હળવદ : બીયરના જથ્થા સાથે કાર ઝડપાઇ : ત્રણ શખ્સો ફરાર

કારમાંથી બિયર નંગ ર૬૨ છુપાયેલો મળી આવતા પોલીસે ૩,૨૬,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો

હળવદ – માળિયા હાઇવે પર આવેલ રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે ગત મોડી રાત્રે બાતમીના આઘારે હળવદ પોલીસ પેટ્રોલીંગ દરમિયાન શંકાસ્પદ કારના ચાલકની પુછપરછ કર્યા બાદ તલાશી લેતા કારમાંથી બિયર નંગ ર૬૨ છુપાયેલો મળી આવતા પોલીસે ૩,૨૬૦૦૦નો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે આ બનાવમાં ત્રણ શખ્સો નાશી ગયા હતાં.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ હળવદ- માળીયા હાઈવે પર ગત મોડી રાત્રે ૧ વાગ્યાના અરસામાં ખાનગી બાતમીના આધારે હળવદ પોલીસ મથકના પી.એસ.આઈ ચન્દ્રકાન્ત શુક્લ, મહેશભાઈ બાલાસરા સહિતની ટીમે પેટ્રોલીંગ દરમિયાન કાર નંબર એમ.એચ. ૧૮-ડબલ્યુ- ૩૪૩ શંકાસ્પદ જણાતા તેને રોકી પુછપરછ દરમિયાન બિયર નંગ ર૬૨ તેમજ કાર સહિત રૂ.૩,૨૬૦૦૦નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો જ્યારે આ કારમાં સવાર ત્રણ શખ્સો સુરેશ ગભુજી કોળી (રહે. ભવાનીનગર), મફો ભરવાડ (રહે, ચુલી) તેમજ ભરત ભાલુ ભરવાડ (રહે, સોલડી) નાશી છુટવામાં સફળ થયા હતા.

હળવદ પોલીસને મળેલી બાતમીના આધારે ત્રણ શખ્સો ગેરકાયદેસર બિયરના ટીન મંગાવેલ હોવાનું માલુમ પડતા પોલીસે હળવદ-માળિયા હાઇવે પર વોચ ગોઠવી શંકાસ્પદ જણાતી કારની તલાશી લેતા ત્રણ શખ્સો કાર છોડી રફુચક્કર થઈ ગયા હતા અને પોલીસે કારમાં રહેલ મુદામાલ જપ્ત કરી આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ હે.કો. હરેશભાઇ ચાવડા ચલાવી રહ્યા છે.