કાકી-ભત્રીજાને કઢંગી હાલતમાં જોઈ જનાર પતિ-સાસુની ઠંડા કલેજે હત્યા

- text


હળવદના માનસર ગામે ૧૨ દિવસ પૂર્વે બનેલ ડબલ મર્ડર કેસમાં બન્ને મૃતકોની અંતિમવિધિ પણ કરી નાખવામાં આવી : ગ્રામજનોની જાગૃતતાથી ખુલ્યો ભેદ : એફએસએલ સહિતની ટીમોના હળવદના માનસરમાં ઘામા

હળવદ : હળવદ તાલુકાના માનસર ગામમાં ચકચાર મચાવી દે તેવા કિસ્સામાં સગી કાકી અને ભત્રીજા વચ્ચે સુંવાળા સંબંધોમાં આડખીલી રૂપ બનેલા પતિ અને સાસુને પ્રેમાન્ધ બનેલા કાકી-ભત્રીજાએ રહેંસી નાખી બરોબર અંતિમવિધિ કરી નાખતા ખળભળાટ મચી ગયો છે, જો કે પાપ છાપરે ચડીને પોકારે ઉક્તિ મુજબ ગ્રામજનોએ આ હવસખોર કાકી ભત્રીજાના કારતૂત મીડિયા અને પોલીસ સુધી પહોંચાડતા હાલ બન્ને વિરુદ્ધ બેવડી હત્યાનો ગુન્હો નોંધાયો છે.

બૉલીવુડ ફિલ્મને ટક્કર મારે તેવી આ સનસનાટી મચાવનાર ઘટનાની વિગતો જોઈએ તો હળવદ તાલુકાના માનસર ગામે રહેતા વસરામભાઈ ઉર્ફે વસો સોમાભાઈ કોળી અને તેમના માતા બાલુબેન સોમાભાઈ કોળીની તા. ૫ જાન્યુઆરીના રોજ હત્યા કરી નાખ્યાં બાદ આરોપી દિપો મનજી કોળી અને મૃતક વસરામભાઈની પત્ની હીરાબેન બન્નેએ લાશને લઈ પોતાના મૂળ વતન ધ્રાંગધ્રાના કોપરણી ગામે લઈ જઈ બારો બાર અંતિમવિધિ કરી નાખી હતી.

દરમિયાન આ અત્યંત ભેદભરમ વાળા ડબલ મર્ડર કેસની જાણ માનસર ગામમાં વાયુવેગે પ્રસરી જતા ગ્રામજનો અને મૃતકના જ્ઞાતિજનો દ્વારા છાનાખૂણે આ વાતની ચર્ચા શરૂ થઈ હતી અને પોલીસ તેમજ મીડિયા સુધી વાત પહોંચાડી હતી.

બીજી તરફ આ ચકચારી કિસ્સામાં પોલીસની એક મહત્વની બ્રાન્ચને નક્કર પુરાવા અને બાતમી મળતા છેલ્લા ચારેક દિવસથી ગુપ્તરાહે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો.

- text

દરમિયાન આજે આ મામલે હળવદ તાલુકાના માનસર ગામના સરપંચ સંજયભાઈ ગોહિલે ફરિયાદી બની કાકી ભત્રીજાના પ્રેમ પ્રકરણ અને હવસખોરીમાં બબ્બે હત્યા મામલે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વિધિવત ગુન્હો દાખલ કરી આ હત્યાકાંડ અને ત્યારબાદ અંતિમવિધિમાં મદદગારી કરનાર આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે જે દિવસે હત્યાનો બનાવ બન્યો એ દિવસે મૃતક વશરામભાઈ તેમની પત્ની હીરાને દીપા સાથે કઢંગી હાલતમાં જોઈ જતા ભોપાળુ છતું થશે તેવા ડરથી દીપાએ વશરામને ધોકો ફટકારતા વશરામભાઈ ત્યાંજ ઢળી પડ્યા હતા અને આ દ્રશ્ય વશરામભાઈની માતા બાલુબેન જોઈ જતા આરોપી દીપા અને હીરાબેનએ તેમનું પણ કાસળ કાઢી નાખ્યું હતું.

આમ, પ્રેમાન્ધ બનેલા કાકી ભત્રીજાએ હવસના ખેલમાં બબ્બે લોથ ઢાળી દેતા હળવદ પોલીસે ગુન્હો નોંધ્યો છે અને આ મામલે મોરબી એલસીબી પણ કડાકા ભડાકા કરવાના મૂડમાં હોવાનું અત્યંત સુમાહિતગર વર્તુળો જણાવી રહ્યા છે.

પ્રેમાન્ધ કાકી ભત્રીજાએ માતા પુત્રએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યાની સ્ટોરી ઉપજાવી હતી..

હળવદના માનસર ગામમાં પ્રેમમાં પાગલ બનેલા કાકી ભત્રીજાએ ઠંડા કલેજે બબ્બે હત્યાને અંજામ આપ્યા બાદ લૌકિકે આવતા પરિવારજનો સમક્ષ મગરના આંસુ સારી એવી સ્ટોરી સંભળાવી હતી કે મૃતક વશરામભાઈને દારૂ પીવાની આદત હોય ગળાફાંસો ખાઈ લીધો હતો અને માતા બાલુબેને પણ આત્મહત્યા કરી લીધાનું રટણ કરી ગ્રામજનો અને સગાવહાલાઓને ઉઠાં ભણાવ્યાં હતા પરંતુ અંતે પાપ છાપરે ચડી પોકાર્યું હતું.

 

- text