હળવદ જુના માલણીયાદના રસ્તા પર ગાબડા..વાહન ચાલકો પરેશાન

રોડ પર મસમોટા ગાબડા પડતા ચાર ગામના ખેડૂતો અને વાહનચાલકોને હાલાકી

હળવદ તાલુકાના જુના માલણીયાદ અને નવા માલણીયાદ વચ્ચેના રસ્તા પર ઘણા સમયથી મસમોટા ગાબડાં પડી ગયા છે. અને ચોમાસા દરમિયાન ભારે વરસાદના પગલે રોડનુ ઘોવાણ થઈ જતા ચાર ગામના લોકો, દર્દીઓ,વાહનચાલકો,તેમજ ખેડૂતોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે.સત્વરે પડેલા ગાબડા પુરાણ કરી સમારકામ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

હળવદના અમુક ગામોમાં નાળા અને રસ્તા બિસ્માર હોવાની ફરિયાદ ગ્રામીણ લોકોની ઉઠવા પામી છે.ત્યારે જુના માલણીયાદથી નવા માલણીયાદ વચ્ચે ૫ કિલોમીટર જેટલું અંતર ભારે વરસાદના પગલે રોડનું ધોવાણ થતા મસમોટા ગાબડા પડી ગયા છે. આથી વાહન ચાલકો અને ખેડુતોને પારાવાર મુશ્કેલી વેઠી પસાર થવું પડે છે. આ રોડ પર ગાબડા પડી જતા એજાર,કીડી,સહિત ચાર ગામના વાહનચાલકો તથા બિમારી સમયે દર્દીઓને ભારે મુશ્કેલીઓ પડે છે. ત્યારે માલણીયાદ ગામના સરપંચ,ભરતભાઈ, અરવિંદ ભાઈ,ઘનશ્યામભાઇ, દયારામભાઈ, વગેરેએ જણાવ્યું હતું કે અમારા ગામનો રોડ ઘણા સમયથી બિસ્માર બન્યાં છે અને મોટા ગાબડાં પડી જતાં અમારે ભારે મુસીબત પડી રહી છે. ત્યારે તંત્ર દ્વારા સત્વરે રોડ પરના ગાબડાંના પુરાણ કરી સમારકામ કરવામાં આવે તેવી ખેડૂતો તથા વાહનચાલકોની માંગ છે