ટંકારા ગ્રામ પંચાયત દ્વારા પીવાના પાણીના પ્રશ્ને મંગળવારે ઉપવાસ આંદોલન

- text


૨૦૧૬માં મંજુર થયેલ ફીલ્ટર પ્લાન્ટનું કામ આજદિન સુધી શરૂ ન થતા ગ્રામ પંચાયત આકરા પાણીએ : મામલતદાર કચેરી સામે છાવણી ઉભી કરાશે: વેપારીઓએ પણ ટેકો જાહેર કર્યો

ટંકારા : ટંકારાના ગ્રામજનો છેલ્લા ઘણા વર્ષોથી પીવાના પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. બે વર્ષ પૂર્વે ફિલ્ટર પ્લાન્ટ મંજુર તો થઈ ગયો પરંતુ તેનું કામ આગળ ધપ્યું જ નહીં. સરપંચ સહિતના આગેવાનોએ છેક ગાંધીનગર સુધી રજુઆતો કરી છતાં કઈ પરિણામ ન મળ્યું. અંતે ટંકારા ગ્રામપંચાયત દ્વારા આવતીકાલે મંગળવારે ઉપવાસ આંદોલન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ટંકારા ગામમાં હાલ ૨૦ હજાર જેટલી વસતી છે. આ ગામને વર્ષોથી પીવાના પાણી માટે પૈસા ચુકવી તરસ છુપાવી પડે છે જ્યારે આ તરસ્યાની તરસ છીપાવવાની એક આશા જાગી હોય તેમ ૨૦૧૬માં ૧/૧.૩ એમએલડીની ક્ષમતાના ફિલ્ટર પ્લાન્ટ માટે ૬૦ લાખ જેટલી રકમ મંજૂર થઈ અને ટેન્ડર પણ જેતે કંપનીને આપી દીધા હોવા છતાં આજદિન સુધી આ કામ શરૂ થયું નથી. હજુ પણ આ કામ શરૂ થાય એવા કોઈ એંધાણ જણાતા નથી. પંચાયતને આ બાબતે નગરજનો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. જેના પરિણામે સરપંચ સહિત સભ્યોએ છેક ગાંધીનગર સુધી રૂબરૂ ધોળા કર્યા છતાં કંઈ જ હાથમાં આવ્યું ન હતુ.

- text

આ અંગે ટંકારા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ દ્વારા મામલતદાર કચેરી ખાતે આવતીકાલે મંગળવારના રોજ સવારે ૧૦ વાગ્યે શુધ્ધ પાણી ના પ્લાન માટે ઉપવાસ આંદોલન છેડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સરપંચ સહિત સભ્યો અને ગ્રામજનો જોડાશે. આ આંદોલનને ગ્રેઈન મર્ચન્ટ એશિયન વેપારી મંડળ ટંકારાએ ખુલ્લો ટેકો જાહેર કર્યો છે અને જરૂર પડ્યે વેપારીએ તેના વેપાર ધંધા બંધ રાખી વિરોધ નોંધાવવાની તૈયારી દર્શાવી છે.

દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ટંકારામાં પીવાના પાણી માટે લોકોને રીતસર વલખાં મારવા પડે છે અને અશુદ્ધ પાણીથી નાછૂટકે તરસ છીપાવવી પડે છે આર્થિક સગવડવાળા લોકો બજારમાંથી પાણીની બોટલો મગાવી અને શુદ્ધ પાણીથી તરસ તો છુપાવી લે છે પરંતુ રોજેરોજનું કમાનાર ગરીબ અને મધ્યમ વર્ગ પાણીના પૈસા કઈ રીતે ચુકવે એ મોટો પ્રશ્ન છે પરિણામે દૂષિત પાણી પીને તેઓને પોતાનું આરોગ્ય જોખમમાં મુકવાની ફરજ પડે છે.

હાલ પીવાના પાણીના પ્રશ્ને ટંકારા ગ્રામ પંચાયતના મહિલા સરપંચે ઉપવાસ આંદોલનની છાવણીઓ તૈયાર કરી દીધી છે આવતીકાલે મંગળવારે સવારે ૧૦ કલાકે મામલતદાર કચેરી ટંકારા ખાતે ઉપવાસ આંદોલનની શરૂઆત થશે. જેમાં તમામ સભ્યો પણ જોડાશે. ત્યારે હવે જોવું રહ્યું કે તંત્ર કુંભકર્ણની નિદ્રામાંથી જાગીને ટંકારાની શુધ્ધ પિવાના પાણીની તરસ ક્યારે છિપાવે છે.

- text