હળવદ સતવારા સમાજ દ્વારા સિક્કાના પીએસઆઇ મોરીના વિરોધમાં આવેદન

- text


હળવદ : જામનગર જિલ્લાના સિક્કા ગામની મહિલા અરજદાર સાથે પીએસઆઇ મોરીએ કરેલા અભદ્ર વર્તનથી સમસ્ત સતવારા સમાજમાં રોષ વ્યાપી ગયો છે. ત્યારે આજરોજ હળવદમાં સતવારા સમાજ દ્વારા ઉગ્ર સુત્રોચ્ચાર સાથે આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી પીએસઆઇ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

સિક્કા આઉટ પોસ્ટમાં ફરજ બજાવતા પીએસઆઇ જે.કે.મોરીએ ગામની મહિલા અરજદાર સાથે બેફામ અપશબ્દો બોલ્યાનો એક ઓડીઓ કલીપ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમસ્ત સતવારા સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા જેના વિરોધમાં આજરોજ હળવદમાં સતવારા સમાજ દ્વારા સુત્રોચ્ચાર સાથે હળવદ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

હળવદ સતવારા સમાજે આ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, કોઈપણ મહિલા અરજદાર કે મહિલાઓની સાથે અભદ્ર ભાષામાં અધિકારીઓ કયારેય પણ વાતચીત ન કરી શકે. સિક્કા આઉટ પોસ્ટના પીએસઆઇ જે.કે.મોરી અત્યારથી જ મહિલાઓ સાથે આવું વર્તન કરતા હોય તો તે ખાખી વર્દીને લાયક ન ગણી શકાય તેવું આવેદનમાં જણાવ્યું હતું. તો વધુમાં ઉમેર્યું હતું કે, આ બાબતે ગુજરાત સરકારે આ ઓડિયો કલીપને ધ્યાનથી સાંભળીને મહિલા અરજદારને ન્યાય મળે તે રીતની કાર્યવાહી કરી પીએસઆઇ જે.કે. મોરીને ડીસમીસ કરવા જોઈએ જેથી અબળા નારી પર આવા અધિકારીઓના વર્તન સામે રાજય સરકારને ગંભીર નોંધ લેવી જોઈએ.

- text

હળવદ સતવારા સમાજ દ્વારા ઉગ્ર ચિમકી આપતા જણાવ્યું હતું કે સિક્કા ગામની અરજદાર મહિલાને જો આગામી સમયમાં ન્યાય નહીં મળે તો તમામ મહિલાઓ, સોશ્યલ વર્કરની મહિલાઓ તેમજ નારી કેન્દ્રના કર્મચારીઓને સાથે રાખી ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તેમજ દરેક જિલ્લામાં આવેદનપત્ર આપવામાં આવશે છતાંય ન્યાય નહીં મળે તો ગાંધીનગર મુખ્યમંત્રીના કાર્યાલય સામે ધરણા પ્રદર્શન કરવામાં આવશે અને દરેક જિલ્લામાં રેલી સ્વરૂપે વિરોધ દર્શાવવામાં આવશે.

હળવદ સતવારા સમાજ દ્વારા આજરોજ મામલતદારને આવેદનપત્ર આપી સિક્કાના પીએસઆઇ જે.કે. મોરી સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લેખીત રજૂઆત સાથે વિરોધ પ્રદર્શન સાથે માંગ કરવામાં આવી હતી. જેમાં રણછોડભાઈ દલવાડી, રમેશભાઇ ભગત, ગીરીશભાઈ લકુમ, રવજીભાઈ પરમાર, મહેશભાઈ કણઝરીયા, અનિલભાઈ દલવાડી, રમેશભાઇ દલવાડી, ભરતભાઇ દલવાડી સહિત સમાજના આગેવાનો, યુવાનો આવેદનપત્ર પાઠવામાં જોડાયા હતા.

- text