મોરબી પાલિકાની રિકવિઝેશન બેઠક અનિર્ણયિત : ૯ માર્ચે ફરી બોર્ડ બેઠક

- text


રિકવિઝેશન બેઠકમાં ભાજપના ૧૭ અને કોંગ્રેસના ૨૪ સભ્યોની હાજરી : એજન્ડા મોડો મળ્યાનો ભાજપના સભ્યોનો બચાવ : બેઠકમાં કોંગ્રેસનો ઉગ્ર વિરોધ

મોરબી : મોરબી પાલિકાની આજે મળેલી રિકવિઝેશન બેઠકમાં ભાજપના માત્ર ૧૭ સભ્યોની હાજરીમાં કોંગ્રેસના બહુમત ૨૪ સભ્યો દ્વારા હંગામો મચાવી સતાધારી ભાજપને ભીંસમાં લેતા બેઠક અનિર્ણયિત રહી હતી અને આગામી ૯ મી માર્ચે પુનઃ બોર્ડ બેઠક યોજવા નક્કી કરાયું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી પાલિકામાં ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે કોંગ્રેસ દ્વારા રિકવિઝેશન બેઠક બોલાવવા માંગ કરવા છતાં બબ્બે માસથી બોર્ડ બેઠક ન બોલાવતા અંતે જિલ્લા કલેકટરના આદેશ બાદ આજે રિકવિઝેશન બેઠક બોલાવવામાં આવી હતી, પરંતુ ભાજપના માત્ર ૧૭ સભ્યો જ બેઠક માં હાજર હોય એજન્ડા સમયસર ન મળ્યાનું કારણ આગળ ધરી આગામી ૯ માર્ચે ફરી બોર્ડ બેઠક બોલાવવા નક્કી કરી બેઠક આટોપી લેવામાં આવી હતી. જેનો કોંગ્રેસના સભ્યો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.

- text

બીજી તરફ આ બેઠક મામલે કોંગ્રેસે જણાવ્યું હતું કે ગેરકાયદેસર રીતે સતાધારી પક્ષે બેઠક પૂર્ણ કરી લીધી છે, ઉપરાંત બોર્ડ માં કોંગ્રેસે સતાધારી પક્ષ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપ લગાવી તપાસની માંગ કરી હતી અને અગાઉના કોંગ્રેસ કાળમાં પણ ભ્રષ્ટચાર થયો હોય તો તે તપાસ પણ કરવા માંગ કરી હતી.

દરમિયાન ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ આજની બેઠક અંગે જણાવ્યું હતું કે બેઠકમાં કુલ ચાર મુદા સમાવાયા હતા પરંતુ કેટલાક સભ્યોને એજન્ડા ન મળ્યો હોય આગામી ૯ માર્ચે પુનઃ બોર્ડ બોલાવવામાં આવ્યું છે.

વધુમાં સતાધારી પક્ષ લઘુમતીમાં મુકવા અંગેની વાતનો છેદ ઉડાવી ચીફ ઓફિસર સરૈયાએ જણાવ્યું હતું કે આજની બેઠકમાં બહુમતી લઘુમતી અંગેનો કોઈ પ્રશ્ન જ ન હોય શાસક પક્ષ લઘુમતીમાં હોવાનો પ્રશ્ન જ રહેતો નથી.

- text