હળવદ પાલિકામાં પ્રમુખ, ચેરમેન કોણ ? સેન્સ લેવાઈ

- text


કચ્છના સંસદ વિનોદ ચાવડાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

હળવદ : હળવદ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની ૧૮ બેઠક સાથે જીત થતાં પાલીકામાં ચૂંટાયેલા સભ્યોના મંતવ્યો સાથે પ્રમુખ તથા ઉપ પ્રમુખ તેમજ હોદ્દેદારોની વરણી કરવા માટે હળવદના સર્કિટ હાઉસ ખાતે કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાના અધ્યક્ષ સ્થાને સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

ગત તા.૧૯ ફેબ્રુઆરીએ નગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા જેમાં ભાજપે ૨૮ બેઠકમાંથી ૧૮ બેઠકો મેળવી વિજય થઈ હતી. જેથી પાલીકા ભાજપની બનતી હોય તેના અનુસંધાને આજરોજ હળવદના વિશ્રામ ગૃહ ખાતે કચ્છ – મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાના અધ્યક્ષ સ્થાને સભ્યોના ખાતા ફાળવણી તેમજ પ્રમુખ, ઉપ પ્રમુખના હોદાઓ માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. જેમાં જિલ્લા પ્રભારી મેઘજીભાઈ કણઝરીયા તથા મોરબી જિલ્લા પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, પૂર્વ રાજય મંત્રી જયંતિભાઇ કવાડીયા સેન્સ પ્રક્રિયામાં ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.

- text

તદુપરાંત સેન્સની પ્રક્રિયાના નિરીક્ષક તરીકે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા અને મોરબી જિલ્લા પ્રભારી મેઘજીભાઈ કણઝરીયા દ્વારા પાલીકામાં ચૂંટાયેલા ભાજપના સભ્યોની બપોરે ૪ કલાકે સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી. આ તકે હળવદ ભાજપના ચૂંટાયેલા નગરપાલિકાના સભ્યો દ્વારા પ્રમુખ તથા ઉપ પ્રમુખની વરણી માટે અભિપ્રાયો લેવામાં આવ્યા હતા. જેમાં દરેક સભ્યોએ નિરીક્ષકો સમક્ષ પોતાના મત રજૂ કર્યા હતા.

આ અંગે કચ્છ સાંસદે જણાવ્યું હતું કે, તમામ જાતિના સમીકરણોને ધ્યાનમાં લઈ વિકાસલક્ષી કાર્ય કરી જનતાની સેવામાં તત્પર રહેશે તેમજ ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી સમયમાં હળવદના વિકાસને વેગવંતો બનાવશે.

આ પ્રસંગે હળવદ પ્રભારી વલ્લભભાઈ પટેલ, તાલુકા પ્રમુખ રજનીભાઇ સંઘાણી, શહેર પ્રમુખ અજયભાઈ રાવલ, રણછોડભાઈ દલવાડી, જેરામભાઈ સોનગ્રા, હિનાબેન મહેતા, તપનભાઈ દવે, રમેશ ભગત, સંદીપ પટેલ, મેહુલ પટેલ સહિત નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો તેમજ હોદ્દેદારો હળવદ વિશ્રામ ગૃહ ખાતે હાજર રહ્યા હતા.

- text