હળવદના મયુરનગર અને રાયસંગપુર વચ્ચે આવેલ પુલ ૧૩ મહિનાથી તુટેલી હાલતમાં

- text


ચાર ગામના ખેડૂતોએ ઉચ્ચારી ચિમકી : ત્રણ દિવસ સુધી અહિંસક આંદોલન અંતે આત્મવિલોપન : ૧૫૦ વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમાં અને તંત્ર ઘોર નિદ્રામાં : ચાર ગામના ૯ હજાર લોકો ભગવાન ભરોસે

હળવદ તાલુકાના મયુરનગર અને રાયસંગપુર વચ્ચેનો પુલ ગત ચોમાસામાં ધોવાઈ જતાં હજુ “જૈસે થે”ની તુટેલી હાલતમાં હોવાથી ચાડધ્રા, ધુળકોટ સહિત જુના – નવા રાયસંગપુરના ચાર ગામના લોકો હળવદ મામલતદાર, ટીડીઓ તેમજ જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી હોવા છતાં કોઈ નિરાકરણ ન આવતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. તદ્ઉપરાંત આ બાબતે તંત્ર દ્વારા આગામી દિવસોમાં કોઈ ધ્યાન નહીં લેવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ચિમકી ગ્રામજનોએ ઉચ્ચારી છે.

મયુરનગર અને રાયસંગપુરને જોડતો પુલ ગત ચોમાસામાં ધોવાઈ જતાં ચાર ગામો સંપર્ક વિહોણા થયા હતાં. મયુરનગરમાં અભ્યાસ કરતાં રાયસંગપુર સહિત ચાર ગામના ૮૫ વિદ્યાર્થીઓનો ભાવિ અંધકારમાં મુકાયો છે તો મયુરનગરથી હળવદ અપડાઉન કરતા ૪૦ વિદ્યાર્થીઓનું શું? આમ મયુરનગરના તૂટેલા પુલથી કૂલ ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓનો સમય વેડફાય છે. એટલું જ નહીં ગામના જગતનો તાત પોતાની જણસી માર્કેટ યાર્ડમાં મોકલવા માટે નદીમાંથી પસાર થઈને જવું પડતું હોવાથી ખેડૂતવર્ગ પણ ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

- text

અત્રે ઉલ્લેખનીય છેકે, મયુરનગરમાં સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં વાર્ષિક ર૫ કરોડનું વહીવટી થતું હતું પણ પુલ તુટી જતાં ખેડૂત તેમજ અન્ય ખાતેદારોને આવ-જાવ કરવામાં પડતી મુશ્કેલીના કારણે બેંકનું વહીવટી ઠપ્પ થઈ ગયું છે. તો બીજી તરફ મયુરનગરના લોકોનું સ્મશાનઘાટ સામાકાંઠે હોવાથી અંતિમવિધિ કરવા માટે પણ નદીમાંથી પસાર થઇ હાલાકી ભોગવવી પડતી હોય છે. આ તમામ સમસ્યાઓ માટે મામલતદાર કચેરીએ અગાઉ ગ્રામજનો સહિત વિદ્યાર્થીઓએ મામલતદારને લેખિત રજૂઆત કરી આવેદનપત્ર પાઠવ્યો હોવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. તો હાલ વર્તમાન ધારાસભ્ય પરસોતમ સાબરીયાને આ બાબતે ગ્રામજનોએ રજૂઆત કરી હતી પરંતુ તે પણ નિષ્ફળ નિવડી હતી. ચાર ગામના અંદાજે ૯ હજાર લોકો ૧૩ મહિનાથી ભગવાન ભરોસે જીવી રહ્યા છે. ગામલોકોને હવે સંપૂર્ણપણે રાજય સરકાર પરથી ભરોસો ઉઠી ગયો હોય તેમ ગામના હિતેશભાઇ મકવાણાએ જણાવ્યું હતું. અને હવે તો માત્ર ભગવાન જ આ સમસ્યાનું નિરાકરણ લાવશે તેવું ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યું છે

હાલ ઉનાળામાં ગ્રામજનોને પુલ પરનો રસ્તો માત્ર અડધા કિ.મી.નો છે જે નદીના વહેણમાંથી ૨ કિમીનો અંતર કાપવા મુશ્કેલી વેઠવી પડે છે. મયુરનગર, રાયસંગપુર સહિત ચાર ગામના સરપંચ સહિત ગ્રામજનોએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં તંત્ર દ્વારા પુલનું મરમત કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.

- text