મોરબી પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની કાલે ગુરુવારે ચૂંટણી : ઘેરું સસ્પેનશ

- text


૭ સભ્યો સસ્પેન્ડ થયા બાદ કોંગ્રેસ પાસે ૨૫ અને ભાજપ પાસે ૨૦ સભ્યો : સતા મેળવવા બન્ને પક્ષો વચ્ચે ખરાખરીનો જંગ

મોરબી : મોરબી નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની આવતીકાલે ૧૪ જૂનને ગુરુવારે ચુંટણી છે. ૭ સભ્યો સસ્પેન્ડ થયા બાદ કોંગ્રેસ પાસે ૨૫ અને ભાજપ પાસે ૨૦ સભ્યો છે. પાલિકાના ઇતિહાસ પર નજર કરીએ તો અનેક સભ્યોએ પક્ષપલટો કરેલો છે. જેથી આવતીકાલની આ ચૂંટણી ભારે ઉત્તેજનભરી છે. સૌ કોઈ ચૂંટણીને લઈને મીટ માંડીને બેઠા છે. જયારે આ ચૂંટણીમાં પક્ષપલ્ટો કરનાર સાત સભ્યો મતદાન નહિ કરી શકે.

મોરબી પાલિકાની વર્ષ ૨૦૧૫માં સામાન્ય ચૂંટણી યોજાયા બાદ અત્યાર સુધી પાલિકાની સ્થિતિ રાજકીય સમરાંગણ જેવી જ રહી છે. ભૂતકાળ પર નજર કરીએ તો વર્ષ ૨૦૧૫માં યોજાયેલ ચુંટણીમાં પાલિકાની બાવન સીટોમાંથી કોંગ્રેસે ૩૨ સીટો અને ભાજપે ૨૦ સીટો મેળવી હતી. કોંગ્રેસને પાલિકામાં સ્પષ્ટ બહુમતી મળતા કોંગ્રેસના અસ્મિતાબેન કોરિંગા પ્રમુખ અને ફારૂકભાઈ મોટલાણી ઉપપ્રમુખ બન્યા હતા. પરંતુ કોંગ્રેસની સતા ૬ મહિના સુધી જ ટકી હતી. કોંગ્રેસના ૧૨ સભ્યોએ બળવો કરી વિકાસ સમિતિ બનાવી ભાજપના ટેકાથી પાલિકાની સતા મેળવી હતી.

વિકાસ સમિતિના પ્રમુખ નયનાબેન રાજ્યગુરુ અને ઉપપ્રમુખ અરજણભાઈ કંઝારીયા બન્યા હતા. પરંતુ તા.૩૧/૫/૨૦૧૭ના રોજ પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ સામે ભાજપ અને કોંગ્રેસના સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મુકતા વિકાસ સમિતિના શાસનનો અંત આવ્યો હતો. ભાજપે કોંગ્રેસના બળવાખોર સભ્યોને ટેકાથી પાલિકાની સતા હસ્તગત કરી હતી. હાલ પાલિકા પ્રમુખ તરીકે ગીતાબેન કંઝારીયા અને ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ જારીયા કાર્યરત છે.

પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની અઢી વર્ષની ટર્મ પુરી થતા તા ૧૪ જૂને નવા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાનાર છે. હાલની સ્થિતિ જોઈએ તો કોંગ્રેસ પાસે ૨૫ સભ્યો અને ભાજપ પાસે ૨૦ સભ્યો છે. આમ છતાં કોનું પલડુ ભારે છે. તે કહેવું મુશ્કેલ છે. કારણ કે બંને પક્ષના સભ્યો સતાની લ્હાયમાં આવ જા કરતા હોવાથી આવતીકાલની ચૂંટણીમાં ક્યાં પક્ષની સતા આવશે તે નક્કી નથી. જોકે બન્ને પક્ષના સભ્યોની સેન્સ લેવાઈ ગઈ છે. ત્યારે આવતીકાલની પ્રમુખ – ઉપપ્રમુખની ચૂંટણીમાં કોણ પ્રમુખ અને ઉપપ્રમુખ બનશે તેના પર સૌ મીટ માંડીને બેઠા છે.

- text

પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીને લઈને ભારે ઉતેજના જોવા મળી રહી છે. કોંગ્રેસ અને ભાજપ દ્વારા સભ્યોની સેન્સ લેવાઈ ગઈ છે. ભાજપ તરફથી પાલિકાના હાલના ઉપપ્રમુખ ભરત જારીયા, જયરાજસિંહ જાડેજા, પૂર્વ ઉપપ્રમુખ અનિલ મહેતા, ભાવેશ કંઝારીયા, દિપક પોપટ પ્રમુખ પદની રેસમાં હોવાનું જાણવા મળે છે. જ્યારે કોંગ્રેસ તરફથી ૨ સભ્યો પ્રમુખ પદની રેસમાં છે. શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયાએ જણાવ્યું કે નગરપાલિકા સુદ્રઢ રીતે ચાલે તે માટે કોંગ્રેસના સભ્યો સામેથી આવવા માંગે તો અમે સ્વીકારીશું. જ્યારે કોંગ્રેસ પ્રભારી મનોજ રાઠોડે પક્ષના નિર્ણય સાથે સભ્યો સંમત રહેશે તેમ જણાવ્યું હતું.

પાલિકામાં અગાઉ કોંગ્રેસના ૭ સભ્યોએ બળવો કરીને પક્ષ વિરુદ્ધ પ્રમુખની ચૂંટણીમાં મતદાન કરતા કોંગ્રેસે આ સાતેય સભ્યો સામે નામોદિષ્ટ અધિકારીને ફરીયાદ કરી હતી. જેથી નામોદિષ્ટ અધિકારીએ સાતેય સભ્યોને સસ્પેન્ડ દીધા હતા. તેથી આ સાતેય સભ્યો હાઇકોર્ટમાં અપીલ માટે ગયા હતા. આ અંગે ડેપ્યુટી કલેક્ટર એસ.જે. ખાચરે કહ્યું કે હાઇકોર્ટે આ સાતેય સભ્યોની અરજી ખારીજ કરી છે. તેથી સાતેય સભ્યો બરતરફ જ રહેશે. આવતીકાલની ચૂંટણીમાં તેઓ મતદાન નહિ કરી શકે.

હાલ તો સૌરાષ્ટ્રની સૌથી મોટી નગર પાલિકા કબ્જે કરવા બંને રાજકીય દળોએ તોડ જોડની નીતિ અપનાવી રહ્યા છે. સૂત્રો માંથી મળતી વિગતો મુજબ બંને પક્ષો પ્રમુખ અને ઉપપ્રમુખ માંથી એક પદ લઘુમતીને ફાળવાની યોજના બનાવ છે. જોકે આ ચૂંટણીમાં પક્ષ પલટો કરે તેવા 3 થી 5 સભ્યો પર નજર મંડાયેલ છે. તેઓ જે તરફ મતદાન કરે તે પાર્ટીની સત્તા આવે તેવી શક્યતા છે.

- text