મોરબી – નવલખી રોડ ઉપર બેકાબુ બની દોડતા કોલસાના ટ્રક બંધ કરાવવા દસ દિવસનું અલ્ટીમેટમ : વિશાળ રેલી યોજાઈ

- text


કોલસાના માફિયાઓના ત્રાસમાંથી મુક્તિ અપવવા માળીયા તાલુકા સરપંચો દ્વારા કલેકટરને અપાયું આવેદન

મોરબી : નવલખી બંદરેથી મોરબી વચ્ચે કોલસા માફિયાઓના બેકાબુ બની દોડતા ડમ્પરોને કારણે અનેક માનવ જીન્દગી કાળનો કોળિયો બની છે ત્યારે આજે આ ત્રાસમાંથી મુક્તિ આપવાની માંગ સાથે મોરબી – માળીયા તાલુકાના સરપંચો દ્વાર વિશાળ રેલી યોજી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી દસ દિવસમાં બેકાબુ ટ્રક બંધ કરવા માંગ ઉઠાવી અન્યથા ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી.

આજે મોરબી માળિયા તાલુકાના સરપંચ એસોસિએશનના પ્રમુખ પ્રફુલભાઈ હોથીની આગેવાની હેઠળ ત્રિમંદીર ખાતેથી વિશાળ રેલી કાઢવામાં આવી હતી અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી દશ દિવસમાં ઓવરલોડિંગ ચાલતા ટ્રક ચાલકો બેફામ બનીને વાહન ચલાવતા હોય આવા વાહનો બંધ કરાવવા જણાવ્યું હતું અને જો દશ દિવસમાં તંત્ર કોઈ પગલાં નહીં ભારે તો આજુબાજુના ગ્રામજનો અને સરપંચ એસોસિએશન દ્વારા ઉગ્ર લડત ચલાવવામાં આવશે તેવું પણ જાહેર કર્યું હતું.

- text

ઉલ્લેખનીય છે કે મોરબી નવલખી રોડ ઉપરથી પસાર થતા ભારે વાહનો અને ડ્રાઇવરોની અવડચંડાઇ તથા બેફિકરાઇ ભર્યા ડ્રાઇવિંગ ને કારણે અનેક નિર્દોષ લોકો મોતને ભેટ્યા છે અને ડ્રાઇવરોની દાદાગીરી મામલે અગાઉ વારંવાર રજૂઆતો કરી હોવા છતા કોઇ નક્કર પગલા લેવાતા નથી પરિણામે આ માર્ગ પરથી પસાર થતા લોકોને સાથે કફન લઈને પસાર થવું પડે છે.

તાજેતરમાં નારણકા નજીક આવા જ બેકાબુ ટ્રક ને કારણે નિર્દોષ વ્યક્તિનો ભોગ લેવાયો હોવાનું જણાવી સરપંચ એસોસિએશન દ્વારા તંત્રવાહકોને દસ દિવસનું અલ્ટીમેટમ આપી પગલાં ભરવા માંગ કરવામાં આવી હતી.

આજની રેલીમાં મોરબી માળીયા સરપંચ એસોસિએશનના હોદેદારો તથા ગ્રામજનો બહોળી સંખ્યામાં જોડાયા હતા.

- text