ફિલ્મ રિવ્યુ : રાઝી (હિન્દી) : રાઝ જો કુછ ભી હો, ઈશારોમેં બતા ભી દેના! – અ સસ્પેન્સ થ્રિલર

- text


એક પછી એક વધુને વધુ ચડિયાતા રોલ કરી રહેલી આલિયા ભટ્ટને ચમકાવતી, ઇ.સ.1971ના ભારત-પાક.ના યુદ્ધની પૃષ્ઠભૂમિ પર રચાયેલી અને બોલીવુડની દેશભક્તિની ફિલ્મો કરતાં એક કદમ આગળ નીકળી જતી સસ્પેન્સ થ્રિલર મુવી એટલે ‘રાઝી’.

ગુલઝારપુત્રીને એ સાબિત કરવાની જરૂર નથી કે એ મેઘના ગુલઝાર છે. મેઘના એ ડાયરેકટ કરેલી આ ફિલ્મ, તેણીના ડાયરેક્ટર તરીકેના સુપર્બ ડિટેઇલિંગથી એવી ઇફેકટીવ બની છે કે, 2 કલાક 18 મિનિટ સુધી તમને રીતસર સિનેમાની સીટ સાથે જકડી રાખે. સ્ટોરીમાં રહેલો ફ્લો અને તમે ધારેલી સિચ્યુએશન કરતાં અલગ જ ઘટના બને એટલે ફિલ્મ જોઈને તમે ‘રાઝી'(ખુશ) તો થઈ જ જાવ, પણ ફિલ્મમાં રહેલું આલિયા ભટ્ટનું ઇન્ટેલિજન્સ બ્યુરોના સ્પાયનું કેરેક્ટર ખરાં અર્થમાં ‘રાઝી’ (મહત્વની વાતો જાણનાર) બની રહે છે.

20 વર્ષની કોલેજીયન યુવતી સહેમત ખાન (આલિયા ભટ્ટ)ના પિતા હિદાયત ખાન આમ તો વેપારી છે, પણ ઇન્ડિયન ઇન્ટેલિજન્સ બ્યુરો માટે એજન્ટનું કામ કરે છે. આ હિદાયત ખાનના એક મિત્ર પરવેઝ સૈયદ અને તેના બન્ને દીકરા પાકિસ્તાનની આર્મીમાં છે. સૈયદને એમ છે કે, હિદાયત ખાન તેમના એજન્ટ છે. હિદાયત ખાન પોતાની પુત્રીને પાકિસ્તાનમાં થઈ રહેલી ગતિવિધિઓની જાસૂસી કરવા પરવેઝ સૈયદના દીકરા ઈકબાલ સાથે પરણાવે છે. (સત્યઘટના પર આધારિત હોવાથી માની શકો અન્યથા થોડું અજુગતું લાગે!)ને સહેમત ખાનની એક જાસૂસ તરીકેની સફર શરૂ થાય છે. પાકિસ્તાન જઈને તે ભારત સુધી પોતાની જાસૂસી માહિતી કેવી રીતે પહોંચાડે છે ? એમાં તે સફળ થાય છે કે પકડાય જાય છે? આ બધું સિનેમાહોલના દર્શકને નખ ખોતરતા જોવું પડે એવું રસપ્રદ રીતે ફિલ્મવાયું છે.

ફિલ્મમાં આલિયા ભટ્ટની રિઅલ મધર સોની રઝદાન, તેની માં તેજી ખાનના રોલમાં છે, તો સપોર્ટિંગ એક્ટર્સ તરીકે વિકી કૌશલ, શિશિર શર્મા, રજીત કપૂર, વગેરે પર્ફેક્ટ કાસ્ટિંગ કહી શકાય. આ બધામાં ધ્યાન ખેંચે એવું કામ કર્યું છે, આલિયાના ટ્રેનર અને આઈ.બી.ઓફિસર ખાલિદ મીરના રોલમાં જયદિપ આહલાવતે. તેણે આંખોથી આપેલા રોલને અનુરૂપના એકપ્રેશન જોવા ખૂબ ગમે તેવા છે. પણ બધાંને પોતાની એક્ટિંગથી આલિયા ભટ્ટે ક્યાંય પાછળ છોડી દીધા છે. એક સેન્સેટિવ પુત્રી, એક પ્રેમાળ પત્ની અને વતનપ્રેમી જાસૂસના રોલમાં તેણી એ દિલ રેડીને કામ કર્યું છે. તેના પિતા મહેશ ભટ્ટે ટ્વિટર પર લખ્યું છે તેમ આ આલિયાનું અત્યારસુધીનું બેસ્ટ પર્ફોર્મન્સ છે.

ફિલ્મમાં 1971 પહેલાંનું ભારત અને પાકિસ્તાન બતાવવામાં ખૂબ જ મહેનત કરેલી જોઈ શકાય છે. લેન્ડલાઈન ફોન, સ્વિચ બોર્ડ, કિચન, કાર, પડદા, જવેલરી, કોસ્ચ્યુમ્સ, વિવિધ મકાન અને ઘર વગેરે આપણને એ સમયમાં લઈ જાય છે, તો ફિલ્મના યાદગાર ડાયલોગ ખુદ મેઘના ગુલઝારે લખ્યા છે. જેમ કે, ‘વતન કે આગે કુછ નહીં, મૈં ભી નહીં’, ‘મૈં સિગારેટ તો નહીં પીતા, પાર ઝીંદગી કે કશ કુછ જ્યાદા લે લીએ’, ‘નઈ દુલ્હનકો હસતે રહેના ચાહિએ, હસ હસ કે બહોત ગાલ દુઃખ જાતે હૈ’.

- text

બોલિવુડમાં બનતી દેશભક્તિની કે ભારતીય સેનાને લગતી ફિલ્મોમાં દેશભક્તિનો જોવા મળતો ઓવરડોઝ આ ફિલ્મમાં નથી. અહીં સોફ્ટ પ્લોટમાં દેશપ્રેમ છે. આલિયાના દાદા સ્વાતંત્ર્યસેનાની હતા, એટલે દેશભક્તિ એના લોહીમાં છે. – એવું દર્શાવાયું છે. તો પાકિસ્તાનને અને ત્યાંના લોકોને બીજી ફિલ્મોમાં બતાવવામાં આવે છે એવા ‘ક્રૂર’નથી દર્શાવ્યા બલ્કે બેલેન્સ્ડ દર્શાવાયા છે.

‘એ વતન, મેરે વતન આબાદ રહે તું’ ગીત પાકિસ્તાનના ભૂલકાંઓ પાકિસ્તાનને મનમાં રાખીને ગાય છે, તો બેકસ્ટેજમાં આલિયા પણ એ જ ગીત ભારતને યાદ કરીને ગાય છે. આ ગીતમાં આલિયા એ પહેરેલા ‘Ear-rings’ ત્રિરંગા કલરના છે! જે તેના મનમાં રહેલા ભારત પ્રત્યેના વતનપ્રેમનું રૂપક છે. ફિલ્મમાં શરૂઆતના એક સીનમાં બાઇકના રસ્તામાં આવી જતી ખિસકોલીને આલિયા બચાવી લે છે, ત્યાં જ એક કાર આવે છે, જેની સાથે તે અથડાવાની હોય છે, ત્યાં જ તેની એક ફ્રેન્ડ તેને બચાવી લે છે. આખો સીન પ્રતિકાત્મક છે. જેના પ્રત્યે પ્રેમ છે, તેને જાનના જોખમેય બચાવે! હેટ્સ ઓફ ટુ ધ ડિરેક્ટર.

શંકર, એહસાન, લોયની ત્રિપુટીએ ફરી કમાલ કરી છે. ફિલ્મનું સંગીત ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યું છે, તો ગુલઝાર સાહેબના શબ્દો એવા જ ચોટદાર છે. જેમ ‘જબ વી મેટ’માં ફિલ્મની ‘ગીત’ માટે કરિના કપૂર પરફેક્ટ છે, તેવી જ રીતે આલિયા સિવાય આ રોલ માટે અન્ય કોઈ અભિનેત્રીને કલ્પી શકાય પણ નહીં.

જોવાય કે નહીં?
ફિલ્મ વિશે એટલું તો કહી શકાય કે, એ જોનારને કોઈ જ સંજોગોમાં નિરાશ તો નહીં જ કરે. દેશભક્તિની ફિલ્મોમાં નોખી તરી આવતી આ ફિલ્મ આલિયા ભટ્ટને વધુ વિકસતા જોવાનો લ્હાવો બની રહે એવી છે. મ્યુઝિક, ડિરેક્શન અને એક્ટિંગનો પરફેક્ટ કોમ્બો.

વિખ્યાત શાયર રાહત ઇન્દોરીના એક શેરમાં આવે છે, ‘રાઝ જો કુછ ભી હો, ઈશારોમેં બતા ભી દેના’ એમ ઈશારામાં જે રીતે આલિયા ગુપ્ત માહિતી ભારત સુધી પહોંચાડે છે, એ પછી કહેવાની જરૂર ખરી કે એ યુદ્ધમાં ભારત જીત્યું હતું કે નહીં? ફિલ્મ આવા છુપા વીરોને અર્પણ કરવામાં આવી છે.

રેટિંગ : 8.5/10

આલેખન : મનન બુધ્ધદેવ
9879873873

- text