ટંકારાના ૧૦૫ વર્ષના વૃધ્ધનું નિધન : પરિવારે વાજતે ગાજતે અંતિમયાત્રા કાઢી

- text


છેક સુધી તંદુરસ્તી ભર્યું જીવન જીવી ગયેલા નાગજીભાઈ પરમારના નિધન બાદ રોવધોવાને બદલે સંતાનોએ રાજીખુશીથી અંતિમક્રિયા કરી

ટંકારા : ટંકારાના ૧૦૫ વર્ષની વયના વૃદ્ધએ સ્વર્ગે સિધાવતા પરિવાર દ્વારા વાજતે ગાજતે વૃદ્ધની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. છેક સુધી તંદુરસ્તી ભર્યું જીવન જીવી ગયેલા વૃદ્ધના અવસાનને પરિવારે પ્રસંગની જેમ ઉજવ્યો હતો.

ટંકારામાં રહેતા ૧૦૫ વર્ષની વય ધરાવતા નાગજીભાઈ કાળાભાઈ પરમાર ગઇકાલે અવસાન થયું હતું. તેઓના શરીરની તંદુરસ્તી અને આળસ રહિત જીવન અન્ય માટે પ્રેરણા રૂપ હતું.તેઓ ૧૦૫ વર્ષની વયે પણ દરરોજ તેમની મોચિકામની દુકાને જઇને બૂટ બનાવવાની કામ કરતા હતાં.તેઓ દરરોજ ત્રણ જોડી બૂટ બનાવતા હતા. તેઓએ બનાવેલા બૂટની ભારે માંગ રહેતી હતી. ગ્રાહકો એડવાન્સ બુકિંગ કરાવીને ત્રણ મહિના બાદ નાગજીભાઇ પાસેથી બૂટ મેળવતા. નાગજીભાઈએ જીવનના છેલ્લાં દિવસ સુધી તેઓનો નિત્યક્રમ જાળવી રાખ્યો હતો.

- text

નાગજીભાઇ ને પાંચ પુત્રો અને ત્રણ દીકરીઓ છે. તેઓના એક પુત્ર સ્વ. રમણીકભાઇ પરમાર હાલ હયાત નથી રહ્યા. બાકીના પુત્રો હસમુખભાઈ, નંદલાલભાઈ, અશોકભાઈ અને અરૂણભાઇ માટે તેમના પિતાનું જીવન પ્રેરણારૂપ હતું.તેમના સંતાનો પિતાએ ઘડેલા સંસ્કારોનું અનુકરણ કરીને સુખમય જીવન વિતાવી રહ્યા છે.

નાગજીભાઇ નું જીવન કર્મમય રહ્યું હતું.તેઓએ છેલ્લા શ્વાસ સુધી ભગવાનનું સ્મરણ ચાલુ રાખ્યું હતું.તેઓ પોતાના જીવનમાં શ્રીમદ્ ભાગવત ગીતાનું અનુકરણ કરતા હતા. તેઓએ છેક સુધી ધર્મમય જીવન જીવ્યું હતું અને પરિવારને એક તાંતણે બાંધી રાખ્યો હતો.

પિતા એ કોઈ પણ પ્રકારનો શારીરિક દુઃખ વેઠ્યા વગર પ્રાણ છોડ્યા હોવાથી પરમાર પરિવારે તેઓની અંતિમવિધિમાં રોવાને બદલે કંઇક અનોખું કર્યું હતું.આજે સવારે નાગજીભાઇ ની વાજતે વાજતે અંતિમયાત્રા કાઢવામાં આવી હતી.જેમાં જ્ઞાતિજનો સાથે નગરજનો બહોળી સંખ્યામાં જોડાયા હતા.

- text