મોરબી માળિયા હાઇવે લૂંટને ડફેર ગેંગે અંજામ આપ્યાનો ખુલાસો : બે ઝડપાયા

- text


સ્ત્રી વેશ ધારણ કરી ટ્રક ચાલકોને લૂંટવામાં આવ્યા હતા : મોરબી એલસીબી અને માળીયા પોલીસની સયુંકત કામગીરીમાં ગુન્હાનો ભેદ ઉકેલાયો

અગાઉ તારાપુર ચોકડી, વટામણ ચોકડી અને માળીયા હાઇવે પર અનેક લૂંટ કર્યાની કબૂલાત

મોરબી : માળિયાના ખીરઇ પાટિયા પાસે બે ટ્રક લૂંટવા ઉપરાંત હળવદ હાઇવે પર વાધરવા નજીક જામનગર પંથકના ટ્રક ચાલકનો મોબાઈલ લૂંટી લઈ હત્યા કરવાના હાઇવે લૂંટના ચકચારી બનાવોમાં માળીયા અને મોરબી એલસીબીના સયુંકત ઓપરેશનમાં ડફેર ગેંગની સંડોવણી હોવાના પુરાવા મળતા સીસી ટીવી ફુટેજના આધારે બે શખ્સોને દબોચી લેવામાં આવ્યા છે અને હજુ નવ શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરાયા છે.

મોરબી – માળીયા – હળવદ હાઇવે પર એક જ રાત્રીના ઉપરા છાપરી લૂંટની ઘટનાઓ બાદ ચોકી ઉઠેલ જિલ્લા પોલીસવડાએ જુદી જુદી ટીમો બનાવી તપાસ શરૂ કરતાં મોરબી એલસીબી અને માળીયા પોલીસની સંયુક્ત ટીમને જબરી સફળતા રૂપે હાઇવે પર સ્ત્રી વેશધારણ કરી ટ્રક ચાલકોને બેટરી બતાવી લાલચ આપી લૂંટને અંજામ આપનારી ડફેર ગેંગની સંડોવણી હોવાના પુરાવા હાથ લાગતા લૂંટની રાત્રીના જુદા – જુદા સીસી ટીવી ફૂટેજ પરથી એક શંકાસ્પદ ઇકો કારના આંટાફેરા જોવા મળ્યા હતા.જેમાં આજે આ જ ઇકો કારમાંથી ભીમસર ચોકડી પાસેથી બે આરોપીને દબોચી લેવામાં આવતા સમગ્ર લૂંટ અને હત્યા કેસની આરોપીઓએ કબૂલાત આપી હતી તેમજ અન્ય ૯ સાગરીતો નામ પણ આપ્યા હતા.

- text

પોલીસે ભીમસર નજીક થી ઝડપી લીધેલ ઇકો કાર નમ્બર જીજે -૦૧- આર.એન. ૯૪૯૧ માં સવાર આરોપીઓ સંજયસિંહ ઉર્ફે મુન્નો ઘનશ્યામસિંહ દરબાર અને કિશન ચંદુભાઇ જાદવ રહે બન્ને ગાંગડ, તા. બાવળા જી.અમદાવાદ વાળાને ધારીયું, ૩ છરા, ૨ ગિલોલ, દોરડું,૬ ટોર્ચ સહિતની વસ્તુઓ કબ્જે લેવામાં આવી હતી.

આરોપીઓની કડક પૂછતાછ કરતા તેઓએ તેમના અન્ય ૯ સાથીઓ જમાલ ઉર્ફ સલિમ દાઉદ ડફેર, રમઝાન દાઉદ ડફેર, લાલો કાવા ડફેર, કાવા દાઉદ ડફેર, હૈયાઝ દાઉદ ડફેર , રહે બધા ગાંગડ તથા રેથલ ગામ તેમજ કટિયા સુલેમાન ડફેર, આમદ મયુદિન ડફેર, અકબર સુમાર ડફેર, સદામ ઇસ્માઇલ ડફેર રહે. દેવળીયા તા.રાણપુર જી.બોટાદ ના નામ આપ્યા છે. વધુમાં બન્ને આરોપી આર્થીક ભીંસમાં હોય તેથી તેના ૯ ડફેર મિત્રો સાથે મળીને આ લૂંટને અંજામ આપ્યાનું જણાવ્યું હતું.

ઇકોના હપ્તા ચડવા ઉપરાંત જેલમાં સબડતા માતા પિતાને છોડાવવા લૂંટ કરી : આરોપીઓની કબૂલાત

માળીયા અને હળવદ હાઇવે પર ટ્રક ચાલકોને સ્ત્રી વેશધારણ કરી લૂંટ ચલાવતી ટોળકીના બે મુખ્ય કાવતરાખોરોને પોલીસે ઝડપી લીધા બાદ ઇકો કાર સાથે ઝડપાયેલા સંજયસિંહ ઉર્ફે મુન્નો ઘનશ્યામસિંહ દરબાર અને કિશન ચંદુભાઈ જાદવ નામના બન્ને શખ્સોએ પોલીસને ચોકવનારી કબૂલાત આપતા જણાવ્યું હતું કે જેલમાં સબડી રહેલા માતા પિતાને છોડાવવા તેમજ ઇકો કારના હપ્તા ચડી ગયા હોય એ લૂંટ કરી હતી, જો કે આરોપીઓ આ જ મોડેસથી અગાઉ તારાપુર ચોકડી અને વટામણ ચોકડી તેમજ માળીયા હાઇવે પર લૂંટ કરી હોવાની પણ કબૂલાત કરી હતી.

- text