હળવદ પાલીકાની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા ટિકીટ ફાળવણીમાં વ્હાલા દવલા નીતિથી કાર્યકરોમાં અસંતોષ

આગામી પાલીકાની ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષ દ્વારા આપવામાં આવેલ મેન્ડેટથી કપરા ચઢાણ

હળવદ : કોંગ્રેસ દ્વારા નગરપાલિકાની ટિકીટ ફાળવણી કરવામાં વ્હાલા-દવલા ની નીતિ તેમજ પ્રબળ હાર ભાળી ગયેલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે તેવા સણસણતા સવાલો સાથે કાર્યકરોમાં આક્ષેપોની વણઝાર સર્જાઈ છે. તો વળી હળવદ કોંગ્રેસના નિર્ણયોને કારણે શહેરના મોટા ભાગના કાર્યકરોમાં અસંતોષની લાગણી ફેલાઈ છે.જેથી આગામી દિવસોમાં નવાજુની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે .

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂકયા છે ત્યારે હળવદ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ- કોંગ્રેસે તમામ વોર્ડના ઉમેદવારોની આખરી યાદી જાહેર કરી છે ત્યારે હળવદ કોંગ્રેસ દ્વારા જે ઉમેદવારોએ મેન્ડેટ રજુ કર્યા છે તેમાં કાર્યકરોમાં નારાજગી પ્રવર્તી ગઇ છે. હળવદ-ધ્રાંગધ્રાની વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ ત્યારથી કોંગ્રેસ હળવદ નગરપાલીકા પર કબજો કરશે તેવું વાતાવરણ ઉભું થયું હતું તેમજ રાજકીય સમીકરણોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.ત્યારે નગરજનો પણ પાલીકામાં કોગ્રેસને સતારૂઢ કરવાના મુડમા હોય પરંતુ હળવદ કોગ્રેસના બેલગામ થયેલા કહેવાતા આગેવાનો એ ટીકીટ વહેચણીમાં આખરે પોતાની મનમાની ચલાવી હોવાથી ધોળા દિવસે પાલીકાની સત્તામાં બેસવાના સપના ધૂળમાં રોળાઈ જાય તો નવાઈ નહીં?

અત્રે યાદ અપાવવું જરૂરી છેકે, ગત હળવદ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ બિનહરીફ થઈ હતી. તો બીજી તરફ આગામી પાલીકાની ચૂંટણીમાં ભાજપ સામે કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગનો માહોલ ખેલાશે ત્યારે ગત તા.૩ના રોજ કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલ ઉમેદવારોથી કાર્યકરોમાં અસંતોષ ફેલાયો છે. કોંગ્રેસ કાર્યકરોમાં માનવામાં આવી રહ્યું છેકે હળવદ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ વ્હાલા-દવલા તેમજ બેધારી નીતિથી પાલીકાની ચૂંટણીમાં કપરા ચઢાણ ગણાઈ રહ્યા છે. તદુપરાંત કોંગ્રેસ પક્ષથી વફાદાર રહેલા કાર્યકરો કોંગ્રેસ પાર્ટીના એક-મેકના નિર્ણયથી ફાળવવામાં આવેલ ટિકીટથી નારાજગી દર્શાવી હોવાનું લોકોમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.