પરંતુ તેમની સોસાયટી માટે ગ્રાન્ટ નથી. આ ક્યાંનો ન્યાય છે. તેવું કહેતા અધિકારીઓએ અણછાજતું વર્તન કર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

શાંતિવન સોસાયટીના રહીશોએ અંતે કલેકટરને રજુઆત કરી તેમની સોસાયટીના અધૂરા રહેલા રોડ કામને તાત્કાલિક ધોરણે શરૂ કરાવવાની માંગ ઉઠાવી છે. જો આ માંગ વહેલી તકે સંતોષવામાં નહિ આવે તો સ્થાનિકોએ સામુહિક આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

- text