મોરબીમાં ખાટકીવાસના ન્યુસન્સ સામે લાલ આંખ કરતા ચીફ ઓફિસર

જાહેરમાં મરઘાં, પશુઓને લટકાવવા પર મનાઈ ફરમાવી : પશુપ્રત્યે ઘાતકી પણું બંધ કરવા નોટિસ

મોરબી : મોરબી નગર પાલિકા દ્વારા શક્તિચોક વિસ્તારમાં ધમધમતા ગેરકાયદેસર કતલખાના બંધ કરવા અલ્ટીમેટમ આપી ચીફ ઓફિસર દ્વારા કલમ ૧૩૩ હેઠળ કાર્યવાહી કરવા ચીમકી આપવામાં આવતા સનસનાટી મચી જવા પામી છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેરમાં ગેરકાયદે ધમધમતા કતલખાનાઓ પરત્વે પગલાં ભરવા તૈયારી કરી ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા દ્વારા શક્તિચોકમાં આવેલા તમામ ધંધાર્થીઓને નોટિસ ફટકારી છે અને જાહેરમાં મરઘાં તથા પશુઓને લટકાવતા શખ્સોને કતલખાના ચલાવવાના લાયસન્સ છે કે કેમ તે સવાલ ઉઠાવી ચાર દિવસમાં ધંધાર્થીઓને લાયસન્સ રજૂ કરવા તાકીદ કરી છે.

વધુમાં જાહેરમાં કતલ કરી પશુ પ્રત્યે ઘટકીપણું આચરવાથી લોકોની જીવદયાની ભાવનાને ઠેસ પહોચતી હોવાનું જણાવી નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા આવા કૃત્યો ચલાવી નહિ લેવાય તેવું સ્પષ્ટ જણાવી જાહેરમાં હાડકા તેમજ ગટરમાં લોહીનો નિકાલ બંધ કરવા જણાવી ગેરકાયદે ધમધમતા કતલખાનાઓ પરત્વે લાલ આંખ કરવામાં આવતા લોકોમાં રાહતની લાગણી ફેલાઇ છે.