ફિલ્મ રિવ્યુ : પરમાણુ (હિન્દી) : પોખરણ પરમાણુધડાકા પર આધારિત હિસ્ટોરીકલ થ્રિલર

- text


પોતાની એક્શનપેક મસાલા મૂવીઝ માટે જાણીતા એક્ટર જ્હોન અબ્રાહમ લઈને આવ્યા છે, ભારતના પોખરણ પરમાણુ પરિક્ષણની સત્યઘટના પર આધારિત ફિલ્મ ‘પરમાણુ’. અગાઉ વિકી ડોનર અને મદ્રાસ કાફે જેવી અવનવા વિષયો પરની ફિલ્મ પ્રોડ્યુસ કરી ચૂકેલા જ્હોન અબ્રાહમ આ ફિલ્મના કો-પ્રોડયુસર પણ છે.

ફિલ્મમાં 90ના દાયકાના સમયના ભારત અને તેના વિદેશી દેશો સાથેના સંબંધોને લઈને વાર્તાની શરૂઆત થાય છે. ઇ.સ. 1995માં ભારત પોતાની સુરક્ષા વધારવા પરમાણુ પરીક્ષણ કરે છે, પણ તે નિષ્ફળ જાય છે. ભારતની રાજકીય પરિસ્થિતિ ડામાડોળ થાય છે. આ પરીક્ષણનો મૂળ આઈડિયા આઈ.એ.એસ. ઓફિસર અશ્વત રૈના (જ્હોન અબ્રાહમ)નો હતો. તેની જાણ બહાર જ પ્લાન બને છે અને તેમાં કેટલીક ક્ષતિઓ રહી જવાથી અમેરિકાને ખબર પડી જાય છે. દોષનો ટોપલો અશ્વત પર આવે છે અને તે સસ્પેન્ડ થાય છે.

અશ્વત રૈના દિલ્હી છોડી ને મસૂરી શિફ્ટ થાય છે. આઈ.એ.એ.પરીક્ષાના કોચિંગ ક્લાસ ચલાવે છે. સિસ્ટમને દોષ દઈને બેસી રહે છે. 1998માં ભારતના નવા પ્રધાનમંત્રી તરીકે વાજપેયી આવે છે, તેઓના અંગત મુખ્ય સચિવ તરીકે હિમાંશુ શુક્લા (બોમન ઈરાની) બંધ થયેલી આ અણુપરિક્ષણની ફાઈલને ખોલે છે, ને શરૂ થાય છે પોખરણ પરમાણુ ધડાકા સુધીની થ્રિલર…. અમેરિકાના નાક નીચેથી નજર ચૂકવીને સફળ પરીક્ષણ કેવી રીતે પાર પડે છે, મહાભારતમાં જેમ કુરુક્ષેત્રમાં કૃષ્ણએ કૌરવોને મ્હાત આપવામાં રણનીતિઓ ઘડી હતી એવું જ ફુલપ્રુફ પ્લાનિંગ જોવા ફિલ્મ જોવી પડે એવી છે.

આ પોખરણ પરમાણુ વિષય પર ફિલ્મ બનાવવાની ઈચ્છા બોલિવુડના આશુતોષ ગોવારીકર અને શુજિત સરકારે પણ વ્યક્ત કરેલી. ફિલ્મમાં તેરે બિન લાદેન મુવી ફેઈમ અભિષેક શર્માનું ડિરેક્શન ફિલ્મની જ્ઞાત સ્ટોરીને એક મેચ્યોર રીતે રજૂ કરે છે. મસૂરી અને જેસલમેર તથા દિલ્હીના લોકેશનમાં ફિલ્મ સહજતાથી શિફ્ટ થતી જાય છે. જોનના કેરેક્ટરનું ડિટેલિંગ ખૂબ સારું છે. મોબાઈલ ઇનકમિંગ કોલનોય ચાર્જ થતો એ આજની પેઢીને નવું લાગશે પણ ફિલ્મમાં એવું ઘણું દર્શાવ્યું છે. થોડા સમય પહેલા આવેલી ‘નીરજા’ ફિલ્મ જેમણે લખી છે એવી રાઇટર જોડી સૈવિન ક્વાદ્રાસ અને સંયુક્તા ચાવલા શેખે આ ફિલ્મમાં થ્રિલર, હ્યુમર, સસ્પેન્સ અને સોફ્ટ એક્શન સરસ રીતે વણી લીધા છે.

- text

આઈ.બી.ઓફિસરના રોલમાં આવતી ડાયના પેન્ટીએ ખૂબ સારો રોલ કર્યો છે, તેમ છતાં એને થોડો વધુ રોલ આપવાની જરૂર હતી. અશ્વતની પત્નિના રોલમાં અનુજા સાઠેએ બેલેન્સ્ડ રોલ કર્યો છે. અન્ય સહાયક અભિનેતાઓએ પણ સ્ક્રિપ્ટની ડિમાન્ડમુજબ પોતાના રોલને ન્યાય આપ્યો છે. બોમન ઈરાની ફિલ્મમાં થોડા સાઇલેન્ટ લાગ્યા, એમની પાસેથી ડિરેક્ટર વધુ ઇન્ટેન્સ સીન્સ કરવી શક્યા હોત. ફિલ્મનું મ્યુઝિક થારે વાસ્તે ગીત સિવાય ઓકે છે. ક્લાઈમેક્સમાં આવતો બ્લાસ્ટિંગનો સીન ફિલ્મ જોતાં જોતાં સીટ પર ટટ્ટાર બેસાડી દે તેવી રીતે ફિલ્માવાયો છે.

જ્હોન અબ્રાહમ અત્યાર સુધી કરેલી ફિલ્મો જેવી એક્શન અહીં નથી. ફિલ્મમાં જ્હોનનું પાત્ર આર્મીયન પિતાના દેશભક્ત સંતાનનું છે. જેને માટે મેડલ કે નામના કરતાં દેશભક્તિ વધુ મહત્વની છે. વરદીસે હીરો નહીં બનતે, ઈરાદો સે બનતે હૈ! – ફિલ્મના આ ડાયલોગ જેવું જ તેનું પાત્ર છે. (જોકે, પહેલી વાર જ્હોન અબ્રાહમને તેની ફિલ્મમાં કોઈના હાથે માર ખાતો જોયો!) જ્હોન અબ્રાહમની આ ફિલ્મ તેની કરીઅર માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે એવી છે.

જોવાય કે નહીં?
જ્હોન અબ્રાહમને તેની ઇમેજમાંથી બહાર નીકળતો જોવો હોય, ભારતના ઇતિહાસમાં રસ પડતો હોય, પોખરણ પરમાણુ પરીક્ષણને ડિટેઇલમાં સમજવું હોય તો ફિલ્મ મસ્ટ વોચ છે, તો લોકોને ખબર હોય તેવી સ્ટોરીને પણ રસપ્રદ રીતે લખીને બનાવેલી આ ફિલ્મ વન ટાઈમ વોચ છે.

ફિલ્મમાં આવતી રિઅલ ન્યુઝ સિક્વન્સમાં અટલ બિહારી વાજપેયી, અબ્દુલ કલામ, બિલ ક્લિન્ટન, નવાઝ શરીફ, બેનઝીર ભુટ્ટો વગેરેને જોઈને એ સમયગાળાની યાદો તાજી થયાં વગર તો ન જ રહે. પોખરણ વિશેના વાજપેયીના યાદગાર ભાષણની ઝલક પણ ફિલ્મમાં લેવામાં આવેલી છે.’સરકારે તો આયેગી, જાયેગી, લોકતંત્ર બના રહેના ચાહિએ’. ફિલ્મ ભારતના ગૌરવવંતા ઇતિહાસના એક અણમોલ પાનાને ખૂબ સારી રીતે રજૂ કરે છે.

રેટિંગ : 7.5/10

આલેખન : મનન બુધ્ધદેવ
9879873873

- text