માળીયાના વાધરવા – ખીરઇ નજીક બે ટ્રક લૂંટાયા : એક ટ્રક ચાલકની હત્યા

- text


માળીયા હાઇવે પર લૂંટની બબ્બે ઘટના : પોલીસ કાફલો ઘટના સ્થળે

માળીયા : મોરબીમાં અઠવાડીયા અગાઉ આઇસર ચાલકને લૂંટી લેવાયાની ઘટના હજુ તાજી છે ત્યાં ગતરાત્રીના માળીયાના ખીરઇ અને વાધરવા ગામ નજીક હાઇવે ઉપર બબ્બે ટ્રક ચાલકને લૂંટી લઈ એક ટ્રક ચાલકની હત્યા કરી નાખવામાં આવતા સનસનાટી મચી જવા પામી છે.

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયાના ખીરઇ ગામ નજીક ગત મોડી રાત્રીના આશિષ હોટલ નજીક લૂંટારુઓએ એક ટ્રક ચાલકને લૂંટી લઈ બેફામ માર મારતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી.

બીજી તરફ એક લૂંટની તપાસ ચાલુ હતી ત્યાંજ વાધરવા નજીક લૂંટારુઓએ ટ્રક ચાલકને લૂંટી લઈ હત્યા કરી નાખી હોવાનો કોલ ૧૦૮ ને મળતા ૧૦૮ નો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને માળીયા પોલીસને સમગ્ર ઘટનાથી વાકેફ કરતા પોલીસ કાફલો વાધરવા પહોંચી તપાસ શરૂ કરી છે.

- text

વધુમાં વાધરવા નજીક ટ્રક ચાલકને લૂંટી હત્યા કરવાની ઘટનામાં પ્રાથમિક તપાસમાં ટ્રક જામનગરના ટ્રાન્સપોર્ટરનો હોવાનું અને ટ્રક ડ્રાઇવર ઉત્તરપ્રદેશનો રહેવાસી સુખરામપાલ નામનો યુવાન હોવાનું બહાર આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે લૂંટ વિથ મર્ડરની આ ઘટના નજરો નજર નિહાળનાર ટ્રકના ક્લીનરને પણ લૂંટારુઓએ બાંધી દીધો હતો અને ટ્રક ડ્રાઇવરને બેફામ માર મારતા મૃત્યુ નિપજતા લૂંટારાઓ ક્લીનરને છોડી મુકતા ક્લીનર જીવ બચાવવા ભાગ્યો હતો અને ૧૦૮ ને સવારે ૫.૩૦ કલાકે જાણ કરી હોવાનું જાણવા મળ્યું છે.

- text