વાંકાનેર અપહરણ કેસમાં બાળક મળી આવતા પોલીસને હાશકારો

પાડધરા ગામમાં દારૂડિયા શખ્સ પાસેથી બાળક મળી આવ્યું : ગળામાંથી સોનાનો ઓમકાર ગુમ

વાંકાનેર : વાંકાનેરના નવાપરા વિસ્તારમાંથી ગઈકાલે બપોરે ગુમ થયેલ બાળક વાંકાનેર તાલુકાના પાડધાર ગામેથી મળી આવતા પોલીસે હાશકારો અનુભવ્યો છે જો કે બાળકના ગળામાંથી સોનાનો ઓમકાર ગુમ થઈ ગયો છે અને દારૂડિયા શખ્સના કબજામાંથી બાળક મળી આવ્યું હોય પોલીસે ઝીણવટ ભરી તપાસ શરૂ કરી છે.

જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે બપોરે વાંકાનેરના નવાપરા વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા દિનેશભાઈ પઢીયારના દોઢ વર્ષના પુત્ર મયુરનું અપહરણ થયુ હતુ. આ મામલે પોલીસ ફરિયાદ થતા પોલીસે તુરત જ તપાસ શરૂ કરી હતી અને મયુરના પરિવાર જનો દ્વારા પણ મયુરને શોધવા આકાશ પાતાળ એક કરવામાં આવ્યું હતું.

દરમિયાન અપહૃત માસુમ બાળક વાંકાનેર નજીક પાડધરા ગામ પાસે આવેલી બેલાની ખાણ પાસે દારૂડીયા પાસેથી બાળક મળી આવતા મયુરના પરિવારજનો અને પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો

ઉલ્લેખનીય છે કે અપહૃત બાળક મયુરના ગળામાં પહેરલો સોનાનો ઓમ ગુમ થયો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

માસુમ બાળક અપહરણ મામલે બાળક મળી જતા પોલીસે રાહતનો શ્વાસ લીધો છે જો કે અપહરણ અંગે ઝીણવટ ભરી તપાસ ચાલુ છે અને કોણ ક્યારે માસુમ બાળકને ઉઠાવી ગયું તે અંગે વાંકાનેર પોલીસ ઊંડાણપૂર્વકની તપાસ કરી રહી છે.