હળવદમાં સગીરા પર થયેલા દુષ્કર્મ મામલે ત્રણ ધારાસભ્યોએ આપ્યું આવેદનપત્ર

- text


પિડીતાને ન્યાય નહીં મળે તો ઠાકોર સમાજની ગાંધી ચિંધિયા માર્ગે જવાની ચિમકી : દોષિતોને ઝડપી પાડી કડક કાર્યવાહી કરવા માંગ

હળવદ : હળવદમાં ગત શુક્રવારે સગીરા પર થયેલા દુષ્કર્મ મામલે આ ઘટનામાં સંડોવાયેલો શખ્સોને ઝડપી પાડી કડક કાર્યવાહી કરવાની માંગ સાથે હળવદ – ધ્રાંગધ્રા, બેચરાજી અને બાયડના ત્રણ ધારાસભ્યોએ હળવદના ઠાકોર સમાજ સાથે મામલતદાર તેમજ પીઆઇને આવેદનપત્ર પાઠવ્યું હતું અન્યથા આગામી ૧૦ દિવસમાં દોષિતો સામે કાર્યવાહી નહીં કરવામાં આવે તો આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી. તે દરમિયાન ઠાકોર સમાજના આગેવાનો તેમજ યુવાનો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા અને આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી.

હળવદમાં ત્રણ નરાધમો દ્વારા એક સગીરાને છરીના અણીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હરિદર્શન હોટલ પાછળ આવેલી કેનાલની ઝાંડીઓમા રાત્રીના સમયે સગીરાને લઈ જઈને તેની મરજી વિરુદ્ધ ત્રણેય શખ્શોએ દુષ્કર્મ આચર્યું હતુ. આ ઘટના ગત શુક્રવારે બની હતી ત્યારે ફરીયાદ બુધવારે નોંધાઈ હતી. સામૂહિક દુષ્કર્મ આચરવાની આ ચકચારી ઘટનાનો પર્દાફાશ થતાંની સાથે સમગ્ર પંથકમાં અને ઠાકોર સમાજમાં ભારે સનસનાટી વ્યાપી જવા પામી હતી.

- text

આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી આજે ત્રણ ધારાસભ્યો પરસોત્તમભાઈ સાબરીયા (હળવદ ધાગંધ્રા), ધવલસિંહ ઝાલા (બાયડ -અરવલ્લી) તથા ભરતજી ઠાકોર (બહુચરાજી) હળવદ ખાતે દોડી આવ્યા હતા અને હળવદ તાલુકા સમસ્ત ક્ષત્રિય ઠાકોર સેના અને સમાજના આગેવાનો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે આ દુષ્કર્મ આચરવાવાળા નરાધમોને દસ દિવસોમાં ઝડપી લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. ત્યારબાદ ત્રણેય ધારાસભ્યો અને ઠાકોર સમાજના આગેવાનો દ્વારા હળવદ પોલીસ મથકે પીઆઈને દુષ્કર્મના આરોપીઓને ઝડપી લઈ કોઇની પણ શેહ શરમ રાખ્યા વિના કડક કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરાઇ હતી.

આ ઘટનામાં વધુ દોષિતો હોવાનું કરાયો આક્ષેપ

આજે મામલતદાર કચેરી તેમજ પોલીસ તંત્રને ઠાકોર સમાજ દ્વારા અપાયેલ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ સગીરા સાથે ત્રણ શખ્સો દ્વારા આચરેલ દુષ્કર્મ બાબતે સગીરાનું નિવેદન લઇ એફ.આઇ.આરમાં નોંધાયેલા સિવાયના અન્ય શખ્સનું નામ ન હોવાનો આક્ષેપ કર્યો હતો. અને આ ગુનામાં દોષિતોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

- text