મોરબી નજીક કારમાંથી દારૂ બિયરના જથ્થા સાથે ૩ ઝડપાયા

એસઓજીએ રૂ.૮.૫૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી

મોરબી : મોરબી નજીક કારમાંથી દારૂ અને બિયરનો જથ્થો સાથે રાખી જઇ રહેલા ૩ શખ્સોને એસઓજીની ટીમે ઝડપી પાડયા છે.રૂ.૨ હજારની કિંમતના દારૂ અને બિયરના જથ્થા સહિત કુલ રૂ.૮.૫૨ લાખનો મુદ્દામાલ કબજે કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એસઓજીના પીઆઇ એસ.એન.સાટીની આગેવાનીમાં ટીમ શનક શનાળા ગામ નજીક પેટ્રોલિંગમાં હતી. જે દરમિયાન સફેદ કલરની અરટીકા કાર નં જીજે ૩૨ બી ૮૭૦૯ માં ત્રણ શખ્સો સાથે એક સ્ત્રી ઈંગ્લીશ દારૂનો જથ્થો રાજકોટથી મોરબી લાવતા હોવાની બાતમીને આધારે કારને આંતરીને  તલાશી લેતા કારમાં રાખેલો વ્હીસ્કી બોટલ નંગ ૬ કિંમત રૂ. ૧૮૦૦ અને હાયવર્ડ્સ બીયર ટીમ ૨ કિંમત રૂ. ૨૦૦ મળી કુલ રૂ.૨૦૦૦ નો દારૂ બિયરનો જથ્થો મળી આવ્યો હતો.

એસઓજી ટીમે દારૂ-બીયર તેમજ મોબાઈલ નંગ ૮ કીમત ૫૦,૦૦૦ અને કાર ૮ લાખ મળીને કુલ ૮,૫૨,૦૦૦ નો મુદામાલ જપ્ત કરી કારમાં સવાર અરવિંદ કાંતિ સોલંકી, રહે. રાજકોટ, સુમિત યશવંત ત્રિવેદી રહે. જુનાગઢ અને અકીલ એહમદ શેખ રહે. રાજકોટ એ ત્રણને ઝડપી લીધા છે જયારે અન્ય એક સ્ત્રી આરોપીની અટકાયત બાકી છે પોલીસે આ અંગે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.