વધુ એક ગામનો પ્રેરક સંકલ્પ : માળિયાના ખાખરેચી ગામના બાળકોને સરકારી શાળામાં જ ભણાવાશે

- text


સરકારી શિક્ષકોએ ગ્રામજનોને સમજણ આપતા તમામ ગ્રામજનોએ બેઠક બોલાવીને લીધો નિર્ણય

માળિયા : હાલ મોરબી જીલ્લામાં અનેક ગામોએ બાળકોને સરકારી શાળામાં જ શિક્ષણ આપવાનો નિર્ધાર કર્યો છે ત્યારે માળીયા તાલુકાના ખાખરેચી ગામે શિક્ષકોએ ઘરે ઘરે જઈને વાલીઓને સમજાવતા સમસ્ત ગામે તમામ બાળકોને સરકારી શાળામાં જ શિક્ષણ આપવાનો પ્રેરણાદાયી સંકલ્પ લીધો છે.

સરકારી પ્રાથમિક શિક્ષણ કથળી રહ્યું હોવાની વર્ષોથી બૂમરાણ છે. પરંતું વાસ્તવિક પરિસ્થિતિ જોવા જઈએ તો ખાનગી શાળા કરતા સરકારી શાળામાં વધુ કવોલિફાઇડ શિક્ષકોનો સ્ટાફ હોય છે. હાલ મોરબી જીલ્લાના વાલીઓ જાગૃત થતા હોય તેવુ લાગી રહ્યું છે. અનેક ગામોએ પોતાના બાળકોને સરકારી શાળામાં જ શિક્ષણ આપવાનો નીર્ણય લીધો છે.

- text

માળિયા તાલુકાના ખાખરેચી ગામની વસ્તી ૮ હજાર લોકોની છે. ગામમાં ત્રણ સરકારી શાળાઓ આવેલી છે. આ શાળાઓમાં આશરે ૪૦૦ જેટલા બાળકો અભ્યાસ કરે છે. જયારે ખાનગી શાળાઓમાં ગામના અંદાજે ૧૨૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ખાખરેચી ગામની સરકારી શાળાઓના શિક્ષકોએ સમસ્ત ગ્રામજનોને ઘરે ઘરે જઈને સમજણ આપી કે સરકારી શાળામાં ખાનગી શાળા કરતા વધુ ક્વોલિફાઇડ શિક્ષકો હોય છે.

ત્યારબાદ ગ્રામજનોએ એક બેઠક યોજીને તમામ બાળકોને સરકારી શાળામાં જ ભણાવવાનો પ્રેરણાદાયી સંકલ્પ કર્યો હતો. ગામના જે બાળકો ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરે છે તેઓને ત્યાંથી ઉઠાડીને ગામની ત્રણ સરકારી શાળાઓમાં દાખલ કરવામાં આવશે.

- text