કુમકુમ તિલકના શુકનથી મોરબી જિલ્લામાં બોર્ડની પરીક્ષાનો શુભારંભ

- text


જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ અને ઇન્ડિયન લાયોનેસ ક્લ્બ દ્વારા કુમકુમ તિલક કરી પરીક્ષાર્થીઓને આવકારાયા : વિધાર્થીઓને પરીક્ષા દરમિયાન કોઈ પણ પ્રકારની અગવડતા ઊભી ન થાય તે પ્રમાણે વ્યવસ્થા ગોઠવાઈ : છાત્રો માટે ખાસ કન્ટ્રોલ રૂમ શરૂ કરાયો

મોરબી : મોરબી જિલ્લામાં આજથી ધો.૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે ત્યારે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ અને ઇન્ડિયન લાયોનેસ ક્લ્બ દ્વારા કુમકુમ તિલક કરી શુકનવંતા આવકારથી વિદ્યાર્થીઓને આવકાર આપી બોર્ડની પરીક્ષાનો શુભારંભ કરાયો હતો, વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે મુજબ જિલ્લા વહીવટી તંત્ર અને શિક્ષણ તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. નિરીક્ષકોની નિમણુક,સ્થાનિક સ્કવોડ ,પરીક્ષા બ્લોક અંગેની તૈયારીઓ સાથે સાથે વિદ્યાર્થીઓના પ્રશ્નોના નિરાકરણ માટે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે.

આજથી રાજ્યમાં ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા શરૂ થઈ છે ત્યારે મોરબીમાં જિલ્લા વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગ દ્વારા બોર્ડની પરીક્ષા અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લઈ ધો ૧૦ ના કુલ ૧૦ કેન્દ્રો ૫૫ બિલ્ડિંગ અને ૫૫૭ બ્લોકમાં ૬૭૦ સુપરવાઈઝરો પરીક્ષાનું સુપરવિઝન વચ્ચે ધો૧૦ ના કુલ ૧૫૬૭૦ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.

જ્યારે ધો.૧૨ સામાન્ય પ્રવાહ માટે ૪ પરીક્ષા કેન્દ્રો,૨૧ બિલ્ડિંગ,૨૩૪ બ્લોકમાં ૨૬૦ સુપરવાઈઝરો પરીક્ષાનું સુપરવિઝન કરશે. કુલ ૭૫૧૧ પરીક્ષાર્થીઓ ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા આપશે.ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ માટે ૩ પરીક્ષા કેન્દ્રો,૧૧ બિલ્ડિંગ,૧૪૨ બ્લોકમાં ૧૬૦ સુપરવાઈઝરો પરીક્ષાનું સુપરવિઝન કરશે. કુલ ૨૬૮૦ પરીક્ષાર્થીઓ ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપશે.

- text

બોર્ડની પરીક્ષામાં નિરીક્ષણ માટે જિલ્લા કલેકટર દ્વારા ૧૫ જેટલા ક્લાસ ૧ અને ક્લાસ ૨ ઓફિસરની નિમણુક કરવામાં આવી છે. વધુમાં ગેરરીતિને ડામવા તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા મારફતે ચાંપતી નજર રાખવામાં આવી રહી છે, મોરબી જિલ્લાના પીપળીયા અને વવાણીયા ગામના પરીક્ષા કેન્દ્રને સંવેદનશીલ જાહેર કરાયાં છે. વિદ્યાર્થીઓને મુંઝવતા પ્રશ્નોના નિરાકરણ માટે વહીવટી તંત્ર દ્વારા ખાસ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. જેના નંબર ૦૨૮૨૨- ૨૨૨૯૭૫ અને ૨૨૨૮૭૫ છે.

મોરબી જિલ્લામાં કુલ ૮૩ દિવ્યાંગો પણ સોમવારથી ઉત્સાહભેર પરીક્ષા આપી રહ્યા છે જેમાં ધો.૧૦ માં ૫૨ દિવ્યાંગો અને ધો.૧૨ માં ૩૧ દીવ્યાંગો પરીક્ષા આપી રહ્યા છે. દિવ્યાંગો સરળતાથી પેપર આપી શકે તે માટે પરીક્ષા કેન્દ્રોમાં ખાસ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

આજે SSCના પ્રથમ પેપર ગુજરાતીની પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓને મોરબી ની વીસી હાઈસ્કૂલ ખાતે મોરબી જિલ્લા કલેક્ટર આઈ.કે.પટેલ, જિલ્લા પોલીસ વાળા જયપાલસિંહ રાઠોડ, જિલ્લા વિકાસ અધિકારી સહિતના મહાનુભાવોએ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક અને મો મીઠું કરાવીને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરાવી સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. જયારે મોરબી નિર્મિલ વિધાલય ખાતે ઇન્ડિયન લાયોનેસ ક્લ્બના હોદેદારો શોભનાબા ઝાલા, પ્રીતિબેન દેસાઈ, કેસરબા જાડેજા, પ્રફુલ્લાબેન કોટેચા અને હર્ષદભાઈ ગામી દ્વારા પરીક્ષાર્થીઓને કુમકુમ તિલક અને મો મીઠું કરાવ્યું હતું.

- text