ટ્રાફિકજામની પરિસ્થિતિ વચ્ચે મોરબીમાં ટ્રાફિક સપ્તાહની ઉજવણી

- text


વીસી ફાટકથી ગેસ્ટ હાઉસ રોડ, પરા બજાર અને શનાળા રોડ પર વાહનોના થપ્પા લાગ્યા : પોલીસની સાથે સાથે પ્રજા અને નગર પાલિકા પણ પોતાની જવાબદારી સમજી ગેરકાયદે ખડકાયેલા બાંધકામ હટાવે તો જ સ્થિતિ સુધરે

મોરબી : આજથી મોરબીમાં ટ્રાફિક સપ્તાહની ઉજવણીનો પ્રારંભ થયો છે ત્યારે બીજી તરફ સવારથી જ શહેરના જુદા – જુદા વિસ્તારોમાં ભયંકર ટ્રાફિક જામ સર્જાયો હતો.

દર વર્ષે ૨૯ જાન્યુઆરીથી ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે અને રાબેતા મુજબ પોલીસ, આરટીઓ અધિકારીઓ ડાહી, ડાહી વાતો કરી લોકોને ટ્રાફિક નિયમ ન તોડવા મંચ પરથી સલાહ આપી સપ્તાહ ઉજવણી પૂર્ણ કરી સંતોષ મને છે પરંતું મોરબીની વર્તમાન પરિસ્થિતિમાં આવા ટ્રાફિક સપ્તાહ ઉજવણી કરવાની સાથે નક્કર કામગીરી કરવી સમયની જરૂરિયાત બની છે.

આજે નગર દરવાજા ચોકમાં ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સીરામીક એસોના પ્રમુખ નીલેશ જેતપરિયા, કે.જી.કુંડરિયા,ચીફ ઓફિસર ગિરીશ સરેયા, જ્યોતિસિંહ જાડેજા ,આરટીઓના વ્યાસ સાહેબ,એએસપી અક્ષયરાજ મકવાણા ,ડીવાયએસપી બન્નો જોશી, જયંતીભાઈ રાજકોટિયા તેમજ મોરબીના તમામ પોલીસ સ્ટાફ હાજર રહયો હતો અને આ કાર્યકમમાં આરટીઓ અધિકારી વ્યાસ સાહેબ એચએસઆરપિ નંબર પ્લેટ વિશે માહિતી આપી હતી. એએસપી જણાવ્યુ હતું કે જે વસ્તુ હું કરીશ એ મારું બાળક કરશે એટલે પહેલા આપણા માં ટ્રાફિક સેન્સ આવી જોઈએ ,વીકમાં એક દિવસ સાયકલ ચલાવી જોઈએ, જયારે પોલીસ અને આગેવાનોએ નગર દરવાજા પાસે જે લોકે એ હેલ્મેટ ન પહેર્યું હોય તેમને ફૂલ આપીને વિનંતી કરીને હેલ્મેટ પહેરવાનું કહયુ હતું.

- text

જયારે એક બાજુ નગર દરવાજા ચોકમાં ટ્રાફિક સપ્તાહની ઉજવણી ચાલી રહી હતી અને અધિકારી સલાહ આપતા હતા ત્યારે બીજી તરફ વીસી ફાટકથી લઈ ગેસ્ટહાઉસ રોડ સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો અને લોકો કલાકો સુધી પરેશાન થયા હતા. આ ઉપરાંત શનાળા રોડ પર પણ આવી જ સ્થિતિ વચ્ચે ગટરના પાણી રસ્તા ઉપર ફરી વળતા ભયંકર ટ્રાફિક જામ સર્જાયો હતો.

આજે મોરબી શહેરનો વસ્તી વ્યાપ વધી રહ્યો છે ત્યારે માળખાકીય સુવિધામાં કોઈ જ બદલાવ આવ્યો નથી ઊલટું માથભારે વગદારો નીતિનિયમ નેવે મૂકી મુખ્ય રસ્તા પર માર્જિન છોડ્યા વગર બાંધકામ કરી રહ્યા હોય એ ટ્રાફિક સમસ્યા વકરી છે.

આ સંજોગોમાં મોરબી પોલીસની સાથે સાથે નગર પાલિકા અને કલેકટર તંત્ર દુરંદેશી વાપરી મોરબી ફરતો રિંગ રોડ, સ્ટ્રીટ લાઈનમાં આવતા ગેરકાયદે બાંધકામ હટાવવા, ભારે વાહનોને પ્રવેશબંધી અને ટ્રાફિક નિયમન પ્રત્યે સહિયારા પ્રયાસ કરે તો જ ટ્રાફિક પ્રશ્ન ઉકેલાશે અને મોરબીમાં થતી ટ્રાફિક સપ્તાહની ઉજવણી ખરા અર્થમાં સાર્થક બનશે.

 

- text