બાળક ઉઠાવગીર ટોળકી મોરબીમાં ઘુસી છે ! આવી અફવાઓથી દૂર રહેવા અપીલ

- text


ટિખળખોરોના પાપે સોશ્યલ મીડિયામાં ફરી રહેલા બોગસ મેસેજને કારણે નિર્દોષ લોકો અંટાયાના અનેક કિસ્સા : કુબેરનગર પાસે બાળક ઉઠાવગીર ટોળકી હોવાના પગલે ટોળા એકઠા થતા પોલીસને દોડવું પડ્યું : તપાસમાં કઈ જ શંકાસ્પદ ન નીકળ્યું

મોરબી : મોરબી સહિત રાજ્યભરમાં છેલ્લા થોડા સમયથી ટીખળખોર શખ્સો દ્વારા બાળક ઉઠાવગીર ટોળકી શહેરમાં ઘુસી છે, તમારા બાળકોને સાચવજો જેવા વાહિયાત મેસેજ સોશ્યલ મીડિયામાં વાયરલ કરાઈ રહ્યા હોવાથી પોલીસ પણ પરેશાન બની છે અને અનેક નિર્દોષ લોકો ખોટી રીતે હેરાન થઈ રહ્યા છે ત્યારે આવી અફવાઓમાં ન ભરમાવા પોલીસ અને જાગૃત નાગરિકો દ્વારા અપીલ કરવામાં આવી છે. આજે પણ સોશ્યલ મીડિયામાં ફરી રહેલા બોગસ મેસેજને કારણે મોરબીના કુબેરનગર પાસે બાળક ઉઠાવગીર ટોળકીની મહિલા હોવાના પગલે ટોળા એકઠા થતા પોલીસને દોડવું પડ્યું હતું. લોકોએ ઝડપેલી બંને મહિલાની તપાસમાં કઈ જ શંકાસ્પદ નીકળ્યું ન હતું.

છેલ્લા દિવસોમાં વોટ્સએપ અને ફેસબુક સહિતના સોશ્યલ મીડિયામાં નઠારા તત્વો દ્વારા ખોટા ઓડિયો મેસેજ વહેતા કરી ફલાણા સિક્યુરિટી ઓફિસર અને ઢીકણા સિક્યુરિટી ઓફિસરના નામે લોકોના મનમાં ખોટો હાઉ ઉભો કરવા બાળકોને ઉઠાવી જતી ટોળકી ઉતરી આવી હોવાની અફવા ફેલાવવામાં આવી રહી છે. તેમેજ મોરબી, વાંકાનેર , હળવદ તેમેજ લગભગ દરેક શહેરોમાં બાળકોને ઉઠાવી જતી ટોળકી ઉતરી આવી છે અને અમારા શહેર નથી આટલા બાળકો ગુમ થયા છે તેવા તદ્દન ખોટા ઓડીઓ મેસેજ અમુક લોકો વાયરલ કરી રહ્યા છે.

- text

અધૂરામાં પૂરું અનેક બુદ્ધિજીવીઓ આવી અફવાને સાચી સમજી પોતે જાણે મોટું પરાક્રમ કર્યું હોય તેમ આવા મેસેજીસને આગળ અન્ય ગ્રુપમાં ફોરવર્ડ કરી અન્યોની મુશ્કેલી વધારી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે આવા અફવાવાળા મેસેજને કારણે બે દિવસ પહેલા માળીયાના વવાણીયા ગામમાં પાગલ મહિલાને લોકોએ નાહકમાં માર માર્યો હતો અને બાદમાં લોકોએ પસ્તાવો કર્યો હતો. જયારે આજે બપોરે મોરબીના નવલખી રોડ પર આવેલા કુબેર નગર પાસે સોશ્યલ મીડિયામાં ફરી રહેલા બોગસ મેસેજને કારણે બાળક ઉઠાવગીર ટોળકીની મહિલા હોવાના પગલે ટોળા એકઠા થતા પોલીસને દોડવું પડ્યું હતું. જેમાં લોકોએ ઝડપેલી બંને મહિલાની તપાસમાં કઈ જ શંકાસ્પદ નીકળ્યું ન હતું. અને તેમની પાસે રહેલા બાળકો તેમના જ હોવાનું તપાસમાં ખુલ્યું હતું.

આ સંજોગોમાં પોલીસ દ્વારા પણ લોકોને આવી ખોટી અફવામાં ન દોરવાઈ જો કોઈ પણ જાતની શંકાસ્પદ પ્રવૃત્તિ થતી જણાઈ કે શંકાસ્પદ વ્યક્તિ જોવા મળે તો કાયદો હાથમાં ન લેતા પોલીસને જાણ કરવા અપીલ કરી આંબી બાળકો ઉઠાવી જવાની ટોળકીવાળી વાહિયાત અફવામાં ન દોરવાઈ જવા અપીલ કરવામાં આવી છે. આ સાથે મોરબી અપડેટ પણ લોકોને સોસીયલ મીડિયામાં આવા કોઈ પણ મેસેજ ખરાઈ કર્યા વગર ફોરવર્ડના કરવા અપીલ કરે છે. કારણકે આવા અફવા ફેલાવતા મેસેજ ફોરવર્ડ કરવા ફોજદારી ગુન્હો છે.

- text