મોરબીમાં ખાદ્ય પદાર્થોમાં બેફામ ભેળસેળ : ફુડ ઇન્સપેકટરની કાયમી નિમણૂક કરવાની માંગ

- text


ભેળસેળીયા તત્વો બેફામ બનતા જન આરોગ્ય પર મોટુ જોખમ : સામાજિક કાર્યકરની કલેક્ટરને રજુઆત

મોરબી : મોરબી જિલ્લો બન્યો તેને ચાર વર્ષ થવા આવ્યા છતાં ફુડ ઇન્સપેકટરની કાયમી નિમણૂક કરવામાં આવી નથી જેના કારણે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળનું પ્રમાણ વધ્યું છે. ખુલ્લામાં વેચાતાં વાસી ખાધપદાર્થ દ્વારા જન આરોગ્ય સાથે ગંભીર ચેડા થઇ રહ્યા છે. ત્યારે આ અંગે એક જાગૃત નાગરિકે જિલ્લા કલેકટરને રજુઆત કરી હતી.

સામાજિક કાર્યકર રાજુભાઈ દવેએ જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી કે મોરબી નગરપાલિકા એ ગ્રેડની ગણાય છે પરંતુ આ એ ગ્રેડની પાલિકામાં છેલ્લા ૨૦ વર્ષથી ફૂડ ઇન્સ્પેકટર નથી. હાલમાં ઈન્ચાર્જ દ્વારા ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે ખાદ્ય વસ્તુઓ ઉપર કોઇ કાર્યવાહી થતી ન હોવાથી ભેળસેળ વાળી વસ્તુઓ બેફામ વેચાઈ રહી છે. ઉપરાંત અખાદ્ય વસ્તુઓના લીધે જમણવારના પ્રસંગોમાં ઝાડા-ઊલટીના બનાવો પણ અવારનવાર બનતા રહે છે.

- text

વધુમાં તેઓએ ઉમેર્યું કે કેરીને કાર્બનથી પકવીને વેચાણ કરવા છતાં આ અંગે કોઈ કાર્યવાહી કરાતી નથી. ભેળસેળિયુંકત ખાદ્ય વસ્તુઓના વેચાણથી ઉનાળામાં પાણી જન્ય રોગો થવાની સંભાવના વધી જાય છે . ફરસાણ, મીઠાઈ અને આઈસ્ક્રીમનું પણ પડતર વેચાણ થતું હોવા છતાં યોગ્ય રીતે ચેકિંગ કરાતું ન હોવાથી ખુલ્લેઆમ જન આરોગ્ય સાથે ચેડા થઇ રહ્યા છે તેથી તેમણે જાહેર હિતની સલામતી માટે પાલિકામાં કાયમી ફૂડ ઇન્સ્પેકટરની નિમણૂક કરી જાહેરમાં વેચાતી અખાદ્ય વસ્તુઓ સામે કડક ચેકીંગ કરીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

- text