ટંકારાની એમપી દોશી વિદ્યાલયની બે છાત્રાઓ ધો.૧૨માં તાલુકા ફર્સ્ટ

- text


કોમર્સમાં મોદી આરતીએ ૯૯.૧૩ પીઆર અને આર્ટ્સમાં વોરા સિમાએ ૯૯.૨૯ પીઆર મેળવ્યા : બન્ને છાત્રાઓ સામાન્ય પરિવારની, આઇપીએસ બનવાનું સ્વપ્ન

ટંકારા : ટંકારા તાલુકાની એમ. પી. દોશી વિદ્યાલયની બે વિદ્યાર્થીનીઓ ધો.૧૨ના પરિણામમાં ઝળકીને તાલુકામાં પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે. કોમર્સમાં મોદી આરતી એ ૯૯.૧૩ પીઆર અને આર્ટ્સમાં વોરા સિમાએ ૯૯.૨૯ પીઆર જેવું ઝળહળતું પરિણામ મેળવ્યું છે. બંને દીકરીઓ સામાન્ય પરિવારમાંથી આવે છે. એકના પપ્પા નાસ્તાની કેબિન ચલાવે છે તો બીજાના પપ્પા સેન્ટીંગનું મજૂરી કામ કરે છે. બન્ને દીકરીઓ આઇપીએસ બની દેશની રક્ષા કરવા ઈચ્છે છે

માર્ચ ૨૦૧૮ માં લેવાયેલી બોર્ડની એચ.એસ.સી. પરીક્ષાનું આજે પરિણામ જાહેર થયું છે. જેમાં ટંકારા તાલુકાએ કાઠું કાઢ્યું હોય તેમ મોરબી જિલ્લામાં ટંકારા તાલુકો કેન્દ્રમાં ૭૨.૩૩ ટકા સાથે પ્રથમ ક્રમે રહ્યો છે.તો તાલુકામાં આર્ટસ અને કોમર્સ માં એમ પી દોશી વિદ્યાલય ની વિદ્યાર્થિનીએ પ્રથમ ક્રમાંક મેળવી છોકરાઓને પણ પાછળ રાખી દીધા છે. જેમાં સાવ સામાન્ય પરિવારના અને નાસ્તા-પાણીની કેબિન ચલાવતા પિતાની દીકરી મોદી આરતીએ કોમર્સમા ૯૯.૧૩ પીઆર મેળવી ટંકારામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે તો આર્ટસમાં સેન્ટીગનું મજૂરી કામ કરતા પિતાની દીકરી વોરા સિમા એ ૯૯. ૨૯ પીઆર સાથે પ્રથમ ક્રમ મેળવી એમપી દોશી શાળા તથા પરિવારનું ગૌરવ વધાર્યું છે.

- text

બંને દીકરીઓના પરિવારની જો વાત કરવામાં આવે તો મોદી આરતીના મોટાબેન મોનિકાબેન પણ ટંકારા તાલુકામાં ધોરણ ૧૦ અને ૧૨ માં ફર્સ્ટ આવ્યા હતા જેના નકશેકદમ પર નાની બહેને ચાલવાનું પસંદ કરી આ મુકામ હાંસલ કર્યું છે. જ્યારે વોરા સિમાને તેમના માદરે વતનથી અપડાઉન કરવામાં તકલીફ પડતી હોય તેમના મામાના ગામ મીતાણા રહી અને મમ્મીની મમ્મી એટલે કે નાની માંની ઈચ્છા પૂરી કરવા માટે તનતોડ મહેનત કરી અને પ્રથમ ક્રમાંક મેળવ્યો છે.

બંને વિદ્યાર્થીઓની ઈચ્છા આગામી સમયમાં યુપીએસસીની એક્ઝામ આપી આઇપીએસ કે તેની સમકક્ષની પોસ્ટ મેળવી દેશની સેવા કરવાની છે. બન્ને છાત્રાઓની સફળતા માટે એમપી દોશીના શિક્ષકો અને ખાસ કરીને પ્રવાસી શિક્ષક તરીકે ફરજ બજાવતા ચૌહાણ સાહેબની મહેનતને પણ બિરદાવી હતી. ઊચા રીઝલ્ટ થી ટંકારા મા વિધાર્થીઓ અને વાલી મા હરખની હેલી ફરી વળી હતી.

- text