હળવદના કડીયાણાથી ખેતરડી સુધી બનતા રોડના કામમાં વ્યાપક ભ્રષ્ટાચારની રાવ

- text


કોન્ટ્રાક્ટરને છાવરતા સરકારી બાબુઓનો રોડના કામમાં કેટલા ટકા ભાગ ? ગ્રામજનો દ્વારા કરાયો આક્ષેપ

હળવદ : રાજયના છેવાડાના ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામજનોની સુખાકારીમાં વધારો કરવા માટે રાજય સરકાર દ્વારા રોડ, રસ્તાના કામો માટે મોટી મોટી ગ્રાન્ટો ફાળવવામાં આવતી હોય છે ત્યારે હળવદ તાલુકાના કડીયાણા ગામથી ખેતરડી સુધીના બનતાં રોડમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થતો હોવાનું ગ્રામજનો દ્વારા સણસણતો આક્ષેપ કરાતા કરોડોના ખોટા બીલો ઉભા રહી જશે તેવો કોન્ટ્રાક્ટરોમાં ફફડાટ ફેલાયો છે.

હળવદ પંથકના ગ્રામ્ય વિસ્તાર ગણાતા કડીયાણા ગામથી ખેતરડી સુધી અંદાજે ર૦ કીલોમીટરના અંતરમાં બનતાં રોડના કામમાં ૧૧.૬૭ કરોડની રકમની ગ્રાન્ટ ફાળવાઈ છે જેમાં ગુજરાત કન્ટ્રક્સન કંપની (વઢવાણ) દ્વારા ડામર રોડ સહિત વચ્ચે આવતા અંદાજે ૧૦ પુલ બનાવવામાં આવી રહ્યા છે. જે અંગે ગામ લોકોએ આ રોડના કામની ચકાસણી કરતા ગુણવત્તાયુકત ન હોવાનું સામે આવતા કંપનીના કોન્ટ્રાકટર રોડના કામમાં મોટો ભ્રષ્ટાચાર આચરતા હોવાનું ગામલોકોએ આક્ષેપ કર્યો છે. જોકે કોન્ટ્રાક્ટરે આ કામમાં માત્ર હલકો મટેરીયલ વાપરીને લોટ, પાણી અને લાકડા જેવો તાલ સર્જયો છે.

- text

આ અંગે કોગ્રેસ મહામંત્રી ચતુરભાઈ ચરમારીએ જણાવ્યું હતું કે, કડીયાણાથી ખેતરડી ગામ સુધી બની રહેલ ર૦ કિલોમીટરના ડામર રોડના કામમાં ગેરરીતી થતી હોય તેવું જણાઈ આવે છે અને કોન્ટ્રાક્ટર અને સરકારી બાબુઓની મિલી ભગતથી કરોડોનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવા છતાં ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ મૌન સેવી રહ્યા છે. એટલું જ નહીં સ્થાનિક રહીશોએ આ કામનું નિરીક્ષણ કરતાં સમગ્ર ડામર રોડ અને વચ્ચે આવતા અંદાજે ૧૦ પુલ પર ઓછી માત્રામાં સિમેન્ટ વાપરી માત્ર રેતી, ક્રોકિટના કામમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનો ઘટસ્ફોટ કર્યોં હતો. આ મામલે કંપનીને બ્લેક લીસ્ટ કરવા ચાર ગામોના રહીશોમાં માંગ ઉઠવા પામી છે.

કોન્ટ્રાકટરનો લુલો બચાવ કરતા ઈજનેર

આ અંગે નાયબ કાર્યપાલક ઈજનેર જે.એમ કોલચાનો સંપર્ક કરતાં તેવોએ કંપનીનો લુલો બચાવ કર્યો હતો અને જણાવેલ કે કામ તો સારુ જ થાય છે છતાંય પણ સ્થળ પર કયાંક ગેરરીતિ જણાશે તો તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.

 

- text