મોરબી : ફેસબુક આઈડી હેક કરી લોકોને ખંખેરતો ભેજાબાજ ચિટર ઝડપાયો

- text


એલસીબીએ મોરબીના યુવાનની ફરિયાદના આધારે સાયબર ક્રાઇમનો વધુ એક ગુન્હો ઉકેલવામાં મોટી સફળતા મેળવી

મોરબી : મોરબીના યુવાનનું ફેસબુક આઈડી હેક કરી સગા વહાલાઓ તેમજ મિત્ર વર્તુળો પાસેથી ૫૦ હજાર જેટલી માતબર રકમ સાયબર ક્રાઈમ થકી છેતરપિંડીથી મેળવી લેનાર જામનરગના ભેજાબાજ ગઠિયાને ઝડપી લેવામાં મોરબી એલસીબીને સફળતા મળી છે.

ફેસબુક એકાઉન્ટ હેક કરી નવતર રીતે સાયબર ક્રાઈમ આચરવાના ગુન્હા અંગે પત્રકાર પરિષદમાં વિગતો જાહેર કરતા ઇન્ચાર્જ એલસીબી પીઆઇ આર.ટી.વ્યાસે જણાવ્યું હતું કે સોશ્યલ મીડિયાનો દુરુપયોગ કરી અરજદાર દિપક સવજીભાઈ ધમાસણા રહે.ચિત્રકુટ સોસાયટી મોરબી વાળાનું ફેસબુક આઇડી. હેક કરી ફેસબુક મેસેન્જર મારફતે તેમના મિત્ર સબંધીઓ પાસેથી અલગ અલગ રકમ મળી કુલ રૂ. ૫૦,૦૦૦ પેટીએમ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી ચીટીંગ કરી સોશ્યલ મીડિયાનો દુરઉપયોગ અને સાયબર ક્રાઈમ આચરનાર જામનગરના ધાર્મિક રસીક્ભાઇ પાબારી, જાતે લોહાણા, રહે, શ્રીજીકૃપા,  પટેલ કોલોની શેરી નં. ૯ વાળાને વાળાને પકડી પાડી સાયબર ક્રાઇમનો ગુન્હો શોધી કાઢવામાં સફળતા મેળવી છે.

- text

વધુમાં આ બાબતે તપાસ કરતા અન્ય લોકોના પણ ફેસબુક આઇડી હેક કરી મોટી રકમનું ચિટિંગ કર્યું હોવાનું તપાસમાં ખુલે તેવી શકયતા હોવાનું ઇન્ચાર્જ એલસીબી પીઆઇ વ્યાસે જણાવી જામનગરના ભેજાબાજ શખ્સને રિમાન્ડ પર મેળવવા તજવીજ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ મોરબી એલસીબીએ પડકારજનક કહી શકાય તેવા વાંકાનેરની યુવતીને ફેસબુક ઇન્સ્ટાગ્રામ માધ્યમથી હેરાનગતિ કરનાર સાધુને ઝડપી લેવામાં સફળતા મેળવી હતી અને આવા જ સાયબર ક્રાઇમના બીજા ગુન્હામાં નાણાંકીય છેતરપિંડી આચારનારને ઝડપી લઈ કાબીલેદાદ કામગીરી કરતા જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓએ એલસીબી ટીમને શાબાશી આપી છે.

- text