હળવદના સામતસર તળાવની ફરતે ૩.૫૦ કરોડના ખર્ચે રિવરફ્રન્ટ બનાવાશે

- text


શહેરના ઐતિહાસિક તળાવની ફરતે રીવરફ્રન્ટ બનાવી આગામી એક વર્ષમાં કામ પૂર્ણ કરાશે : નગરપાલીકા પ્રમુખ

હળવદ : હળવદ શહેરમાં નગરપાલિકા દ્વારા વિકાસના કામો શરૂ થયા છે જેમાં ખાસ કરીને હળવદમાં વર્ષો પુરાણા રાજાશાહી વખતના ૮૦૦ એકરમાં પથરાયેલા ઐતિહાસિક સામતસર તળાવને ફરતે નગરપાલિકા દ્વારા ૩.૫૦ કરોડના ખર્ચે આગામી એક વર્ષમાં રિવરફ્રન્ટ બનાવી શહેરની શોભા વધારાશે. હળવદની આન, બાન અને શાન ગણાતું સામંતસર તળાવને સુંદર અને રમણીય સ્થળ બનાવવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે.

હળવદ શહેરમાં નગરપાલિકા દ્વારા આવેલા ઐતિહાસિક સામંતસર તળાવમાં રીવરફ્રન્ટ બનાવી બોટીંગ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ રીવરફ્રન્ટ આગામી એક વર્ષમાં પૂર્ણ કરી દેવામાં આવશે. જેનો ખર્ચ ૩.૫૦ કરોડ રૂપિયા જેટલો થશે. જેથી હવે શહેરના બ્યૂટીફેકશન અને ફરવા લાયક એક હિલસ્ટેશનનું નિર્માણ થઈ રહ્યું છે. જોકે અગાઉ સામતસર તળાવ પાસે આવેલ પાલીકા દ્વારા બગીચામાં એલ.ઇ.ડી. લાઇટો ઉપલબ્ધ કરાવામાં આવી હતી.

- text

અત્રે ઉલ્લેખનીય છેકે હળવદ નગરપાલિકાની ચુંટણી દરમિયાન શહેર ભાજપ દ્વારા ચુંટણી ઢંઢેરામા સામંતશર તળાવમાં રિવરફ્રન્ટ બનાવી બોટીંગ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે તેવું જણાવ્યું હતું. શહેર પ્રમુખ અજયભાઈ રાવલ અને પૂર્વ પાલીકા પ્રમુખ રણછોડભાઈ દલવાડીના પ્રયત્ન થકી શહેરની શોભામાં અભિવૃદ્ધિ સાથે હળવદની કાયાપલટથી શહેરીજનોમાં હરખની હેલી પ્રસરી છે.

આ અંગે નગરપાલિકા પ્રમુખ હિનાબેન રાવલે જણાવ્યું હતું કે, હળવદ શહેરના સર્વાંગી વિકાસની અમારી નેમ છે અને ગત પાલીકાની ચુટણીમાં હળવદ શહેરના સામતસર તળાવને શુશોભિત કરી રિવરફ્રન્ટ બનાવવામાં આવશે તેની જાહેરાત કરવામાં આવી હતી. જેને પ્રથમ પ્રાથમિકતા આપી શહેરીજનો માટે ફરવા લાયક રમણીય સ્થળ ઉપલબ્ધ બને તેના માટે ૩.૫૦ કરોડના ખર્ચે ઐતિહાસિક સામતસર તળાવને બ્યુટીફિકેશન સ્થળ તરીકે વિકસાવાશે.

- text