મોરબીમાં માતૃભાષામાં પાયાનું શિક્ષણ આપવા શરૂ થયેલી અનોખી પ્રિ સ્કૂલને મળ્યો સારો પ્રતિસાદ

- text


ભાર વગરના ભણતરની થીમ સાથે ભારતીય મૂલ્યોનું શિક્ષણ તેમજ ઉત્કૃષ્ઠ અંગ્રેજીનાં પાઠ ભણાવાશે

મોરબી : અંગ્રેજીની ઘેલચ્છા પાછળ આજે બાળકોનું બાળપણ ખોવાઈ ગયુ છે અને હાઇફાઈ માતા પિતા સમાજમાં પોતાનું સ્ટેટસ ઊંચું બતાવવા પાછળ બાળકોના કુમળા વિચારોને રીતસર વેરવિખેર કરી રહ્યા છે ત્યારે મોરબીના નવયુવાને માતૃભાષામાં શિક્ષણની ઝુંબેશના ભાગ રૂપે બાળકોને ભાર વગરના ભણતરની સાથે ઉત્કૃષ્ઠ અંગ્રેજી પણ આવડે તે માટે અનોખી પ્રિ સ્કૂલની શરૂઆત કરી છે જ્યાં અળકો… દળકો… દહીં દડુંકો…જેવી સુપ્રસિદ્ધ કવિતાઓની સાથે જિંગલ બેલ પોએમ પણ બાળકો આસાનીથી હસતા રમતા શીખશે. અને મોરબીમાં માતૃભાષામાં પાયાનું શિક્ષણ આપવા શરૂ થયેલી અનોખી પ્રિ સ્કૂલને મળ્યો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

મોરબીના કન્યાછાત્રાલય રોડ પર શહેરની માધ્યમ પ્રગતિ કલાસીસ નજીક શરૂ થયેલ રેઇનબો પ્રિ સ્કૂલ એક એવું સ્થળ છે જ્યાં ભારતીય સંસ્કૃતિનો અમૂલ્ય વારસો આવનારી પેઢીમાં રોપવાનું ભગીરથ કાર્ય શરૂ કરાયું છે, અંગ્રેજી માધ્યમ શિક્ષણ પાછળ આંધળી દોટ મુક્તા વાલીઓની આંખ ઉઘાળવા મોરબીના તરવારીયા નવ યુવાન નીરવ માનસેતાએ પોતાના શિક્ષણ સાથેના વર્ષોના અનુભવ અને શિક્ષણવિદોની સોનેરી સલાહોને લક્ષ પર લઈ સપ્તરંગી બાલમંદિર કમ પ્રિ સ્કૂલની શરૂઆત કરી છે.

ગુજરાતી માધ્યમની પ્રિ સ્કૂલનું નામ રેઇનબો સાંભળતા જ આપણને અંગ્રેજી ભાષાની છાંટ જોવા મળે છે પરંતુ આ વિશે શાળા સંચાલક નીરવ માનસેતા કહે છે કે બહુ જ ગંભીર વિચારણાના અંતે આ નામ ફાઇનલ કર્યું છે, પહેલા મેઘધનુષ્ય નામ રાખવા વિચાર્યું હતું પરંતુ બાળકો અને વાલીઓને બોલવામાં સરળતા રહે તે માટે રેઇનબો પ્રિ સ્કૂલ નામ રાખ્યું છે અને મેઘધનુષ્યની જેમ જ અહીં બાળકોને જા..ની…વા…લી…પી…ના…રા….. જે આપણા મૂળ સાત રંગો છે તે જ રીતે શિક્ષણના પાયાના મૂળ તત્વોને લક્ષમાં લઈ બાળકોને શિક્ષણ આપવામાં આવશે.

- text

રેઇનબો પ્રિ સ્કૂલમાં પ્લે ગ્રુપ, નર્સરી, એલકેજી અને યુકેજીમાં બે વર્ષથી લઈ પાંચ વર્ષના બાળકોને સંપૂર્ણ પણે માતૃભાષામાં શિક્ષણ આપી પાયો મજબૂત બનાવવાની સાથે બાળકોને ફાકડું અંગ્રેજી પણ શીખવવામાં આવશે ૧ થી ૫૦ આંકડા ગુજરાતીમાં બોલનાર બાળકને વન ટુ ફિફટી પણ એટલી જ સરળતા અને સહજતાથી બોલતા આવડશે તેવી ખાતરી સાથે બાળકોને રમતા રમતા અનેક ઇતર પ્રવૃતિઓ પણ શીખવાડવામાં આવનાર હોવાનું નિરવભાઈ માનસેતાએ જણાવ્યું હતું.

શા માટે માતૃભાષામાં શિક્ષણ જરૂરી છે તેનો જવાબ આપતા નીરવભાઈ કહે છે કે જાપાન, ફિનલેન્ડ, જર્મની સહિતના મોટાભાગના વિકસિત દેશોમાં બાળકોને મતતુભાષામાં જ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, શિક્ષણવિદો અને કેળવણીકારો તેમજ સંશોધકોના મતે માતૃભાષામાં શિક્ષણથી બાળકની શક્તિ ખીલે છે, એકથી દસ વર્ષના બાળકનો ગ્રાસ્પિંગ પાવર ગજબ હોય છે જો બાળકને આ ઉંમરમાં ચાર ભાષામાં પણ શીખવવામાં આવે તો તે નિપુણતા પૂર્વક બધી જ ભાષામાં પારંગત બનતો હોવાનું જણાવતા નિરવભાઈ ઉમેરે છે કે માતૃભાષામાં શિક્ષણથી જ બાળકનો વિકાસ શક્ય છે.

જો કે અંગ્રેજી ભાષા ખરાબ નથી પરંતુ માતૃભાષાને કોરાણે મૂકી અંગ્રેજી પાછળ દોટ મુકવાની આજની માનસિકતાને કારણે બાળકો સ્ટ્રેસનો શિકાર બનતા હોવાની સાથે ભારતીય મૂલ્યોથી દૂર જઈ રહ્યા હોવાની લાલબત્તી દેખાડી નિરવભાઈએ બે થી પાંચ વર્ષ સુધીના બાળકોને માતૃભાષામાં જ શિક્ષણ તરફ વળવા અપીલ કરી હતી.

મોરબીની સાર્થક સ્કૂલ સાથે જોડાયેલ રેઇનબો પ્રિ સ્કૂલ વિશે વધુમાં જણાવતા તેમણે ઉમેર્યું કે માતૃભાષામાં આધુનિક પદ્ધતિથી શિક્ષણ આપતી એમની સંસ્થામાં તમામ પાસાઓની જીણામાં જીણી બાબતોની કાળજી લેવામાં આવી છે અને બાળકોને જન્મ દિવસે કેક કાપીને ઉજવણી કરવાને બદલે વૈદિક પરંપરા અનુસાર જન્મ દિવસની ઉજવણી કરવા પ્રેરણા આપી આજના સમયમાં લુપ્ત થઈ રહેલી કુટુંબ ભાવના કેળવાય તેવો અભિગમનું બાળકોમાં સિંચન કરવામાં આવશે, અહીં આવનાર બાળકની સલામતી માટે પણ કડક નિયમો બનાવાયા છે જેથી સલામતીની દ્રષ્ટિએ પણ રેઇનબો પ્રિ સ્કૂલ બેજોડ બની રહેશે.

- text