માળિયાના લૂંટ એન્ડ મર્ડર કેસમાં પોલીસ દ્વારા શંકાસ્પદ સ્થાનિક શખ્સોની સઘન પૂછપરછ

- text


આખી રાત બેખૌફ બની લૂંટ ચલાવીને મર્ડર કરનાર ટોળકીને પકડવા પોલીસની ૯ ટીમોએ લગાવ્યું એડી ચોટીનું જોર : સીસીટીવી ફૂટેજના આધારે તપાસ

મોરબી : માળીયા નજીક હાઇવે પર ચાર જેટલા ટ્રકોને રોકી લૂંટ ચલાવી અને એક ટ્રક ડ્રાઈવરની હત્યા નિપજાવનાર લૂંટારું ટોળકીને પકડવા માટે પોલીસે એડી ચોટીનું જોર લગાવ્યું છે. માળીયા પોલીસ ઉપરાંત મોરબી જિલ્લા પોલીસની અલગ અલગ ૯ ટીમો સઘન તપાસ કરી રહી છે પોલીસ દ્વારા હાલ સ્થાનિક શકમંદોની પુછતાછ તેમજ હાઇવે પરના સીસીટીવી ફૂટેજના સહારે તપાસ થઈ રહી છે. જોકે હજુ સુધી પોલીસના હાથમાં કોઈ મહત્વની કડી લાગી નથી.

માળીયા નજીક સોમવારની રાત્રિના ૮ થી ૧૦ જેટલા લૂંટારુઓની પ્રથમ ખીરઈ ગામના પાટીયા પાસે બેથી ત્રણ ટ્રક રોકીને ૬૦ હજારના મુદ્દામાલની લૂંટ ચલાવી હતી. બાદમાં આ જ લૂંટારું ટોળકીએ વાધરવા ગામના પાટીયા પાસે જીજે ૧૦ ઇવી ૭૦૬૨ નંબરના ટ્રકને આંતરીને તેના ડ્રાઇવર સુખારામ મિલન પાલને ઢોર માર મારી તેની હત્યા નીપજાવી હતી. ઉપરાંત ક્લીનરને બંધક બનાવી મોબાઇલની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.

- text

સતત ધમધમતા નેશનલ હાઇવે પર લૂંટ વિથ મર્ડરની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો હતો. પોલીસે આ કેસ સોલ્વ કરવા એડી-ચોટીનું જોર લગાવ્યું છે. માળિયા પોલીસ ઉપરાંત મોરબી જિલ્લાના એ.એસ.પી. અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી સહિત કુલ ૯ ટીમો બનાવી લુંટારું ટોળકીના સગડ મેળવવા પોલીસનો કાફલો કામે લાગ્યો છે. પોલીસે એફ.એસ.એલ અને ડોગ સ્કોડની પણ મદદ લીધી હતી તેમ છતાં તેમાં પણ કોઇ મહત્ત્વની કડી હાથ લાગી નથી.

આ ઉપરાંત લૂંટ અને હત્યાની ઘટનાને અંજામ આપનાર ટોળકી સ્થાનિક હોવાની શંકાએ પોલીસની જુદી-જુદી ટીમોએ માળિયાના વાંઢ વિસ્તારોમાં છાપામારી સ્થાનિક શકમંદોની અટકાયત કરી તેમની પણ કડક પુછતાછ હાથ ધરી છે  વધુમાં પોલીસ દ્વારા હાઈવે પર લૂંટના સ્થળની આજુબાજુ આવેલી હોટેલો અને ટોલનાકા ઉપરના સીસીટીવી ફૂટેજની ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે.

હાલ તો પોલીસ અધિકારીઓ તપાસ ચાલુ હોવાનું જણાવી રહ્યા છે ત્યારે સોમવારની આખી રાત હાઈવે પર બેખૌફ લૂંટ ચલાવી ડ્રાઇવરની હત્યા કરનાર ખૂંખાર ગેંગના સગડ મેળવવામાં પોલીસ કેટલી સફળ થાય છે તેના પર સૌની નજર મંડાયેલી છે.

- text