મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં અધિકારીઓને ઉધડા લેતા સદસ્યો

- text


કોંગ્રેસના સદસ્યોએ પ્રશ્નોનો તોપમારો ચલાવ્યો: અધિકારીઓ માત્ર ભાજપના ઇશારે જ કામ કરતા હોવાનો આક્ષેપ

મોરબી : કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતમાં આજની સામાન્ય સભામાં સદસ્યોએ પ્રશ્નોનો મારો બોલાવીને અધિકારીઓ પર તડાપીર બોલાવી હતી.ખાસ કરીને સદસ્યોએ તેમના પ્રશ્નો સામે અધિકારીઓ ધ્યાન ન દેતા હોવાનો અને અધિકારીઓ ભાજપના ઇશારે મનમાની ચલાવતા હોવાનો આરોપ મૂક્યો હતો

મોરબી જીલ્લા પંચાયતમાં આજે સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં અગાઉની કારોબારીમાં રજૂ થયેલા જિલ્લા પંચાયતના બજેટને બહાલી આપવામાં આવી હતી.બાદમાં સદસ્યોએ બાજી હાથમાં લઈને પ્રશ્નોનો તોપમારો ચલાવ્યો હતો જેમાં અમુભાઈ હુંબલ, મુકેશભાઈ ગામી, નિર્મલાબેન મઠીયા, પિંકુબેન ચૌહાણે ૩૯ પ્રશ્નો રજૂ કર્યા હતા. જેમા મહેકમ ઓછું, બિલોની ચુકવણી તથા મોટાભાગના સદસ્યોના કામો અધિકારીઓ કરતાં ન હોવાનો બળાપો ઠલવાયો હતો.

રસ્તા તેમજ સિંચાઈની પૂરતી વિગતો ન હોવાથી સિંચાઇ અધિકારીને ઉધડો લેવાયો હતો. સદસ્યોએ પ્રશ્નોમાં જણાવ્યું હતું કે છેલ્લા અઢી વર્ષમાં એક પણ તળાવ બન્યું નથી.ટંકારામાં સદસ્ય એ ૮ તળાવ ની દરખાસ્ત કરી હતી.જેમાં જવાબમા અધિકારીએ આવી કોઇ દરખાસ્ત આવી ન હોવાનું જણાવ્યું હતું. તેમજ મગફળી નો ચાર વર્ષથી પાક વિમો મળ્યો નથી અને જિલ્લામાં અમુક આંગણવાડી કેન્દ્રો ખુલતા નથી.સાથે આંગડવાડીમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો પણ આરોપ મુકાયો હતો.

- text

સામાન્ય સભામાં સદસ્યોએ અધિકારીઓને આડેહાથ લઈ ને પ્રહાર કર્યા હતો કે તેમના કોઈ કામો અધિકારીઓ કરતા નથી અને અધિકારીઓ ભાજપના ઇશારે જ કામ કરે છે તેથી પોતાના કામ ન થાય તો જિલ્લા પંચાયતનો તાળાબંધીની ચીમકી આપી હતી તેમજ કોંગ્રેસના ૨૨ સદસ્યો મળીને પાંચ સદસ્યો ની સંકલન સમિતિ બનાવી જે પ્રશ્નો હશે તે પ્રમુખને મોકલાવીને નિરાકરણ લાવવાની જવાબદારી તેમને સોંપી છે. જોકે આજની બેઠકમાં આશ્ચર્યની વાત એ હતી કે ભાજપના સદસ્ય પ્રથમ વખત આજે પ્રગટ થયા હતા

સદસ્યો પ્રશ્નોત્તરીમાં જણાવ્યું હતું કે બગથળામાં ડોક્ટર જ નથી કમ્પાઉન્ડના ભરોશે બગથળાનું આરોગ્ય કેન્દ્ર ચાલે છે. કમ્પાઉન્ડ દવા આપે અને લોકોના આરોગ્ય સાથે ચેડા થઇ તો જવાબદારી કોની? ત્યારે આરોગ્ય અધિકારીએ આ પ્રશ્નોનો યોગ્ય ઉત્તર આપવાને બદલે જણાવ્યું કે પોતે પણ ચાર્જમાં છે.અને આરોગ્ય વિભાગમાં હજુ. ઘણી જગ્યાઓ ખાલી હોવાના રોદણા રોયાં હતા.

- text