રફાળેશ્વરમાં સપ્તાહથી પાણી વિતરણ ઠપ્પ : મહિલાઓએ બેડા સરઘસ કાઢી કરી રજુઆત

- text


સરપંચ – તલાટી બેદરકાર રહેતા પગલાં ભરવા માંગણી : આત્મવિલોપનની ચીમકી

મોરબી : મોરબીના રફાળેશ્વરમાં છેલ્લા એક સપ્તાહથી પાણી વિતરણ ઠપ્પ થઈ જતા ગ્રામજનો દ્વારા બેડા સરઘસ કાઢી ડીડીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સાથો – સાથ ગામના એક અગ્રણીએ બેદરકાર સરપંચ અને તલાટી વિરુદ્ધ તાત્કાલિક પગલાં ભરવા માંગ કરી આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા સનસનાટી મચી ગઇ હતી.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી નજીક આવેલ રફાળેશ્વરમાં છેલ્લા એક સપ્તાહથી પંચાયત દ્વારા પાણી વિતરણ બંધ કરી દેવાતા કાળઝાળ ઉનાળામાં મહિલાઓની હાલત કફોડી બની છે જેને પગલે આજે રોષે ભરાયેલ મહિલાઓએ ગામના અગ્રણી ખોડાભાઈ જગાભાઈ પાચિયાની આગેવાનીમાં બેડા સરઘસ કાઢી જિલ્લા પંચાયત કચેરી ગજાવી હતી.

- text

વધુમાં આ રજુઆતમાં ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી વિરુદ્ધ આક્ષેપો કરી રજુઆત કરનાર ખોડાભાઈ પાચિયાએ બન્ને વિરુદ્ધ પગલાં ભરવા માંગ ઉઠાવી જો પગલાં ભરવામાં નહિ આવેતો પરિવાર સાથે આત્મવિલોપન કરવા ડીડીઓને લેખિત ચીમકી આપતા ખળભળાટ મચી ગયો છે.

જો કે મહિલાઓ અને ગ્રામજનોની રજુઆત બાદ જિલ્લા વિકાસ અધિકારીએ પાણી પ્રશ્નનો તાત્કાલિક ઉકેલ લાવવા ખાતરી આપતા રજુઆત કર્તાઓ શાંત પડ્યા હતા.

- text