મોરબીના ઘૂંટું ગામે વચ્ચે થી નીકળતો હળવદ હાઈવે રૂ.૧.૪૫ કરોડના ખર્ચે બનશે ફોર ટ્રેક

સાંસદ મોહનભાઈ કુંડારિયાની રજૂઆતને પગલે રાજ્ય સરકારે ફોર ટ્રેકના કામને આપી મંજૂરી

મોરબી : મોરબીના ઘૂટું ગામ વચ્ચે થી નીકળતા મોરબી – હળવદ હાઈવેને ફોર લાઈન બનાવવા માટે રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે. રૂ.૧.૪૫ કરોડના ખર્ચે તૈયાર થનાર આ ફોર લાઈન રોડ થી મોરબી હળવદ હાઈ વે પર ટ્રાફિક હળવું થશે .

ઘુટું ગામ પાસેથી પસાર થતા મોરબી હળવદ હાઈવે ને ફોરલાઈન બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા આશરે રૂ.૧.૪૫ કરોડ રકમ મંજુર કરી જોબ નંબર ફાળવી દેવામાં આવ્યા છે. ઘુટું ગામ પાસે ગ્રામજનોનીં અવરજવર સાથે ટ્રાફિકનીં સમસ્યા રોજબરોજ થતી હોવાથી આ રોડને ફોરલાઈન બનાવવાની ખાસ જરૂર છે. એવી રજુઆત સાંસદ મોહનભાઈ કુંડારિયાએ રાજ્ય સરકાર સમક્ષ કરી હતી .જેના અનુસંધાને માર્ગ મકાન મંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે આ ફોરલાઈન રોડ પર મંજૂરીની મહોર મારી દીધી છે.

ફોરલાઈન રોડ મજુર થવાથી ઘુટું ગામે ટ્રાફિક સમસ્યા દૂર થશે તેમજ અકસ્માતના બનાવો ઘટશે. ફોર લાઈન રોડ મંજૂર થતાં ગ્રામજનો તેમજ મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઈ વાંસદળીયા આનંદની લાગણી સાથે સાંસદ મોહનભાઈ કુંડારિયા અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનો આભાર વ્યકત કર્યો છે.