હળવદ નગરપાલીકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોનો ડોર ટુ ડોર પ્રચારના શ્રી ગણેશ

- text


નગરપાલિકાની સાતે-સાત વોર્ડની ૨૮ બેઠકો કબજે કરવા ભાજપના ઉમેદવારોની કવાયત શરૂ

આગામી ૧૭ જાન્યુઆરીના રોજ હળવદ નગરપાલિકાની ચૂંટણી યોજાનારી છે ત્યારે ભાજપ દ્વારા વોડ નંબર ત્રણમાં ભાજપના ચારેય ઉમેદવારોએ પોતાના મત વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. ભાજપના ઉમેદવારોને ચોતરફ મતદારોનો જનપ્રતિસાદ સાથે આવકારમાં મળ્યો હતો ત્યારે નગરપાલિકાની સાતે-સાત વોર્ડની ૨૮ બેઠકો કબજે કરશે તેવું ભાજપના ઉમેદવારોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ગત તા.૩ના રોજ ભાજપ દ્વારા નગરપાલીકાની ચૂંટણીના ઉમેદવારોની યાદી જાહેર કરાઈ હતી. જેમાં ભાજપ દ્વારા હળવદ પાલીકાની ચૂંટણી માટે સાત વોર્ડના ૨૮ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે ત્યારે ગુરૂવારે વોર્ડ નંબર ત્રણની પેનલના ચારેય ઉમેદવારોએ પોતાના મત વિસ્તાર દંતેશ્વર દરવાજા, નવું આંબેડકરનગર, રાવલ ફળી, દરબાર નાકે, મામાનો ચોરો, શમોફળી, વકીલ શેરી, પારેખ ફળી, સોનીવાડ સહીતના વિસ્તારમાં ચારેય ભાજપના ઉમેદવારોએ વિકાસના મુદ્દે કામો કરવાની ખાતરી આપી હતી.

- text

હળવદ શહેરમાં સી.સી.રોડ, સ્ટ્રીટ લાઈટો, ભુગર્ભ ગટર સહીતના વિકાસના કામો લઈને મતદારો પાસે ડોર ટુ ડોર લોકસંપર્કનું આયોજન કર્યું હતું અને ભાજપમાંથી વોર્ડ નંબર ત્રણના યુવા ઉમેદવાર હરજીભાઈ પરમારે જણાવ્યું હતું કે, આ પેનલ જીત હાંસલ કરશે તો વોર્ડ નં.૩ના પાયારૂપ પ્રશ્નો હલ કરી પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમજ “સ્વચ્છતા અભિયાન”ને પ્રથમ પ્રાધાન્ય અપાશે. હળવદ પાલિકાની ચૂંટણીમાં સાત વોર્ડની ૨૮ સીટો કબજે કરી જંગી બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટી જીતશે તેવી ઉમેદવારોએ આશા વ્યકત કરી છે.

સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં હળવદ પાલીકાના ઉમેદવારોને શહેરના તમામ જ્ઞાતિના મતદારો તરફથી ભારે પ્રતિસાદ મળ્યો હતો. આ વેળાએ હિનાબેન મહેતા, હરજીભાઈ પરમાર, જીગ્નેશભાઈ રાવલ, અવનીબેન જોષી સહીત ભાજપના કાર્યકરો ડોર ટુ ડોર પ્રચારમાં જોડાયા હતા.

- text